
આજકાલ દરેકની લાઈફસ્ટાઈલ ખૂબ જ સ્ટ્રેસફૂલ છે અને આ જ કારણ છે કે લોકો મોટાભાગે મોડી રાત સુધી જાગતા હોય છે. હવે મોડી રાત સુધી જાગતા હોય અને મોબાઈલ ફોનનો ઉપયોગ ના થાય એ વાત તો અશક્ય છે. પરિણામે રાતે પથારીમાં પડીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો એ એક ડેઈલી રૂટિનનો ભાગ બની ગયો છે. પરંતુ હેલ્થ એક્સ્પર્ટ્સ દ્વારા રાતની સ્લિપિંગ સાઈકલને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું કહ્યું હેલ્થ એક્સ્પર્ટ્સે…
મુંબઈની જ એક જાણીતી હોસ્પિટલમાં સિનિયર કન્સલ્ટન્ટે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે રાતના મોડેથી સુવાને કારણે તાણ વધી શકે છે, પરંતુ મોટાભાગના લોકો આ વાતથી અજાણ હોય છે. આ સિવાય મોડે સુધી જાગવાને કારણે આરોગ્યને નુકસાન પહોંચે છે. મોડેથી સુવાને કારણે નેચરલ સ્લિપિંગ સાઈકલમાં ડિસ્ટર્બન્સ થાય છે. જો તમે પણ લાંબા સમયથી રાતે 11 વાગ્યા પછી જ ઊંઘી રહ્યા છો તો તમારી આવરદા ઘટવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
આગળ તેમણે એવું પણ જણાવ્યું હતું કે રોજ રાતે મોડા સૂવાને કારણે બોડીમાં હોર્મોનલ ઈનબેલેન્સની સમસ્યા પણ સતાવી શકે છે, પાચનશક્તિ પર પણ તેની અસર જોવા મળે છે. બોડી ટેમ્પરેચરમાં પણ ફેરફાર જોવા મળે છે.
લાંબા સમયથી તમારી સ્લિપિંગ સાઈકલ આ જ પ્રમાણેની રહે છે તો તમારી યાદશક્તિ પર પણ તેની અસર જોવા મળી શકે છે. રોજે સાતથી આઠ કલાકથી ઓછી ઊંઘ લેનારાઓની યાદશક્તિમાં ઘટાડો જોવા મળે છે. આ સિવાય તમારી એકાગ્રતા કરવાની ક્ષમતા પર પણ તેની અસર જોવા મળી શકે છે. આ સિવાય મોડે સુધી જાગવાને કારણે તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ તેની વિપરીત અસર જોવા મળી શકે છે.