ફોરકાસ્ટ : મિસાઇલના વરસાદથી ઘેરાયેલા મધ્ય પૂર્વના દેશોનું ટેન્શન આખલાને જંપવા નહીં દે

- નિલેશ વાઘેલા
મુંબઈ: ચોમસાના વરતારા સારા હતા અને મોસમી મર્યાદાથી વધુ વરસાદની આગાહી હતી. અલબત્ત વરસાદ સમયથી પખવાડીયું વહેલો આવ્યો પરંતુ હાલ તો તેના ઠેકાણાં નથી. બીજા તરફ મધ્યપૂર્વના એશિયાઇ આકાશમાં ફર મિસાઇલોનો વરસદા શરૂ થયો છે અને તેને કારણે ઇક્વિટી માર્કેટનું માનસ ડહોળાઇ ગયું છે. નોંધવું રહ્યું કે, ઇઝરાયલે ઇરાન પર ભયાનક મિસાઇલ હુમલો શરૂ કર્યા બાદ શુક્રવારે સેન્સેક્સમાં 1337 પોઇન્ટ સુધીની જોરદાર પછડાટ જોવા મળી હતી અને 573.38 પોઇન્ટના ગાબડાં સાથે બંધ રહ્યો હતો.
ઈરાન પર ઈઝરાયલના મિસાઈલ હુમલાથી ભારે ઉથલપાથલ મચી ગઈ હોવાને કારણે શેરબજારમાં તીવ્ર કડાકો બોલાયો અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ઈરાનની પરમાણુ સુવિધાઓને નિશાન બનાવીને કરવામાં આવેલા આ હુમલાથી મધ્ય પૂર્વમાં તણાવ તીવ્રપણે વધી જવાને કારણે રોકાણકારોએ સોના અને સરકારી બોન્ડ જેવી સેફ હેવન એસેટ તરફ દોડ લગવી હતી. પુરવઠામાં વિક્ષેપ અને ઈરાન તરફથી સંભવિત પ્રતિહુમલાાની ચિંતાએ બજારની અસ્થિરતાને વધુ વેગ આપ્યો હોવાથી બજારમાં વ્યાપક વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. બંને દેશ તરફથી વહેલીતકે પીછેહઠ જોવા મળે એવા અણસાર હાલ તો જણાતા નથી.
ટેકનિકલ ઓનાલિસ્ટ જણાવે છે કે, શુક્રવારના સુધારાના પ્રયાસો છતાં, ટેકનિકલ ચાર્ટ નિફ્ટી માટે સાવચેતીભર્યું ચિત્ર રજૂ કરી રહ્યા છે. તેઓ માને છે કે તાજેતરની વેચવાલી હજુ પૂરી થઈ નથી અને કોઈ અર્થપૂર્ણ સુધારા થાય તે પહેલાં ઇન્ડેક્સ 24,060ના સ્તરને અથડાય એવી છે. આ સપ્તાહે એફઓએમસીની બેઠક, ઇઝરાયલ-ઈરાન તણાવ, બીઓજે, બીઓઇની બેઠક સહિત 10 મુખ્ય પરિબળો પર બજારનું ધ્યાન કેન્દ્રિત રહેશે. નિષ્ણાતોના મતે, ભૂ-રાજકીય તણાવ અને ઊંચા મૂલ્યાંકનને કારણે, 16 જૂનથી શરૂ થતા આ સપ્તાહમાં બજાર સાવચેતીભર્યું વલણ ચાલુ રહેવાની ધારણા છે, જેમાં ફેડરલ રિઝર્વ, બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાન જેવી વિશ્ર્વની કેન્દ્રીય બેંકોની બેઠકો અને ચોમાસાની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
બજારે તેના પાછલા અઠવાડિયાના બધા લાભ ભૂંસી નાખ્યા અને 13 જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં એક ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયો, કારણ કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા ભૂ-રાજકીય તણાવે યુએસ-ચીન વેપાર વાટાઘાટોમાં જોવા મળેલી પ્રગતિને સંપૂર્ણપણે ઢાંકી દીધી હતી.
ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે ફુગાવાના વલણમાં પલટાના ભયે પણ બજારના સેન્ટિમેન્ટ પર દબાણ આવ્યું છે, અને પરિણામે સોનામાં લાવલાવ જોવા મળી હતી, જેના ફ્યુચર્સના ભાવ 3.2 ટકાના વધારા સાથે નવા ઊંચા સ્તરે બંધ થયા.
સાપ્તાહિક ધોરણે નિફ્ટી 284 પોઈન્ટ (1.14 ટકા) ઘટીને 24,719 પર અને બીએસઈ સેન્સેક્સ 1,070 પોઈન્ટ (1.3 ટકા) ઘટીને 81,119 પર બંધ રહ્યો, જેમાં ડિફેન્સિવ (યુએસ ડોલર સામે નબળા રૂપિયાને કારણે આઇટી અને ફાર્મા) સિવાય મોટાભાગના ક્ષેત્રોમાં કરેક્શન આવ્યું. વ્યાપક બજારોમાં પણ બેન્ચમાર્ક સાથે સુસંગત સુધારા થયા, જેમાં નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ 100 બેન્ચમાર્ક ઇન્ડેક્સ અનુક્રમે 1.3 ટકા અને 1.1 ટકા ઘટ્યા હતા.
બજારને સૌથી મોટી નકારાત્મક અસર મધ્યપૂવ્રના ટેન્શનની અને તેને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં થઇ રહેલા વધારાની છે. રવિવારે સતત ત્રીજા દિવસે બંને દેશો દ્વારા મિસાઇલોના નવા હુમલા સાથે સરહદ પારથી હુમલાઓ વધુ તીવ્ર બન્યા હોવાથી બજારના સહભાગીઓ ભૂરાજકીય તણાવ પર નજર રાખશે, મધ્યપૂર્વમાં વ્યાપક સંઘર્ષની આશંકા વધી ગઈ છે. ઇઝરાયલી સૈન્ય દ્વારા તેહરાનમાં ઈરાની સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય તેમજ રાજધાનીના અન્ય સ્થળો, પરમાણુ સ્થળો અને ઇંધણ ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા હતા, કારણ કે તેમના મતે આ સ્થળો ઈરાનના મહત્વાકાંક્ષી પરમાણુ પ્રોજેક્ટ સાથે સંબંધિત છે, જ્યારે ઈરાને ઈઝરાયલના ઊર્જા માળખાગત સ્થળોને પણ નિશાન બનાવ્યા હતા. આ તણાવ વચ્ચે, રવિવારે ઓમાનમાં યુએસ-ઈરાન પરમાણુ વાટાઘાટો માટે યોજાનારી બેઠક રદ કરવામાં આવી હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના આ લોહિયાળ સંઘર્ષને સમાપ્ત કરવામાં રસ દાખવ્યો હતો, પરંતુ ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા ગંભીર મિસાઇલ હુમલાઓને ધ્યાનમાં રાખીને ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચી વર્તમાન પરિસ્થિતિઓમાં ચર્ચા આગળ વધારવા માટે તૈયાર નથી લાગતા. વધુમાં, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ આગામી દિવસોમાં ઈરાન પર વધુ ગંભીર હુમલાના સંકેત આપી રહ્યા છે. આ સ્થિતિમાં ક્રૂડ ઓઇલના ભાવ ઊછળવાની ભીતિ છે, જે ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે.
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ ઉપરાંત વૈશ્ર્વિક સ્તરે રોકાણકારો આ અઠવાડિયે યોજાનારી એફઓએમસી તથા કેન્દ્રિય બેન્કો, બેંક ઓફ જાપાન અને બેંક ઓફ ઇંગ્લેન્ડની નીતિગત બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરશે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓ 18 જૂને ફેડરલ ફંડ રેટમાં 4.5 ટકાના દરમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી અપેક્ષા રાખે છે, પરંતુ ફેડરલની ટિપ્પણી અને આર્થિક અંદાજો, ખાસ કરીને વેપાર ટેરિફ પછી, ભવિષ્યના નીતિ સંકેતો માટે બારીકાઇથી ચકાસવામાં આવશે. દરમિયાન, મે મહિનામાં ફુગાવા અને સ્થિર રોજગાર ડેટા પછી, ટ્રમ્પ વહીવટીતંત્ર ઇચ્છે છે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં વધુ ઘટાડો કરે, જેથી અર્થતંત્રને સંભવિત મંદી અથવા સ્થિરતાથી બચાવી શકાય.
આપણ વાંચો: ભારતીય શેરબજાર શરૂઆતી ઘટાડા બાદ રિકવર થયું, સેન્સેક્સ નિફ્ટીમાં વધારો
સપ્તાહ દરમિયાનની કોર્પોરેટ હલચલમાં રિલાયન્સે બ્લોકડીલમાં એશિયન પેઇન્ટ્સના રૂ. 7703 કરોડના શેર વેચ્યા છે. અંબર એન્ટરપ્રાઇસ નોઇડાના ઇલેકટ્રોનિકસ પ્લાન્ટમાં રૂ. 6000 કરોડનું રોકાણ કરશે. એનસીએલટીએ આઇનોક્સ વિન્ડ એનર્જી અને આઇવનોક્સ વિન્ડના મર્જરને મંજૂરી આપી છે. જાહેર ક્ષેત્રની ઇરેડિઆએ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ મારફત રૂ. 2000 કરોડ એકત્ર કર્યા છે. મિન્ડા કોર્પે ઓટોમોટીવ સ્વીચીસ માટે જાપાનીઝ કંપની ટોયોડેન્સો સાથે જોઇન્ટ વેન્ચર સ્થાપ્યું છે. નઝારા ટેકનોલોજીમાં રેખા ઝુનઝુનવાલાએ પોતાનો લગભગ 50 ટકા હિસ્સો ઓપન માર્કેટ સેલમાં વેચીને 3.60 ટકા સ્ટેક રાખ્યો છે. ટાટા મોટર્સ 2030 સુધીમાં સાત નવા મોડલ સહિતના પ્રોડક્ટ લોન્ચ માટે રૂ. 33,000 કરોડથી રૂ. 35,000 કરોડનું રોકાણ કરશે.
સુઝલોન એનર્જીમાં પ્રમોટર્સ ફેમીલી બલ્ક ડીલમાં 1.45 ટકા હિસ્સો વેચશે. ઇલેક્ટ્રિસિટ ડેરિવેટીવ્ઝ માટે એમસીએક્સને સેબીની મંજૂરી મળી છે. અદાણી જૂથે નાણાકીય વર્ષ 2025ના કરવેરાની ચૂકવણી માટે રૂ. 75,000 કરોડનો અંદાજ જાહેર કર્યો છે.