Health: આજે વિશ્વ કિડની દિવસે જાણી લો કિડનીની સંભાળ રાખવા શું કરવું

કિડની શરીર માટે કેટલી જરૂરી છે તે કહેવાની ખાસ જરૂર નથી. કિડની શરીરમાં એકઠા થયેલા કચરાને ફિલ્ટર કરે છે અને તેને પેશાબ દ્વારા બહાર કાઢે છે. કિડની શરીરમાં પાણી અને સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ જેવા મિનરલ્સનું માપ જાળવી રાખે છે. તમે તડકો કે ખોરાક દ્વારા વિટામિન ડી લેવાની કોશિશ કરો છો, પણ તેને વિટામિન ડીમાં બદવાનું કામ પણ કિડની કરે છે. શરીરનું આ અંગ મહત્વનું છે અને જેમને કિડની સંબંધી સમસ્યાઓ હોય છે, તેમને ડાયાલિસિસથી માંડી મોંઘી અને લાંબી સારવાર લેવી પડે છે. અવયવ પ્રત્યાર્પણમાં પણ લગભગ કિડનીના કેસ સૌથી વધારે હશે, આ જોતા સમજી શકાય કે શરીરના આ મહત્વના અંગની સંભાળ ખૂબ જરૂરી છે.
શરીરની અંદર કામ કરતા અંગની સંભાળ લેવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે તમારો આહાર અને તમારી જીવનશૈલી. ચામડી બહારથી બળશે તો તમે ક્રીમ લગાડી લેશો પણ આંતરિક અવયવોની જાળવણી માટે તમારે જીવનશૈલી, ખોરાક-પાણી, કસરતો પર જ મદ્દાર રાખવાનો છે તો ચાલો જાણીએ કે કિડનીની સંભાળ રાખવા તમારે શું કરવું અને શું ન કરવું.
તમારા ખોરાક સાથે આ ખૂબ જ મહત્વનું છે…
અગાઉ કહ્યું તેમ તમે શરીરને જે આપશો શરીર તમને તે જ પાછું આપશે. હેલ્ધી ફૂડ એ હેલ્ધી બોડીની પહેલી શરત છે. કિડની બરાબર કામ કરે તે માટે ડાયેટમાં અચૂકપણે અને નિયમિતપણે લીલા શાકભાજી અને તાજા ફળોનો સમાવેશ કરવો જોઈએ જેમ કે પાલક, બ્રોકોલી, સફરજન, દાડમ, નારંગી વગેરે. આ વસ્તુઓ ન માત્ર કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, પરંતુ શરીરને જરૂરી પોષણ પણ આપે છે. પ્રોટીનયુક્ત આહાર પણ કિડની માટે ફાયદાકારક છે, પરંતુ તે તમારા શરીરની જરૂરિયાતો પ્રમાણે અન સંતુલિત માત્રામાં લેવામાં આવે તે મહત્વનું છે.
જોકે તમારી કિડની માટે ખોરાક જેટલી કે તેનાથી વધારે મહત્વની કોઈ વસ્તુ હોય તો તે છે પાણી. દરેકે દિવસમાં ઓછામાં ઓછું 8થી 10 ગ્લાસ શુદ્ધ પાણી પીવું જોઈએ. તમારા શરીરમાં પાચન ન થતાં ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ પાણી કરે છે. પાણીને લીધે કિડની સરળતાથી પોતાનું કામ કરી શકે છે. આ ઉપરાંત, હૂંફાળું પાણી, લીંબુ પાણી અને ગ્રીન ટી જેવા ડિટોક્સ ડ્રિંકનું સેવન કરવાથી કિડની સાફ રહે છે અને ઝેરી તત્વોને સરળતાથી બહાર કાઢવામાં મદદ મળે છે.
આ સાથે ઘણા લોકોને પેશાબ દબાવી રાખવાની ટેવ હોય છે. પાણી પીવા જેટલું જરૂરી છે કે તમે પેશાબ જાઓ અને ક્યારેય તેને દબાવી ન રાખો, સિવાય કે આસપાસમાં સ્વચ્છ શૌચાલયોની વ્યવસ્થા ન હોય.