Gold Price Today : સોનાના રોકાણકારો થયા માલામાલ, એક જ વર્ષમાં આપ્યું આટલું વળતર

મુંબઇ : દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તે પૂર્વે ધનતેરસનું પણ આગવું મહત્વ છે. ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે ધનતેરસથી આ વર્ષ સુધી સોનાએ(Gold Price Today) જોરદાર છલાંગ લગાવી છે અને રોકાણકારોને માલામાલ કર્યા છે. સોનાએ રોકાણકારોને લગભગ 30 ટકા વળતર આપ્યું છે. આ વર્ષે પણ સોનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સોનાએ પણ વર્ષ 2024માં ઇક્વિટીને પાછળ છોડી દીધી છે.
ગયા વર્ષે ધનતેરસ પર સોનું 60,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું
ગયા વર્ષે ધનતેરસ 10 નવેમ્બરે હતી. તે દિવસે સોનાનો ભાવ 60,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આ વર્ષે સોનાનો ભાવ 80 હજારની આસપાસ છે. બીજી તરફ સેન્સેક્સ પર નજર કરીએ તો છેલ્લા 6 મહિનામાં તેમાં માત્ર 8 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે વૈશ્વિક તણાવ, ફુગાવો અને આર્થિક મંદી છતાં સોનામાં સતત વધારો થયો હતો. સોનું હંમેશા રોકાણકારો માટે સૌથી સુરક્ષિત પસંદગી રહ્યું છે. વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ પણ ગયા વર્ષથી સોનાની ખરીદીમાં સતત વધારો કર્યો છે.
લગ્નસરાની સીઝનને કારણે માંગમાં વધુ વધારો થશે
આ વર્ષે ધનતેરસના કારણે સોનાની માંગ ઝડપથી વધી રહી છે. આ પછી, આગામી લગ્નની સિઝનને કારણે આ માંગ વધુ વધશે. આ દિવસોમાં બજારમાં ચાલી રહેલી ઉથલપાથલને કારણે રોકાણકારોનો સોના તરફનો ભાર વધુ વધ્યો છે. નિષ્ણાતોના મતે રોકાણકારો માટે સોનામાં રોકાણ કરવાનો હજુ યોગ્ય સમય છે.
ભવિષ્યમાં પણ સોનાની ખરીદી વધશે તેવા સંપૂર્ણ સંકેતો વિશ્વમાંથી મળી રહ્યા છે. હજુ તેની કિંમત ધીમી પડે તેવા કોઈ સંકેત નથી. રોકાણકારો ગોલ્ડ ETFમાં પણ રોકાણ કરી શકે છે. રોકાણકારો તેમના પોર્ટફોલિયોના લગભગ 10 ટકા સોનાના રૂપમાં રાખી શકે છે.