તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

આરોગ્ય એક્સપ્રેસ : દુનિયામાં ફરી એક નવા વાઈરસના ભણકારા ચાલો, જાણી લઈએ આ વાઈરસ વિશે

-રાજેશ યાજ્ઞિક

દુનિયામાં કોવિડના રોગચાળા પછી એક અથવા બીજા રોગચાળાની આશંકાઓ છાશવારે સામે આવતી રહે છે. હજી તો મંકિપોક્સના જોખમમાંથી દુનિયા પૂર્ણપણે મુક્ત થઇ નથી, ત્યાં એક નવો વાઈરસ દુનિયાના દરવાજે ટકોરા મારી રહ્યો છે. આ વાઈરસનું નામ છે મારબર્ગ વાઈરસ. શું છે આ નવો વાઈરસ? કેટલો જોખમી છે આ વાઈરસ? દુનિયામાં રોગચાળો ફેલાવાનું કેટલું જોખમ છે? શું ભારત પણ તેના ભરડામાં આવી શકે? ચાલો જાણીએ.

રવાંડાના આરોગ્ય પ્રધાન, સબિન નસાન્ઝિમાનાએ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયે જાહેરાત કરી કે, તેમના દેશમાં મારબર્ગ
વાઈરસ ફાટી નીકળ્યા પછી છ લોકોના મોત થયા છે. હાલમાં, લગભગ ૨૦ દર્દીઓ, મોટાભાગે આરોગ્યસંભાળ કામદારો, સારવાર લઈ
રહ્યા છે. સત્તાવાળાઓ ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવી શકે તેવી વ્યક્તિઓને શોધી કાઢવા અને પરીક્ષણ કરવા સક્રિયપણે કામ કરી રહ્યા છે. જ્યારથી આ સમાચાર આવ્યા છે, દુનિયામાં ફરી એકવાર ચિંતા પેઠી છે.

શું છે આ મારબર્ગ વાઈરસ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર મારબર્ગ વાઇરસ રોગ એ અત્યંત વાઇરલ રોગ છે જે હેમરેજિક તાવનું કારણ બને છે, જેમાં મૃત્યુનું પ્રમાણ ૮૮% જેટલું ઊંચું છે. આ કારણે જ આ વાઈરસ અત્યંત જોખમી હોવાનું કહેવાય છે. આ વાઈરસ પણ એ જ પરિવારમાંથી આવે છે જે ઇબોલા વાઈરસ રોગનું કારણ બને છે. જર્મનીના મારબર્ગ અને ફ્રેન્કફર્ટમાં અને ૧૯૬૭માં બેલગ્રેડ, સર્બિયામાં એક સાથે બે મોટા રોગચાળા ફાટી નીકળવાના કારણે આ રોગની પ્રારંભિક ઓળખ થઈ. યુગાન્ડાથી આયાત કરાયેલા આફ્રિકન લીલા વાંદરાઓ (સેરકોપીથેકસ એથિઓપ્સ)નો ઉપયોગ કરીને પ્રયોગશાળામાં થતા પ્રયોગો સમયે આ રોગચાળો ફાટી નીકળ્યો હતો. એક અળવીતરો વિચાર આવ્યો, કે મોટાભાગના રોગચાળાના મૂળમાં વાંદરા હોય છે, આને જ વાનરવેડા કહેવાતા હશે નહીં!! જોકે, આ રોગના મૂળ માત્ર વાંદરાઓમાં નથી.

વાઈરસનો શંકાસ્પદ યજમાન આફ્રિકન ફ્રુટ બેટ (એક પ્રકારનું ચામાચીડિયા) હોવાનું માનવામાં આવે છે, જે લક્ષણો દર્શાવ્યા વિના પેથોજેન વહન કરે છે. રોગનું પ્રસારણ ચામાચીડિયાથી માણસો સહિત અન્યોમાં થઈ શકે છે. એકવાર કોઈ વ્યક્તિ વાઈરસથી સંક્રમિત થઈ જાય, પછી મારબર્ગ ચેપગ્રસ્ત લોકોના લોહી, સ્ત્રાવ, અવયવો અથવા ચેપગ્રસ્ત વ્યક્તિના અન્ય શારીરિક પ્રવાહી, અને સપાટીઓ અને સામગ્રી સાથે સીધા સંપર્ક (તૂટેલી ત્વચા અથવા મ્યુકોસ મેમ્બ્રેન દ્વારા) માનવ-થી-માનવ ટ્રાન્સમિશન દ્વારા ફેલાઈ શકે છે. (દા.ત. પથારી, કપડાં)

ચિહ્નો અને લક્ષણો
મારબર્ગ વાઈરસથી પીડિત દર્દીઓ વિવિધ લક્ષણો અનુભવી શકે છે. જેમકે,
*સ્નાયુમાં દુખાવો
*ઉચ્ચ તાવ
*તીવ્ર માથાનો દુખાવો
*ગંભીર અસ્વસ્થતા
*ગંભીર પાણીયુક્ત ઝાડા
*પેટમાં દુખાવો
*ખેંચાણ
*ઊબકા
*ઊલટી

મારબર્ગ વાઈરસ માટે ઉપચાર ઉપલબ્ધ છે?
કમનસીબે ઇબોલા પરિવારના આ વાઈરસ માટે હજી સુધી
કોઈ ચોક્કસ ઉપચાર શોધાયો નથી. હજી વૈજ્ઞાનિકો આ વાઈરસ
વિશેની જાણકારીઓ ભેગી કરીને તેના માટે વીક્સીનેશન માટે પ્રયત્નો કરી રહ્યા છે. પણ ત્યાં સુધી ‘ઉપચાર કરતા નિવારણ સારું’ જેવો તાલ છે.

શું આપણા માટે જોખમ છે?
ભારત માટે અત્યારે તો કોઈ જોખમ દેખાતું નથી. સિવાય કે આ રોગથી સંક્રમિત કોઈ વ્યક્તિ ભારતમાં પ્રવેશ કરે અથવા કોઈ
ભારતીય આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં કોઈ સંભવિત દર્દીના સંપર્કમાં આવ્યો હોય અને પછી દેશમાં પરત ફરે, પરંતુ કોવિડ રોગચાળાએ આપણને શીખવ્યું છે કે કોઈ પણ નવા રોગને અવગણવો જોઈએ નહીં અને સતર્ક રહેવું જોઈએ. તેથી સ્વચ્છતા અને વ્યક્તિથી વ્યક્તિના
સીધા સંપર્કને ટાળવો એ સાવધાની રાખવા જેવી છે. ઉપરાંત,
ઉપર જણાવેલાં લક્ષણોને અવગણવાને બદલે તરત ડોક્ટરનો સંપર્ક કરીને કોઈ ગંભીર બીમારીના લક્ષણ તો નથી ને? તે ચકાસી લેવું જોઈએ.

Also Read –

Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker