શિયાળામાં રોજ આદુવાળી ચા ભાવે છે ને? તો આદુને લાંબો સમય સાચવવાની ટીપ્સ તો લઈ લો

એક મોટો વર્ગ આદુ બારેમાસ ખાય છે કારણ કે તે સ્વાસ્થ્ય માટે ઘણું ગૂણકારી છે અને રસોડાનો મહત્વનો મસાલો પણ.
આદુના આરોગ્યને લગતા ફાયદા અઢળક છે. તે આપણી ઇમ્યુનિટીમાં વધારો કરે છે અને તેમાં રહેલા આયુર્વેદિક ગુણો આપણને ઉધરસ, શરદી કે તાવ વગેરેથી બચાવવામાં સક્ષમ છે. પેટને લગતી સમસ્યા માટે આદુ અક્સિર માનવામાં આવે છે. રસોઈ અને ઔષધી બન્નેમાં આદુનો નિમયિત ઉપયોગ થાય છે. ખાસ કરીને શિયાળો આવે એટલે આદુનો રસ, લીંબુપાણીમાં પણ આદુ, ચામાં તો અચૂક આદુ આપણે નાખીએ છીએ. આ સાથે મોટાભાગની રેસિપિમાં આદુની પેસ્ટ કે ટૂકડા નાખવામાં આવે છે.
જોકે ઘણીવાર આદું બહુ મોંઘુ થઈ જાય છે. અથવા તો વારંવાર શાકભાજી લેવા જવાનું શક્ય ન હોવાથી ગૃહિણીઓ અને વર્કિંગ વિમેન્સ એકસાથે ખરીદી કરવાનું પસંદ કરે છે. હવે તો પણ આવું મોંઘું આદું જો બગડી જાય તો ગૃહિણીઓનો જીવ બળી જાય છે. તો આપણે આજે જાણીશું કે આદુંને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખવા શું કરવું જોઈએ.
આ પણ વાંચો: તમે ખાવ છો એ આદું અસલી છે કે નકલી? ભેટમાં આપી શકે છે જીવલેણ બીમારી…
આદુ લાંબો સમય સાચવવાની ટીપ્સ
ફ્રીજમાં મૂકતા પહેલાઃ
સૌ પ્રથમ તો જ્યારે પણ આદુને ફ્રીજમાં રાખો ત્યારે તેને ભીનું ન રાખો. જો તમે આદુને પાણીથી ધોયું હોય તો, તો તેને પંખાની નીચે થોડીવાર રાખીને સારી રીતે સૂકવી દો અને પછી જ તેને ફ્રીજમાં સ્ટોર કરો.
આ રીતે સ્ટોર કરોઃ
જ્યારે તમે આદુને ફ્રિજમાં રાખો છો, ત્યારે તમે તેને બ્રાઉન પેપરમાં લપેટીને અથવા બ્રાઉન પેપર બેગમાં મૂકીને સ્ટોર કરી શકો છો. આમ કરવાથી તેમાં ભેજ રહેશે નહીં અને તે લાંબા સમય સુધી ફ્રેશ રહેશે. જો તમે આદુને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગો છો, તો તમે તેના માટે એરટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરી શકો છો. આટલું જ નહીં, તમે લાંબા સમય સુધી ફ્રીજમાં સ્ટોર કરવા માટે ઝિપલોક પ્લાસ્ટિક બેગનો પણ ઉપયોગ કરી શકો છો. ફક્ત ધ્યાનમાં રાખો કે તે ભીના ન હોવા જોઈએ. આદું માટે બેસ્ટ ટેમ્પરેચર ફ્રિજનું ક્રિસ્પર ડ્રોઅર છે. સૌ પ્રથમ, આદુને સારી રીતે ધોઈને હવામાં સૂકવી લો અને તેને પ્લાસ્ટિક અથવા પેપર બેગમાં લપેટીને ક્રિસ્પર ડ્રોઅરમાં રાખો.
આદુને કાપશો નહીંઃ
જો તમે આદુની છાલ કાઢીને અથવા સમારીને ફ્રીજમાં રાખશો તો તે સૂકાઈ જશે અને બગડી જશે. એટલા માટે આદુને કાપ્યા કે છાલ્યા વિના ફ્રીજમાં રાખવું વધુ સારું રહેશે. આદું જેટલુ સૂકુ રહેશે તેટલું સારું રહેશે. બજારમાંથી લેતી વખતે પણ જૂનુ અને થોડું કડક લાગતું આદું લો, જેથી લાંબો સમય ટકી રહે.