સ્પેશિયલ ફિચર્સ
ઘરમાં પહેલીવાર લાવી રહ્યા છો ગણેશજીને, તો અમુક વાતો ચોકક્સ ધ્યાનમાં રાખજો…

શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ તહેવારોની વણઝાર શરૂ થઈ ગઈ છે. રક્ષાબંધન અને જન્માષ્ટમી બાદ હવે દુંદાળાદેવ ગણેશજીની ભક્તિનો સમય આવી ગયો છે. 27મી ઑગસ્ટથી ગણેશોત્સવની શરૂઆત થશે. ભગવાન દસ દિવસ માટે ભકતોના ઘરે મહેમાન બનીને આવશે અને ભક્તો તેમની ભાવપૂર્વક સેવા કરશે.
મહારાષ્ટ્રમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવાતો આ તહેવાર હવે ગુજરાતમાં રણ રંગેચંગે ઉજવાય છે. ત્યારે તમે પણ ગણેશજીને ઘેર લાવવાની તૈયારી કરતા હશો. જો તમે પહેલીવાર બાપ્પાને ઘરે લાવતા હો તો તમારે અમુક બાબતોને ધ્યાનમાં લેવાની છે.

- સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ. આ ન્યાયે ઘર કે ઓફિસ જ્યાં પણ તમે ગણપતિ પધરાવો
તે જગ્યા કે તે રૂમને તમારે એકદમ ચોખ્ખો રાખવાનો છે. કોઈપણ પ્રકારની ગંદકી અહીં ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. - બાપ્પાની મૂર્તિની સ્થાપના તમારે ઉત્તર-પૂર્વની દિશામાં કરવાની છે, તે વાતનું ધ્યાન રાખજો. અને એ વાતનું ધ્યાન રાખજો કે મૂર્તિનું મુખ પશ્ચિમ તરફનું હોય.
- મૂર્તિની સ્થાપના માટે મૂહુર્ત જોવું ખૂબ જરૂરી છે. હંમેશા શુભ મૂહુર્તમાં જ મૂર્તિની સ્થાપના કરો. આમ તો બાપ્પા પોતે જ વિધ્નહર્તા છે એટલે સારા મુહૂર્તની તે દિવસે કોઈ કમી નહીં હોય.
- એક વખત મૂર્તિ પ્રસ્થાપિત થઇ જાય પછી તેની દરરોજ સવારસાંજ પૂજા-આરતી કરવી, તેમજ ભોગ લગાવવો જોઇએ. બાપ્પાને લાડુ પસંદ છે, પણ સાથે તમે ફળ અથવા અન્ય મિઠાઈ પણ ધરી શકો છો.
- એકવાર તમે એક દિવસ, દોઢ, દિવસ, પાંચ દિવસ કે દસ દિવસ માટે ગણપતિ ઘરે પધરાવો, પછી તે સમયમર્યાદામાં તમે સ્થાપન કરેલી મૂર્તિની જગ્યા તમારે બદલવાની નથી. આથી પહેલેથી જ નક્કી કરી રાખો કે તમારે ક્યા મૂર્તિનું સ્થાપન કરવું છે.
આ છતાં તમે તમારા પંડિતની સલાહ ખાસ લેજો. એક વધુ વાત જણાવી દઈએ કે ભગવાન ભાવનો ભૂખ્યો હોય છે, તે પ્રેમ માટે તમારે ઘરે આવે છે. તમારી સમૃદ્ધિ કે દેખાદેખી જોવા નહીં.
આથી જેમ બને તેમ સાદગીપૂર્ણ રીતે મનમાં સારો ભાવ રાખી બાપ્પાને ઘરે લાવો. બાપ્પા ઘરે હોય ત્યાં સુધી ઘરમાં નકારાત્મકતા ન આવે તનું તમારે પણ ધ્યાન રાખવાનું છે.
આ સાથે કોઈપણ જાતના વ્યસનો ન કરવા, બને તો માંસાહાર ન કરવો અને ઘરમાં પાવન વાતાવરણ બની રહે તેનું ધ્યાન રાખવું. જો નિયમોમાં કોઈ ભંગ થાય તો ગભરાશો નહીં, તમારો ભાવ સાચો હશે તો બાપ્પા તો પોતે જ વિધ્નો હરી તેવા તેવા છે, તે તમારી ભૂલો માફ કરી દેશે અને તેમને કોઈપણ જાતના પાપમાં પડવા દેશે નહીં.
તો કરો તૈયારી બાપ્પાને ઘેર લાવવાની, પણ હા ઈકો ફ્રેન્ડલી મૂર્તિ જ પસંદ કરજો, જેથી ભગવાને જ બનાવેલી સૃષ્ટિને આપણે દુષિત ન કરીએ.

આ પણ વાંચો…પર્યાવરણપૂરક ગણેશોત્સવ: મૂર્તિકારોને ૯૧૦ ટન મફત શાડુ માટીનું વિતરણ