વેર-વિખેર – પ્રકરણ-૬૨
બે જુવાનજોધ દીકરાના બાપ હોવા છતાંયે આ ઉંમરે કોઈ યુવાન છોકરીની વાત કરતાં લજવાતા નથી? કિરણ રાયવડેરા ‘કેમ છો ગાયત્રીબેન, ક્યાં ફરી આવ્યાં?’ કરણ સાથે રૂપાને મળ્યા બાદ ઘરે પાછાં ફરતાં રેવતીએ સહેજ હાસ્ય સાથે ગાયત્રીને આવકારી. ‘કરણ મને લઈ ગયો હતો એના મિત્રોની સાથે ઓળખાણ કરાવવા…’ ગાયત્રીએ સસ્મિત જવાબ આપ્યો. આ ઘરમાં હજુ હું નવી છું એટલે જેટલું બની શકે એટલું ઓછું બોલવામાં જ ડહાપણ છે…’ ગાયત્રીએ વિચાર્યું. ‘એના મિત્રોને કે એની પેલી ગર્લફ્રેન્ડ… રૂપાને?’ રેવતીએ હસતાં હસતાં પૂછ્યુ, રેવતીના સ્વરમાં કટાક્ષની ધાર નહોતી. ગાયત્રીએ પ્રત્યુત્તરમાં માત્ર સ્મિત ફરકાવ્યું. ‘ગાયત્રીબહેન, તમે ખોટું નહીં લગાડતાં… પણ તમને એક વિનંતી કરવાની છે. હું એ રૂપાને ઓળખું છું. મેં એના વિશે સાંભળ્યું પણ છે. એ આપણા એટલે કે અમારા ઘરને બિલકુલ લાયક નથી એ ખાતરીપૂર્વક કહી શકું છું…’ રેવતીએ ગાયત્રીનો પ્રતિભાવ જાણવા એના ચહેરા તરફ જોયું. ગાયત્રી ચૂપ રહી. રેવતી એની પાસે શું ઇચ્છે છે એ જાણી લેવું જરૂરી છે. ‘કરણભાઈ પર એ કામણગારીએ એવાં જાદુ કર્યાં છે કે એ હવે કોઈનું નથી સાંભળતા… મને લાગે છે કે એ તમારાથી ખૂબ જ ઇમ્પ્રેસ્ડ છે. એ જરૂર તમારી વાત સાંભળશે.’ રેવતીએ નિર્દોષભાવે પોતાની વાત પૂરી કરી. ‘રેવતીબહેન, તમે જાણો છો કે પ્રેમ આંધળો અને બહેરો બંને હોય છે. રૂપા વિશે કરણને જે જોવું હશે- જે સાંભળવું હશે એ જ સાંભળશે. પ્રણયમાં દીવાનાઓને આખી દુનિયા બેવકૂફ લાગે છે. દારૂનો નશો તો એક રાતની નિદ્રા બાદ ઊતરી જાય છે , પણ પ્રેમનો ખુમાર તો ઠોકર વાગ્યા બાદ ખુવાર થયા પછી જ ઊતરે છે ’ રેવતીના ખભે હાથ રાખતાં ગાયત્રીએ કહ્યું. ‘હમ્મ્મ્, તમે તો એવી રીતે વાત કરો છો જાણે તમે ખુદ આ અનુભવમાંથી પસાર થયાં હો…’ ગાયત્રી ખડખડાટ હસી પડી. ‘નાર, પ્રેમમાં પડવાની ઉંમરે હું બીજી સમસ્યાના ખાડામાં પડી ગઈ હતી. મારાં મા-બાપ પાંચ વરસ પહેલાં એક અકસ્માતમાં મૃત્યુ પામ્યાં હતાં અને ત્યારથી એકલી જીવવાનો સંઘર્ષ કર્યા કરું છું. પ્રેમ જેવો વૈભવ રાખવો મને ન પોષાય.’ ‘ઓહ, આઈ એમ સોરી, ગાયત્રીબહેન… આવડી નાની ઉંમરે તમારે આટલા કડવા અનુભવમાંથી પસાર થવું પડ્યું… અમે તો એકલાં રહી જ નથી શકતાં…’ રેવતીએ નિખાલસપણે કબૂલાત કરી. ‘એવું માનવું ભૂલભરેલું છે. એકલાં રહીએ કે કોઈની સાથે રહીએ આપણી ડિગ્નિટી – આપણું ગૌરવ જળવાવું બહુ જરૂરી છે. મને લાગ્યું કે એકલાં રહેવું સંઘર્ષમય ખરું પણ મારા આત્મસમ્માન માટે એ વધુ ઉચિત હતું એટલે કોઈના પર પણ અવલંબન રાખ્યા વિના એકલાં રહેવું પસંદ કર્યું.’ રેવતીએ જવાબ ન આપ્યો. એ નીચું જોવા લાગી. ‘માફ કરજો, રેવતીબહેન, મેં તમારું દિલ તો નથી દુભાવ્યું ને?’ ગાયત્રીએ એક હાથથી રેવતીનો ચહેરો ઊંચો કરીને એની આંખમાં આંખ પરોવી. રેવતીના આંખોમાં આંસુ તગતગતાં હતાં. સોરી, મેં તમને હર્ટ કર્યા. તમને દુ:ખ પહોંચાડવાનો મારો કોઈ ઇરાદો નહોતો.’ રેવતીનાં આંસુ પોછતાં ગાયત્રીએ કહ્યું. ‘ના… ના… તમારી વાત તદ્દન સાચી છે. માણસે પોતાના આત્મસમ્માન માટે સતત સભાન રહેવું જોઈએ. કદાચ અમે એવું નથી કરી શક્યાં.’ રેવતી ધ્રુસકે ચઢી. ‘તમે રડો નહીં, પ્લીઝ… તમારી આંખનાં આંસુ જ કહે છે કે તમે તમારા ગૌરવ માટે – આત્મસમ્માન માટે ખૂબ જ સંવેદનશીલ છો. મારી વાત માનો , રેવતીબહેન તમારા આત્માનો અવાજ જે કહે એ જ કરો. બીજાને ખુશ રાખવા પોતાના અંતરને મારી ન નાખો…’ ‘તમારી વાત સાચી છે. હું હંમેશાં એ જ વિચારતી રહું છું કે મારા હસબન્ડને કેવી રીતે ખુશ રાખી શકું. આ જ મથામણમાં હંમેશાં એમને ગમે તે જ કામ કરું છું. મારા અંદરના અવાજને ડામી દઉં છું…’ રેવતી હજી હીબકાં ભરતી હતી. ‘તમારા આત્માના અવાજને અનુસરવાથી તમારા પતિનો અનાદર નહીં થાય એનો વિશ્વાસ રાખજો. એમને ખુશ રાખવાની તમારી ઇચ્છા સમજી શકાય છે, પણ એ માટે તમારે સતત નાખુશ રહેવાની જરૂર નથી. રેવતીબહેન, તમને કદાચ નહીં ગમે, પણ એક વણમાગી સલાહ આપવાની ઇચ્છા થાય છે.’ આટલું બોલીને ગાયત્રી અટકી ગઈ. રેવતી ફરી નીચું જોઈ ગઈ. બંને વચ્ચે ભારેખમ મૌન પથરાઈ ગયું. થોડી ક્ષણ બાદ ગાયત્રીએ મૌન તોડ્યું : ‘મને લાગે છે કે તમારે તમારા સાસરે રહેવું જોઈએ. ઘણી વાર અમુક જગ્યા છોડીને આપણે આપણી જગ્યા કાયમ કરી લેતાં હોઈએ છીએ. વિચારી જોજો…’ ‘અમે મારા પતિ… એમનું શું કરવું?’ ‘આપણામાં જ્યારે આત્મવિશ્વાસ હોય ત્યારે પતિ શું આખી દુનિયા આપણી પાછળ આવે…’ રેવતીને લાગ્યું કે મહિનાઓ બાદ એ પહેલી વાર આજે હળવાશ અનુભવી રહી હતી. એણે નિર્ણય લઈ લીધો હતો. ગાડીના એરકન્ડિશનરને કારણે ધૂંધળા થયેલા કાચમાંથી જગમોહન દીવાન બહાર ઝડપથી પસાર થતા દૃશ્યોને જોઈ રહ્યો હતો. પરમ દિવસ સવારના એ આ જ રીતે ઑફિસે જવા નીકળ્યો હતો, પણ ઇરાદો હતો આત્મહત્યા કરવાનો. ડ્રાઇવર જાદવ ત્યારે પણ ચૂપચાપ ગાડી ચલાવતો હતો. કંઈ નહોતું બદલાયું, છતાંય ઘણુંબધું બદલાઈ ચૂક્યું હતું. પરમ દિવસે એ જિંદગીને ખતમ કરવા નીકળ્યો હતો. આજે એ જિંદગી નવેસરથી જીવવા નીકળ્યો હતો….પરમ દિવસ અને આજ વચ્ચે જમીન આસમાનનું અંતર હતું. એની કાર રવીન્દ્ર સદન મેટ્રોસ્ટેશન પાસેથી પસાર થઈ ત્યારે એના ચહેરા પર અનાયાસે સ્મિત ફરકી ગયું. એક જીવલેણ ઘાત માથા પરથી ઊતરી હોય એવો સંતોષ એના ચહેરા પર ઝબકી ઊઠ્યો. એને ગાયત્રી યાદ આવી ગઈ. ગઈકાલે દીવાન પરિવારમાં ગાયત્રીના આગમનથી થોડો ખળભળાટ જરૂર મચ્યો હતો, પણ પોલીસના અણધાર્યા પ્રવેશને કારણે ગાયત્રીનું આગમન ઢંકાઈ ગયું હતું. એમાંય ગાયત્રીએ જે રીતે દરમિયાનગીરી કરીને વિક્રમને બચાવ્યો હતો ત્યાર બાદ તો બધા મનોમન એનો પાડ માનતાં હતાં. વળી, દરેક એમ માનતું હતું કે ગાયત્રી બે-ત્રણ દિવસ અથવા બહુ બહુ તો એક અઠવાડિયું રહેશે. જગમોહને એને લઈને કોઈ ફોડ પાડ્યો ન હતો. હા, પ્રભાએ રાતના અનેક ઊલટાસૂલટા પ્રશ્નો કર્યા હતા : ‘આ તમને ક્યાં ભટકાઈ ગઈ?’ પ્રભાએ સૂતા પહેલા જગમોહનને પ્રશ્ન કર્યો હતો. જગમોહનને ખબર હતી કે પ્રભાનો હુમલો ગમે ત્યારે થશે. એના મનમાં એટલા બધા પ્રશ્નો ખદબદી રહ્યા હતા કે એ પૂછ્યા વિના નહીં રહી શકે. ‘કોણ ભટકાઈ ગયું?’ જગમોહને હાથમાં રહેલા પુસ્તકમાં આંખો સંતાડીને કંઈ ન સમજાયું હોય એવો ડોળ કર્યો. ‘તમારી સાથે તો વાતો કરવી જ બેકાર છે…’ પ્રભાએ છણકો કર્યો. ‘તો ન કર…’ જગમોહને પુસ્તક વાંચવાની ચેષ્ટા ચાલુ રાખી. હકીકતમાં એનું ધ્યાન પુસ્તક તરફ હતું જ નહીં પણ પ્રભા કરતાં પહેલાં પોતે સૂઈ જશે તો પત્ની વધુ છંછેડાશે એ વિચારીને કંઈ ન બન્યું હોય એમ એ પુસ્તક વાંચતો રહ્યો. એક વાર પ્રભાનું પ્રશ્નોત્તરીનું વાવાઝોડું શમી જશે પછી એ પણ સૂઈ જશે એવું એણે વિચાર્યું હતું. ‘તમારે તો એટલું જ જોઈએ છે… અરે, હું પેલી રૂપાળી છોકરીની વાત કરું છું…’ પ્રભાએ નાક ફૂલાવીને પ્રશ્નોનો મારો ચાલુ રાખ્યો. ‘કોણ છોકરી… કોણ રૂપાળી છોકરી…? પ્રભા, તારે જો મને ઉખાણાં પૂછવાનાં હોય તો મહેરબાની કરીને કાલે પૂછજે. આજે હું બહુ જ થાક્યો છું.’ ‘અરે ઉખાણાં કોણ પૂછે છે? હું તમારી પેલી ગાયત્રી વિશે પૂછું છું… એ તમને ક્યાં ભટકાઈ ગઈ…? કોઈ દિવસ નહીં ને આટલાં વરસે એ તમને મળી ગઈ.’ ‘કાશ, વરસો પહેલાં મળી હોત તો…’ જગમોહને ગંભીર વદને કહ્યું. ‘હવે લાજશરમ જેવું છે કે નહીં… બે જુવાન સંતાનના બાપ થઈને આવું બોલતાં શરમ નથી આવતી?’ પ્રભા વધુ ચિડાઈ. ‘બે નહીં, ત્રણ… પ્રભા, આપણે જ આપણાં બાળકોની ગણતરી ભૂલી જઈએ એ કેમ ચાલે…’ ‘હા… હા… ત્રણ બાળક છે એ મને ખબર છે. મારા કહેવાનો અર્થ એ હતો કે બે જુવાનજોધ દીકરાઓના બાપ હોવા છતાંય આ ઉંમરે કોઈ યુવાન છોકરીની વાત કરતાં લજવાતા નથી?’ ‘પ્રભા, તારા દિમાગમાં ગંદવાડ ભર્યો છે એટલે તું આવી વાત કરે છે… અરે હું તો એમ કહેવા માગું છું કે વરસો પહેલાં ગાયત્રી મળી ગઈ હોત તો હું શાસ્ત્રીજીનું ઋણ બહુ પહેલાં જ ઉતારી ચૂક્યો હોત…’ પોતાના હોઠ પર રમતું સ્મિત પ્રભા જોઈ ન જાય એ માટે જગમોહન આડું જોઈ ગયો. ‘ઠીક છે… ઠીક છે… હવે એનું ઋણ ઉતારતાં કેટલો સમય લાગશે? બે-ત્રણ દિવસ કે પછી જિંદગી આખી એ મહેમાન બનીને રહેવાની છે અહીં?’ ‘પ્રભા, હજી તો એ આજે જ આવી છે. મેં પહેલાં જ કહ્યું છે કે આ છોકરીએ મારા પર અંગત રીતે મોટો ઉપકાર કર્યો છે. હવે એ તકલીફમાં છે ત્યારે શું એને એમ કહી દઉં કે તું જતી રહે? તું જ વિચાર પ્રભા, તું આ સંજોગોમાં શું કરે?’ ‘આ છોકરીએ તમને કઈ રીતે મદદ કરી છે? તમે તો ચોખવટ કરવા માગતા નથી અને બસ લઈ આવ્યા એક જુવાન છોકરીને આપણે ઘેર… કંઈ પણ વિચાર્યા વિના!’ ‘ઠીક છે, એનો અર્થ કે હું કોઈ બુઢ્ઢ ી છોકરીને ઘરે લઈ આવ્યો હોત તો તને વાંધો નહોતો?’ ‘પ્લીઝ, હું મજાકના મૂડમાં નથી…’ પ્રભા રિસાઈને બોલી. જગમોહનને લાગ્યું કે સામાન્ય રીતે ગુસ્સે થયા બાદ પ્રભા જે રીતે તીણા અવાજે બોલતી એ રીતે આજે નહોતી બોલતી. પ્રભા પોતાની જાતને બદલવાની કોશિશ કરી રહી છે એ સ્પષ્ટ દેખાતું હતું. ‘અરે ભાઈ, હું પણ મજાકના મૂડમાં નથી. પણ… ’ જગમોહનને આગળ બોલતા પ્રભાએ અચાનક અટકાવ્યો: ‘તમારો દીકરો પણ તમારા જેવો જ છે. એ સીધો નથી કે તમારી-મારી ઇચ્છા મુજબ લગ્ન કરે. એણે તો કોલેજમાં કોઈને પસંદ કરી રાખી છે…’ પ્રભાથી રહેવાયું નહીં- એણે કહી નાખ્યું. જગમોહને પુસ્તક બંધ કરીને પાસેના ટેબલ પર ફંગોળ્યું : ‘વ્હોટ, મને પૂછ્યા વિના એણે છોકરીને પસંદ પણ કરી લીધી? ’ ‘અચ્છા, તો છોકરીને પસંદ કરવા પહેલાં એ તમારી પરવાનગી માગવા આવે? તમારું માથું ઠેકાણે છે કે નહીં? આમે્યા તમને કામમાં ફુરસદ ક્યાં છે? ઘરમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની તસ્દી લીધી છે ક્યારેય?’ ‘જો પ્રભા, આ સમય આપણા અંગત હિસાબ-કિતાબ પતાવવાનો નથી. કરણ મને પૂછ્યા વિના પોતાના જીવનસાથીની પસંદગી કરી લે એ બહુ જ ગંભીર બાબત છે… કોણ છે એ છોકરી?’ ‘છે કોઈ બંગાળી છોકરી છે… રૂપા નામ છે એનું એવું વિક્રમ કહેતો હતો…’ પ્રભાએ ખુલાસો કર્યો. કબીર સાથેની થયેલી વાતચીત જગમોહનને યાદ આવી ગઈ. કબીર કહેતો હતો કે વિક્રમનાં લક્ષણ સારાં દેખાતા નથી. એના પર નજર રાખજે, પણ હમણાં પ્રભાને વિક્રમ વિશે કંઈ પૂછવું નથી. ‘જો પ્રભા, તું તારી રીતે કરણને સમજાવી દેજે કે હું કોઈ પણ સંજોગોમાં હા પાડવાનો નથી. દીવાન પરિવારની ઇજ્જતનો લગીરે વિચાર ન કર્યો એણે?’ હવે ગુસ્સે થવાનો વારો જગમોહનનો હતો. ‘જગમોહન, બહુ ફિલ્મી લાગે છે આ બધું… ખાનદાનની ઇજ્જત… વગેરે વગેરે. ઘર તરફ પહેલેથી ધ્યાન આપ્યું હોત તો આ ઘડી ન આવત…’ ‘પ્રભા, તું ભૂલ કરે છે. તું હજી મને ઓળખતી નથી. તું કરણને કહી દેજે કે જો એણે મારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યાં છે તો મારા વસિયતનામામાંથી એનું નામ બાતલ કરી નાખીશ. મારી કરોડોની સંપત્તિમાંથી એને એક પણ પાઈ નહીં મળે એ એને સમજાવી દેજે. બધું પ્રેમનું ભૂત આપોઆપ ઊતરી જશે…’ ‘જે કરવું હોય એ સમજી-વિચારીને કરજો… એવું ન થાય કે છોકરો આપણા હાથમાંથી જતો રહે.’ પ્રભા આમેય જગમોહનનું આ રૂપ જોઈને મનોમન થથરી ગઈ હતી. ‘છોકરો જો મારી વાત ન માનવાનો હોય, મારું માન ન જાળવવાનો હોય તો મારે એની કોઈ જરૂર નથી…’ કારના કાચની બહાર પસાર થતાં દૃશ્યોની ગતિ ધીમી પડી ગઈ હતી. જગમોહનના વિચારોની વણઝાર પણ થંભી ગઈ. ‘શું થયું જાદવ?’ એણે ડ્રાઇવરને પૂછ્યું. ‘આગળ કોઈ અકસ્માત થયો હોય એવું લાગે છે. હું જોઉં છું.’ જાદવ બહાર નીકળવા જતો હતો ત્યાં એણે કોઈ રાહદારીનો અવાજ સાંભળ્યો: ‘ગાડી મોડ લો સાહેબ, આગે કિસીને આત્મહત્યા કી હૈ…’ (ક્રમશ:)