સ્પેશિયલ ફિચર્સ

આજે શ્રાવણિયો સોમવાર કર્યો છે?

શિવવિજ્ઞાન –મુકેશ પંડ્યા

આજે શ્રાવણિયો સોમવાર છે. આ દિવસે માત્ર વડીલો જ નહીં પણ તેમના સંતાનો પણ હોંશે હોંશે એકટાણા-ઉપવાસ કરતાં હોય છે. જોકે મોટા ભાગે તેઓ માબાપનું માન રાખવા કે પરંપરા નિભાવવા અને ફરાળને બહાને કંઇક અલગ વાનગીઓનો સ્વાદ ચાખવા મળશે એ આશાએ ઉપવાસ કરતા હોય છે. જૈનધર્મીઓ અને સનાતનધર્મીઓના ઉપવાસમાં આ બહુ મોટો ફરક છે. જૈનો જે ઉપવાસ કરે છે એવા વિધાન સનાતનધર્મીઓમાં પણ છે જે નકોરડા ઉપવાસ તરીકે ઓળખાય છે, પણ બહુ ઓછા લોકો આવા ઉપવાસ કરતા હોય છે કે કરી શકતા હોય છે. જો કે પેટ બને એટલું ખાલી રાખીને કરેલા ઉપવાસ જ વૈજ્ઞાનિક ઉપવાસ છે. આવા ઉપવાસ દરમ્યાન આપણને ખાવાના સમયે ભૂખ તો લાગે જ છે, પણ જો મોંમાં કશું નાખ્યું ન હોય તો જે પાચકરસો ખાવાના સમયે ઝરે છે એ શરીરનો અગાઉથી ભરી રાખેલો કચરો, વિષદ્રવ્યો કે વધારાની ચરબી પચાવીને શાંત થઇ જાય છે. આપણું શરીર આજની ભાષામાં કહીએ તો ‘ડિટોક્સ’(શુદ્ધ) થઇ જાય છે. શરીરની નાની મોટી બીમારી દૂર કરવા અગાઉ ભૂખ ખેંચી કાઢવાની સલાહ આપવામાં આવતી. આયુર્વેદ તો કહે જ છે કે ‘લંઘણમ્ પરમ ઔષધમ્.’ પણ હવે આધુનિક તબીબી વિજ્ઞાન પણ આ ઉપવાસની ક્રિયાને માને છે જેને નામ અપાયું છે ઇન્ટર મિટન્ટ ફાસ્ટિંગ. આજકાલ ડાયેટિશિયનો આવા વિવિધ સમય અને પ્રકારના ઉપવાસની પોતાના દર્દીઓની બીમારી અને પ્રકૃતિ અનુસાર ભલામણ કરતા હોય છે. ચરબી કે વજન ઘટાડવા માટે પણ ઉપવાસની ભલામણ કરવામાં આવે છે.

ચોમાસાની ઋતુમાં અને ખાસ કરીને અષાઢ – શ્રાવણ મહિનામાં માણસની પાચનશક્તિ નબળી પડી જાય છે ત્યારે જ ઋષિમુનિઓએ અનેક પ્રકારના વ્રત-ઉપવાસના રિવાજ મૂકીને આપણા તન-મનના સ્વાસ્થ્ય પર મોટો ઉપકાર જ કર્યો છે. ભોજન ન મળતું હોય ત્યારે તો સહુ કોઇ ભૂખ્યા રહે, પણ સામે છપ્પન ભોગ પડ્યા હોય છતાં પણ જે મનને વશ કરીને ભૂખ ખેંચે એ દર્શાવે છે કે તે વ્યક્તિનું મનોબળ મજબૂત છે. આમ સાચો ઉપવાસ શરીર સાથે મનને પણ સ્વસ્થ બનાવે છે. તમે જ્યારે ઉપવાસ કરો છો ત્યારે તમારા તન-મનને થોડી તકલીફ તો પડે છે, પણ એ તકલીફ તમે ભોગવી લો તો તમારા કર્મો કપાય છે. તમારાથી જાણે-અજાણે કોઇ ખરાબ કર્મો થયા હોય તો કર્મની થિયરી પ્રમાણે મોડાવહેલાં એનું માઠું ફળ ભોગવવું જ પડે છે. આ માઠું ફળ એટલે શું?તમારા તનમનને તકલીફ થાય. ભવિષ્યમાં કોઇ સમસ્યા નડે. જો તમે વ્રત કે ઉપવાસ દ્વારા જાતે જ તનમનને થોડી થોડી તકલીફ આપી હોય તો કર્મ કપાય છે. બહારથી અચાનક આવતી તકલીફોમાં ઘટાડો થાય છે.

જાપાનના જીવશાસ્ત્રી યોશિનોરી ઓસુમીને ‘ઉપવાસ અને ઓટોફાગીના સંબંધ’ પર સંશોધન કરવા માટે ૨૦૧૬માં નોબેલ પ્રાઇઝ મળ્યું. ઉપવાસથી શરીરના કોષો પર કેવી અસર થાય છે અને તેને લીધે શરીરને કેટલા લાભ થાય છે તેનું વિવરણ તેમને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર અપાવી ગયું. જ્યારે આપણે ત્યાં પાર્વતીએ શિવ (કલ્યાણકારી તત્ત્વ)ને મેળવવા ઉપવાસ-જગરણ કર્યા હતા તેને ‘મિથ’ ગણીને હસી કાઢવામાં આવે છે. વાહ રે વાહ, આપણી જ સંસ્કૃતિ વિદેશી થપ્પો લઇને આવે. ઇમ્પોર્ટેડ બનીને આવે પછી જ સ્વીકારવાની આદત આપણને પડી ગઇ છે. ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ની દિને વિદેશીઓની ગુલામી દૂર થઇ, પણ ગુલામીની માનસિકતા હજી દૂર નથી થઇ. વાહ રે આપણું શિક્ષણ(?).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને? રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો…