ચાર વર્ષના ટેણિયાએ બહેનપણીને આ કારણે Giftમાં આપી દીધું 20 તોલા Gold
બાળકોને આપણે ત્યાં ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અને આપણે ઘણી વખત આપણી આસપાસના બાળકોની હરકત અને વાતો સાંભળીને આ વાતનો અહેસાસ પણ કરતાં હોઈએ છીએ. પરંતુ ઘણી વખત આ ભગવાનના સ્વરૂપ સમાન બાળકો આપણને એવી અવઢવમાં મૂકી દેતા હોય છે કે જેમાં શું કરવું એ જ આપણને ખબર નથી પડતી અને આવી જ કંઈક પરિસ્થિતિનો સામનો પડોશી દેશ ચીનના એક પરિવાર કરી રહ્યો છે. જેમાં એક બાળકની ભૂલને કારણે પરિવારને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આવો જોઈએ શું છે આખો મામલો…
કિંડર ગાર્ટન અને નર્સરીના બાળક પાસેથી તમે ભેટમાં પેન્સિલ, રબર કે ચોકલેટ્સ ભેટમાં આપવાની આશા રાખી શકો છો. વધુમાં વધુ એ બાળક કોઈને પોતાનું મનગતું કે મોંઘુ રમકડું કોઈને ભેટમાં આપી શકે, પરંતુ અમે તમને અહીં જે વાત કરવા જઈ રહ્યા છીએ એ કાંડ સાંભળીને તમે પણ હસવાનું નહીં રોકી શકો. આ બાળકે તેની ક્લાસમેટને ઘરની પ્રોપર્ટી ગિફ્ટમાં આપી દીધી હતી અને આવું કરવા પાછળનું કારણ જાણીને તમે ચોંકી ઉઠશો.
એક સ્થાનિક અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ચીનના સિચુઆન પ્રાંતમાં આ અનોખી અને વિચિત્ર ઘટના બની હતી જ્યાં કેજીમાં ભણી રહેલો એક બાળકને પોતાની ક્લાસમેટ એટલી બધી ગમી ગઈ કે તે એની સાથે ભવિષ્યના સપના સજાવવા લાગ્યો હતો. ચાર-પાંચ વર્ષના આ બાળકે પોતાનું કમિટમેન્ટ સાબિત કરવા માટે ઘરેથી 100-100 ગ્રામના સોનાના બે બિસ્કિટ લઈ જઈને તેની ક્લાસમેટને ગિફ્ટ કરી દીધા હતા. જ્યારે બાળકી આ સોનાના બિસ્કિટ લઈને બાળકી ઘરે પહોંચી ત્યારે તેના માતા-પિતા આ જોઈને દંગ રહી ગયા હતા.
છોકરીના માતા-પિતાએ તરત જ છોકરાના માત-પિતાનો સંપર્ક સાધ્યો હતો અને આખી ઘટના જણાવી હતી. છોકરાના માત-પિતાનું એવું કહેવું છે કે તેમણે પોતાના દીકરાને જણાવ્યું હતું કે આ સોનાના બિસ્કિટ તેની થનારી પત્ની માટે રાખવામાં આવ્યા છે. પરંતુ તેમને એ વાતની બિલકુલ આશા નહોતી કે તેમનો દીકરો કોઈને પણ કંઈ પણ કહ્યા વિના આ બિસ્કિટ આ રીતે તેની ફ્રેન્ડને આપી દેશે.
આ ઘટના સોશિયલ મીડિયા ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને આ ઘટના સાંભળવામાં ભલે મજેદાર લાગે છે, પણ એટલી જ શીખ આપનારી પણ છે. લોકો આ ઘટના વિશે સાંભળીને હસી પણ રહ્યા છે અને એની સાથે સાથે માતા-પિતાને ભવિષ્યમાં સાવધ રહેવાની સલાહ પણ આપી રહ્યા છે.