આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ વટાણા, નહીંતર…
અત્યારે સરસમજાની શિયાળાની ઋતુ ચાલી રહી છે, અલબત્ત એ વાત અલગ છે કે વચ્ચે વચ્ચે ઠંડી મુંબઈગરા સાથે હાઈડ એન્ડ સીકની રમત રમતી હોય એમ ગાયબ થઈ જાય છે. શિયાળાની ઋતુ સાથે બજારમાં જોવા મળે તાજા તાજા લીલા શાકભાજી. શિયાળામાં મટર એટલે કે વટાણાનું શાક ખાવાનું લોકોને ખૂબ જ ગમે છે. લીલા વટાણાનું શાક જ નહીં પણ પરાઠા, છોલે, પૌંઆ, મેગી જેવી વાનગીઓમાં પણ છુટથી ઉપયોગ કરવામાં આવે છે. ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ આ લીલા વટાણા ખૂબ જ આરોગ્યપ્રદ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ આરોગ્યવર્ધક વટાણા પણ અમુક લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે? ચાલો જાણીએ કે આખરે કોણે કોણે લીલા વટાણા ના ખાવા જોઈએ-
આ પણ વાંચો: Year Ender 2024 : Google પર સર્ચ થયા આ વિટામીન અને પોષક તત્વો, જાણો તેના ફાયદા
એસિડિટીઃ
જે લોકોને એસિડિટીની સમસ્યા સતાવતી હોય એવા લોકોએ વટાણા ખાવાનું ટાળવું જોઈએ. વટાણા પચાવવામાં થોડા મુશ્કેલ હોય છે, આવી પરિસ્થિતિમાં એસિડિટીની સમસ્યાનો સામનો કરતાં હોય એવા લોકોએ તો વટાણાથી દૂર જ રહેવું જોઈએ.
કિડનીઃ
લીલા વટાણામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે જેને કારણે કિડની ફંક્શનમાં સમસ્યા આવી શકે છે. પરિણામે કિડનીની સમસ્યાથી પીડાતા હોય એવા લોકોએ પણ વટાણા કે તેમાંથી બનાવવામાં આવતી વાનગીઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
વજન ઘટાડવાઃ
વજન ઘટાડી રહ્યા હોય એવા લોકોએ પણ લીલા વટાણા ખાવાનું ટાળવું જોઈએ. વટાણામાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જેને કારણે તમારું ફેટ વધી શકે છે એટલે જો તમે પણ વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો તમારે વટાણાથી દૂર જ રહેવું જોઈએ.
યુરિક એસિડઃ
જો વારંવાર તમારા શરીરમાં પણ યુરિક એસિડનું લેવલ અપ-ડાઉન થતું હોય તો આવા સંજોગોમાં તમારે વટાણાનું સેવન ના કરવું જોઈએ. વટાણામાં પ્રોટિનની સાથે સાથે એમિનો એસિડ, વિટામિન ડી, ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે, જે તમારા યુરિક એસિડના લેવલને ટ્રિગર કરી શકે છે.