ગણપતિ બાપ્પા મોરયા કેમ બોલાય છે? જાણો 'મોરયા' શબ્દનો અર્થ અને રસપ્રદ ઇતિહાસ… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

ગણપતિ બાપ્પા મોરયા કેમ બોલાય છે? જાણો ‘મોરયા’ શબ્દનો અર્થ અને રસપ્રદ ઇતિહાસ…

લાડકા બાપ્પાના આગમનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને મુંબઈ સહિત દેશભરમાં ગણપતિ બાપ્પા મોર્યાનો ધ્વનિ ગુંજી ઉઠશે. પરંતુ શું તમને ખબર છે કે આ ગણપતિ બાપ્પામાં મોર્યાનો અર્થ શું છે? કેમ ગણપતિ બાપ્પાના નામ સાથે મોર્યાને જોડવામાં આવે છે? મોટાભાગના લોકોને આનો અર્થ નથી ખબર, તો ચાલો ગણેશોત્સવની આરંભ પહેલાં આ મોર્યાનું બાપ્પા સાથે શું કનેક્શન છે અને ક્યારથી બાપ્પા સાથે આ મોર્યા બોલાવવા લાગ્યું એ જાણી લઈએ…

કોણ છે આ મોર્યા?

ભગવાન ગણેશજીના ભક્તોની યાદી તો લાંબીલચક છે પણ આ બધામાં સૌથી ટોપ પર આવે છે મોરયા ગોસાવી. એવું કહેવાય છે મોરયા ગોસાવી બાપ્પાના પ્રખર ભક્ત હતા. આ મોરયા કઈ રીતે બાપ્પાના ભક્ત બન્યા એની વાત કરીએ તો એવું કહેવાય છે કે મોરયા ગોસાવી 117 વર્ષની વયે રોજ મયુરેશ્વર મંદિર જતા હતા અને પૂરી ભક્તિ સાથે બાપ્પાની પૂજા કરતાં હતા. પરંતુ ઉંમર અને નબળાઈને કારણે મોરયા ગોસાવીનો પ્રવાસ ખૂબ જ મુશ્કેલ બની રહ્યો હતો.

એવામાં એક દિવસ બાપ્પાએ મોરયા ગોસાવીના સ્વપ્નમાં આવીને તેમને કહ્યું બીજા દિવસે સ્નાન બાદ તેઓ સ્વંય મોરયાને દર્શન આપશે. બીજા દિવસે સ્વપ્નમાં જોયા પ્રમાણે મોરયા ગોસાવી ચિંચવાડાના કુંડમાં સ્નાન કરવા ગયા અને જ્યારે તેઓ ડૂબકી લગાવીને બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં ભગવાન ગણેશજીની એક પ્રતિમા આવી ગઈ.

આ રીતે જોડાયું બાપ્પા સાથે મોરયાનું નામ

મોરયાએ બાપ્પાની આ મૂર્તિની સ્થાપના મંદિરમાં કરી. આ મૂર્તિને જોઈને, તેની સ્થાપના બાદ બાપ્પામાં મોરયાની શ્રદ્ધાની અને ભક્તિ બંને વધી ગયા. મોરયાના નિધન બાદ મંદિરની બાજુમાં તેમની સમાધિ બનાવવામાં આવી. આમ એક ભગવાન અને ભક્ત વચ્ચેના ગાઢ સંબંધોને કારણે હંમેશા બાપ્પાના નામ સાથે મોર્યાનું નામ લેવામાં આવે છે.

જોકે, આ પાછળની એક બીજી પ્રચલિત લોકવાયકા એવી પણ છે કે મોરયાએ બાપ્પાની આરાધના કરીને તેમની સાથે પોતાનું નામ જોડાય એવું વરદાન માંગ્યું હતું. બાપ્પાએ મોરયાની ભક્તિતી પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું અને ત્યારથી જ્યારે જ્યારે ગણપતિજીનું નામ લેવાય છે ત્યારે તેમની સાથે તેમના પ્રખર ભક્ત કહેવાતા મોર્યાનું નામ પણ લેવામાં આવે છે.

છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. બોલો ગણપતિ બાપ્પા મોરયા…

આ પણ વાંચો…લાખો-કરોડો ભક્તોના શ્રદ્ધાસ્થાન સમા Lalbaugcha Rajaનું નામ કઈ રીતે પડ્યું? શું છે ઈતિહાસ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button