સ્પેશિયલ ફિચર્સ

Happy Birthday: દેશના આ વડા પ્રધાનને મકાનમાલિકે ભાડાના ઘરમાંથી કાઢી મૂક્યા હતા

વડા પ્રધાનનું પદ તો બંધારણીય દૃષ્ટિએ ખૂબ જ ઊંચું છે, તે દેશના મુખિયા હોય છે, પરંતુ આજકાલ તો પહેલીવાર નગરસેવક કે પંચાયતનો સભ્ય બન્યો હોય તેના ઠાઠમાઠ પણ આંખોને આંજી દે તેવા હોય છે. કોઈ રાજ્યના પ્રધાન કે સાંસદ-વિધાનસભ્યના પીએની લાઈફસ્ટાઈલ પણ કરોડપતિ જેવી હોય છે ત્યારે દેશના વડા પ્રધાન રહી ચૂકેલી વ્યક્તિ ભાડાના મકાનમાં રહે તે વાત આપણને માન્યામાં ન આવે તેવી છે. આજે આવા જ એક સાદગી અને સૌજન્યતાની મિશાલ એવા દેશના બીજા વડા પ્રધાન ગુલઝારીલાલ નંદાનો જન્મદિવસ છે. તેઓ વર્ષ 1964 અને 1966માં બે વખત ભારતના વચગાળાના વડાપ્રધાન બન્યા હતા.

ગુલઝારીલાલ નંદાનો જન્મ 4 જુલાઈ, 1898 ના રોજ સિયાલકોટમાં થયો હતો જે હવે પાકિસ્તાનમાં છે. નંદાએ લાહોર, આગ્રા અને અલ્હાબાદમાં પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું. વર્ષ 1997માં તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. 15 જાન્યુઆરી 1998ના રોજ 99 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

ગુલઝારીલાલ નંદા વર્ષ 1957 અને 1962માં બે વખત લોકસભામાં ચૂંટાયા હતા. આ પછી, જવાહરલાલ નેહરુના મૃત્યુ પછી, તેમણે 27 મે 1964ના રોજ વચગાળાના પીએમ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. આ કાર્યકાળ 13 દિવસનો હતો. આ પછી, તાશ્કંદમાં લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ પછી, તેમણે 11 જાન્યુઆરી, 1966 ના રોજ ફરીથી વચગાળાના પીએમ તરીકે શપથ લીધા. ગુલઝારી લાલ નંદા 1962 અને 1963માં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી અને 1963 થી 1966 સુધી ગૃહ મંત્રી પણ હતા.
આવા પ્રધાનના જીવન સાથે જોડાયેલી એક વાત છે.

બે વખત દેશના પીએમ અને લાંબા સમય સુધી કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા ગુજરીલાલ નંદા પાસે પોતાના અંતિમ દિવસોમાં પોતાનું ઘર પણ નહોતું. તેની પાસે ભાડું ચૂકવવા માટે પણ પૂરતા પૈસા નહોતા. તેઓ જે ભાડાના ઘરમાં રહેતા હતા ત્યા તેમમે થોડા મહિનાઓથી ભાડું ન ચૂકવવાને કારણે મકાન માલિકે તેને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. મકાનમાલિકનેય ખબર ન હતી કે તેમના ઘરમાં જે રહે છે તેઓ એક સમયે દેશના પીએમ રહી ચૂક્યા છે. જ્યારે આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા, ત્યારે કેન્દ્રીય અધિકારીઓને તેમની પાસે મોકલવામાં આવ્યા અને તેમને મહામહેનતે સ્વાતંત્ર્ય સેનાનીઓને આપવામાં આવતા 500 રૂપિયાનું ભથ્થું સ્વીકારવા માટે રાજી કરવામાં આવ્યા. જ્યારે મકાનમાલિકને ખબર પડી કે નંદા પૂર્વ પીએમ છે તો તેમણે તેમની માફી પણ માંગી.

પાંચ વર્ષના કાર્યકાળમાં સાત પેઢીનું કમાઈ લેતા આજના નેતાઓ ભલે આટલા સાદા કે પ્રામાણિક ન રહે, પણ પોતાની ફરજ અને જવાબદારી સમજી જનતાને લૂંટી લેવાની વૃત્તિમાંથી બહાર આવે તો પણ દેશ ઘણો આગળ વધે.
ગુલઝારીલાલ નંદાને તેમના જન્મદિવસ શ્રદ્ધાસુમન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button