પ્રભુએ આપી બુદ્ધિ તને હે માનવ શું બનવુ છે તારે મહાદેવ કે દાનવ?
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા
ગઈ કાલે આપણે જોયું કે પૃથ્વી પર દાનવોનું રાજ વધી જાય છે ત્યારે મહાદેવ ત્રીજી આંખ ઉઘાડી શકે છે. તાંડવ નૃત્ય કરી પૃથ્વીનો પ્રલય પણ કરી શકે છે. સૂર એટલે કે દૈવીવૃત્તિ સૃષ્ટિને સૂરમાં અર્થાત્ લયમાં રાખવાનો પ્રયાસ કરે છે જયારે આસૂરી વૃત્તિ સૃષ્ટિને પ્રલયમાં ફેરવવાની કવાયત કરે છે . હવે દેવ, દાનવ અને માનવમાં માણસની ભૂમિકા અર્થાત્ મારી, તમારી, આપણી ભૂમિકા શું હોઈ શકે ? ચાલો થોડા ઊંડા ઊતરીએ.
માણસને ભગવાને ઈન્દ્રિયો આપી તેની સાથે મન, બુદ્ધિ અને અહંકાર આપી પૂર્ણ બનાવ્યો. કુદરતની આ રમતમાં માણસે ખેલાડી બનીને ઊતરવાનું હોય છે. આ તમામ ગુણોનો સદુપયોગ કરીને ફતેહ (મોક્ષ) મેળવવાની હોય છે. જે સદુપયોગ ન કરી શકે તેણે વારંવાર રમત રમવી પડે છે અર્થાત્ વારંવાર જન્મ મરણના ચક્કર કાપવા પડે છે. પત્તાની ઘણી એવી રમતો હોય છે. રમતમાં જેમાં જે માણસ જલદી છૂટો થાય એ વિજેતા ગણાય છે. બાકીનાઓની રમત ચાલુ રહે છે જ્યાં સુધી તેઓ છૂટા ન થાય. મોક્ષ ન પામે.
હવે થાય છે શું માણસ પોતાની ઈન્દ્રિયો અને મન-બુદ્ધિનો ઉપયોગ કરી દૈવી કર્યો પણ કરી શકે છે અને પાશવી કાર્યો પણ કરી શકે છે. કર્મ કરવાની પૂરી છૂટ તેને આપવામાં આવી છે. અને જે જેવા કાર્યો કરે તેને તેવા ફળ મળે છે. બાળક જન્મે ત્યારે પ્રકૃતિને આધીન હોય છે, આ જ બાળક મોટો થઈને પ્રાકૃતમાંથી સંસ્કૃત પણ થઈ શકે છે અને વિકૃત પણ થઈ શકે છે. સંસ્કૃત માણસ કુદરતની આ મહારમતમાં વિજય (મોક્ષ) ની નજીક જાય છે જયારે વિકૃત માણસ રમતમાં જ અટવાઈ જાય છે. બંધાતો જાય છે. બન્ને જણાએ કર્મો કર્યા પણ જેણે જેવા કર્મો કર્યા જેવી બુદ્ધિ વાપરી તેને તેવા ફળ મળ્યા.
શ્રાવણ જેવો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. પર્યુષણ આવી રહ્યા છે. શિવના પુત્ર ગણેશ અને પત્ની ગૌરી પણ પધારી રહ્યા છે. ત્યારે આ સમયે ઉજવાતા તહેવારો ઉત્સવો અને પ્રસંગો દરમિયાન જ્ઞાની સાધુ, સંતો અને મહારાજો તમને આ રમતમાં મદદરૂપ થવા, તમને વિજયના લક્ષ્યાંકની નજીક પહોંચાડવા, તમારા કોચ , તમારા શિક્ષક કે તમારા મેન્ટર બનીને આવે છે. શ્રાવણ મહિનામાં ખુદ શિવ પૃથ્વી પર તમારા કલ્યાણ માટે પધારે છે. હવે તમારી પાસે રમતનું જ્ઞાન છે. બુદ્ધિ છે. કોચની સહાય છે. તમારે તો ફક્ત આ બધાનો ઉપયોગ કરીને ફતેહ મેળવવાની છે. શું કરવું છે આ મહિનામાં ? ઈન્દ્રિયોને સત્કાર્યો માં વાપરવી છે કે દુષ્કર્મોમાં ?
બુદ્ધિને સુવિચાર કરવા દેવો છે કે કુવિચાર?
સમૂહ સત્સંગ કરવો છે કે સામૂહિક બળાત્કાર?
કર્મેન્દ્રિયોથી કોઈનું શોષણ કરવું છે કે સંરક્ષણ?
રમતના મેદાનમાં બધું જ તમારા હાથમાં છે.
પણ પરિણામ? પરિણામ તમારા હાથમાં નથી.
એ મહાદેવ નક્કી કરશે કે તમારી સાથે લાસ્ય નૃત્ય કરવું કે તાંડવ. (ક્રમશ:)