તમને પણ મોટે-મોટેથી ગીત ગાવાની ટેવ છે? જાણી લો કઈ રીતે હાર્ટને હેલ્ધી રાખવામાં કરે છે મદદ…

દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને સંગીત પસંદ ન હોય. આપણે ઘણીવાર આનંદમાં હોઈએ ત્યારે ગીતો ગુનગુનાવીએ છીએ, પણ શું તમે જાણો છો કે આ આદત માત્ર મનોરંજન નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે એક વરદાન છે? સંશોધનો અનુસાર, ગીતો ગાવા કે ગુનગુનાવવાથી આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર આશ્ચર્યજનક હકારાત્મક અસરો થાય છે.
ગીતો ગાવાથી હાર્ટને ખૂબ જ મદદ મળી રહે છે અને તે બોડી માટે એક પેન કિલરની જેમ કામ કરે છે. એક રિસર્ચમાં કરવામાં આવેલા દાવા અનુસાર ગીત ગાવાની પ્રક્રિયા આપણા મગજ અને શરીરના વિવિધ અવયવોને એક્ટિવ કરે છે. રિસર્ચમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ગીતો ગાવાથી મગજમાં લાગેલી ઈજાને મટાડવામાં પણ મદદ મળી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ ગીત ગાય છે, ત્યારે તેને જે માનસિક શાંતિ મળે છે તે તણાવ ઘટાડવામાં અત્યંત અસરકારક સાબિત થાય છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે રામબાણ
વિવિધ રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગીતો ગાવાથી કે સિંગિંગને કારણે હાર્ટબીટ અને બ્લડ પ્રેશર સામાન્ય રહે છે.
વેગસ નર્વ: વૈજ્ઞાનિકોના મતે, જ્યારે આપણે ગુનગુનાવીએ છીએ ત્યારે આપણા શરીરની ‘વેગસ નર્વ’ એક્ટિવ થાય છે. આ નસ હૃદયના ધબકારાને નિયંત્રિત કરવામાં અને તેને લયબદ્ધ રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
બ્લડ પ્રેશર: નિયમિત ગીત ગણગણવાની તમારી આદત બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે અને એને કારણે હાર્ટ એટેકનું જોખમ પણ ઘટે છે.
કુદરતી પેનકિલર અને સ્ટ્રેસ ઘટાડો
ગીત ગણગણતી વખતે જ્યારે આપણે ઊંડા શ્વાસ લઈએ છીએ અને બહાર છોડીએ છીએ, ત્યારે મગજમાં ‘એન્ડોર્ફિન’ (Endorphin) નામનું કેમિકલ રીલિઝ થાય છે. આ કેમિકલ કુદરતી પેનકિલરની જેમ કામ કરે છે, જે શરીરમાં થતા શારીરિક દુખાવાને ઓછો કરે છે. તે માનસિક તણાવ અને ચિંતાને દૂર કરી મનને પ્રફુલ્લિત રાખે છે.

બ્લડ સર્ક્યુલેશન અને રિકવરીમાં મદદ
ગીત ગાવા કે સાંભળવાથી લોહીની નસોને આરામ મળે છે, જેના કારણે શરીરમાં લોહીનો પ્રવાહ (Blood Circulation) સુધરે છે.
વર્કઆઉટ પછી: જો તમે સખત મહેનત કે કસરત કરી હોય, તો સંગીત સાંભળવાથી શરીરને જલ્દી આરામ મળે છે.
હાર્ટ સર્જરી: જે લોકોની હાર્ટની સર્જરી થઈ હોય એમના માટે ગીત ગણગણવું કે મ્યુઝિક સાંભળવું રિકવરીમાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. એટલું જ નહીં મ્યુઝિક સર્જરી પછીના સ્ટ્રેસને ઘટાડીને માનસિક શાંતિ આપે છે.
ઈમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ કરે
સિંગિંની તમારી આદત શરીરની રોગ પ્રતિકારક શક્તિ (Immunity)ને પણ મજબૂત બનાવે છે, જેનાથી આપણે અનેક નાની-મોટી બીમારીઓથી બચી શકીએ છીએ. બોડીની ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત હોય તો અનેક સમસ્યોમાંથી રાહત મળી રહે છે.



