મહારાષ્ટ્રના આ ગામમાં મસ્જિદમાં થાય છે ગણેશજીની સ્થાપના, સર્વધર્મ સમભાવનો અનોખો સંદેશ… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

મહારાષ્ટ્રના આ ગામમાં મસ્જિદમાં થાય છે ગણેશજીની સ્થાપના, સર્વધર્મ સમભાવનો અનોખો સંદેશ…

જી હા, હેડિંગ લખવામાં કોઈ જ ભૂલ કે ગેરસમજ નથી થઈ. એકદમ બરાબર વાંચ્યું છે અને મજાની વાત તો એ છે કે આ ગામ આપણા મહારાષ્ટ્રમાં જ આવેલું છે. ચાલો તમને આજે જણાવીએ આખરે કયું છે આ ગામ અને કઈ રીતે ત્યાં મસ્જિદમાં ગણેશોત્સવ દરમિયાન બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે, તો ચાલો રાહ કોની જોવાઈ રહી છે…

કયું છે આ ગામ?

અમે અહીં વાત કરી રહ્યા છીએ મહારાષ્ટ્રના સાંગલી ખાતે આવેલા ગોટખીંડી નામના ગામની. બહારની દુનિયામાં જોવા મળતા ધાર્મિક, સાંપ્રદાયિક તાણની અસર ન તો આ ગામ પર જોવા મળી છે કે ન તો આ ગામના રહેવાસીઓ પર. અહીં દર વર્ષે ગામવાસીઓ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ગણેશોત્સવ દરમિયાન બાપ્પાની ગામમાં આવેલી મસ્જિદમાં સ્થાપના કરે છે.

ગામના સ્થાનિક ગણેશ મંડળના સ્થાપક અશોક પાટીલે આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ગામમાં આશરે 15,000 લોકો રહે છે અને એમાં 100 જેટલા મુસ્લિમ પરિવારોનો સમાવેશ થાય છે. તેઓ પણ ગામના ગણેશ મંડળના મેમ્બર છે અને તેઓ પ્રસાદ બનાવવા, પૂજા અર્ચના તેમ જ ગણેશોત્સવની તૈયારીઓમાં ખૂબ જ ઉત્સાહથી મદદ કરે છે.

કઈ રીતે થઈ શરૂઆત?

મસ્જિદમાં બાપ્પાની સ્થાપનાની શરૂઆત ક્યારથી થઈ એ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે 1980માં જ્યારે ગણેશોત્સવ દરમિયાન ખૂબ જ વરસાદ પડયો ત્યારે ગામના હિંદુ મુસ્લિમ સમુદાયના લોકોએ મળીને મસ્જિદમાં બાપ્પાની સ્થાપના કરવાનું નક્કી કર્યું. બસ ત્યારથી જ આ અનોખી પરંપરા શરૂ થઈ અને આજની તારીખમાં પણ ચાલી આવી છે. 10 દિવસ સુધી બાપ્પા ખૂબ જ દબદબાભેર મસ્જિદમાં બિરાજે છે અને અનંત ચતુર્દશીના દિવસે ગામમાં આવેલા જળાશયમાં વિસર્જન કરવામાં આવે છે.

પાટીલે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે એક સમય એવો પણ આવ્યો કે જ્યારે ગણેશોત્સવ અને બકરી ઈદ બને સાથે આવ્યા ત્યારે ગામના મુસ્લિમ સમુદાયના લોકોએ માત્ર નમાજ પડીને અને કુરબાની આપીને તહેવાર ઉજવ્યો હતો. એટલું જ નહીં પણ તેઓ હિંદુ તહેવારો દરમિયાન માંસાહાર કરવાનું ટાળે છે.

એક તરફ જ્યાં દેશભરમાં નાત જાત, ધર્મના નામે તોફાનો રમખાણ થઈ રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં આવેલું આ નાનકડું ગામ ખરા અર્થમાં સર્વધર્મ સમભાવનો સંદેશ આપે છે.

છે ને એકદમ યુનિક સ્ટોરી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ પણ વાંચો…ભારતનું એકમાત્ર ગણેશ મંદિર જ્યાં બાપ્પાનું વાહન મોર છે, જાણો આ મંદિરની વિશેષતાઓ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button