પ્રવાસીઓ માટે આનંદના સમાચાર : સ્ટેચ્યું ઓફ યુનિટીથી નર્મદામાં શરૂ થશે ઓમકારેશ્વર સુધીની ક્રૂઝ સેવા

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુ પ્રવાસીઓને આકર્ષવા અને બન્ને રાજ્યોની સંસ્કૃતિના દર્શન કરાવવાના હેતુથી કેવડિયાથી મધ્યપ્રદેશના ઓમકારેશ્વર સુધી ક્રુઝ સેવા દિવાળી આસપાસ શરૃ કરવામાં આવશે. જેના દ્વારા નદીમાં ૧૨૦ કિમી મુસાફરી થઇ શકશે.
મધ્યપ્રદેશમાં ક્રૂઝ ટુરિઝર માટે મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડે, ઈન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ કોલકાતાથી મધ્યપ્રદેશના કુક્ષી માટે બે ફ્લોટિંગ જેટી (પોન્ટૂન) મોકલ્યા છે. આ પોન્ટૂનનો ક્રૂઝના ટર્મિનલ રૃપે ઉપયોગ થશે. ઓમકારેશ્વર સ્થિત એકાત્મ ધામ (Statue of Oneness) થી કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ક્રુઝ ચલાવવાની દરખાસ્ત છે. મધ્યપ્રદેશ અને ગુજરાતને બે ફ્લોટિંગ જેટી અપાશે, જેમાંથી મધ્ય પ્રદેશને આ જેટી પહોંચાડવામાં આવી છે.
મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે નર્મદા નદીમાં કોઈપણ અવરોધ વિના ક્રૂઝની અવરજવર સુનિશ્ચિત થશે. કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ચંદનખેડી, કુક્ષી સુધીના કુલ ૧૨૦ કિલોમીટરના રૃટ નક્કી કરવામાં આવ્યો છે અને કુક્ષીથી પ્રવાસીઓને રોડ માર્ગે ઓમકારેશ્વરમાં આવેલ સ્ટેચ્યુ ઓફ વનનેસ સુધી લઈ જવામાં આવશે. રસ્તામાં પ્રવાસીઓને મહેશ્વર, મંડલેશ્વર અને માંડુની મુલાકાત પણ કરાવવામાં આવશે. આ માટે મધ્યપ્રદેશમાં બે ચંદનખેડી-કુક્ષી અને સાકરજા-અલીરાજપુર ખાતે અને ગુજરાતમાં હાંફેશ્વર -છોટા ઉદેપુર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડિયા ખાતે જેટી સ્થાપવામાં આવશે. ક્રૂઝ ટુરીઝમ માટે જરૃરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પોન્ટૂન એ પાણીમાં તરતું પ્લેટફોર્મ છે, જે ઘાટ કે કિનારે સ્થાપિત કરવામાં આવે છે. તે ડૂબતું નથી અને એક સાથે અનેક લોકોનું વજન ઉપાડી શકે છે. ક્રુઝમાં ૧૦૦ લોકો બેસી શકશે. ક્રુઝને પહોંચતા લાગતો સમય, ટિકિટના દર અને સ્ટોપેજ વગેરે ટેન્ડર પ્રક્રિયા બાદ નક્કી થશે.