તમે પણ બ્રેડ, બટેટાં અને કાંદાને ફ્રિજમાં રાખો છો? આ વાંચ્યા બાદ આજથી જ બંધ કરી દેશો…

રોટી, કપડાં ઔર મકાનની જેમ હવે ફ્રિજ પણ આપણા જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયો છે. એક સમય હતો કે જ્યારે ફ્રિજ એ એક લક્ઝરી ગણાતી હતી, પરંતુ હવે સમય બદલાયો છે અને ફ્રિજ એ એક જીવન જરૂરિયાતની વસ્તુ બની છે.
આપણામાંથી અનેક લોકોનું એવું માનવું છે કે ફ્રિજમાં ખાવા-પીવાની વસ્તુઓ રાખવાથી તે લાંબો સમય સુધી ફ્રેશ રહે છે, પરંતુ હકીકતમાં એવું નથી હોતું. અમુક એવી વસ્તુ છે કે જેને ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ તો બગડે જ છે પણ એની સાથે સાથે તેની શેલ્ફ લાઈફ (ટકવાનો સમય) પણ ઓછી થઈ શકે છે. ચાલો આજે અમે અહીં તમને છ એવી વસ્તુઓ વિશે જણાવીશું કે જેને ફ્રિજમાં ભૂલથી પણ ના રાખવી જોઈએ…
આપણ વાચો: રૂ. 150000 કરોડના સામ્રાજ્યના માલિક 6 લાખ રૂપિયાની કારમાં અને મોબાઈલ વિના જીવન જીવે છે…
મધઃ

ફ્રિજમાં ના રાખવી જોઈએ એવી વસ્તુઓ વિશે વાત કરીએ તો સૌથી પહેલાં એમાં મધનું નામ આવે. મધને ફ્રિજમાંથી રાખવામાં આવે તો તે ઘટ્ટ થવા લાગે છે. મધ આમ પણ લાંબા સમય સુધી ખરાબ નથી થતું. મધને હંમેશા ઠંડી, સૂકી જગ્યા પર એક બંધ બરણીમાં રાખો, જેથી તેનો સ્વાદ અને કલર બંને જળવાઈ રહે.
બ્રેડઃ

બ્રેડને પણ ક્યારેય ફ્રિજમાં ના રાખવા જોઈએ. આપણામાંથી અનેક લોકોનું એવું માનવું છે કે બ્રેડને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે ફ્રિજમાં રાખવી જોઈએ. પરંતુ આ હકીકત નથી. બ્રેડને ફ્રિજમાં રાખવાથી તે ઝડપથી સૂકાઈ જાય છે અને વાસી થાય છે. રૂમ ટેમ્પરેચર, બ્રેડ બોક્સ કે કોટનની થેલીમાં બ્રેડને રાખવા જોઈએ.
કાંદાઃ

ફ્રિજમાં રહેલા ભેજ કાંદા માટે નુકસાનકારક હોય છે. ફ્રિજમાં રાખવાથી કાંદા જલદી ભીના અને સોફ્ટ થઈ જાય છે અને એમાં ફૂગ લાગે છે. આ કારણસર કાંદાને હંમેશા હવાવાળી જગ્યા પર રાખવા જોઈએ. આ સાથે કાંદાને ક્યારેય બટેટાં સાથે ના રાખવા જોઈએ કારણ કે એને કારણે કાંદા જલદી ખરાબ થઈ જાય છે.
બટેટાઃ

બટેટાંને પણ ફ્રિજમાં ના રાખવા જોઈએ. ઠંડકમાં બટેટાંમાં રહેલો સ્ટાર્ચ શુગરમાં કન્વર્ટ થઈ જાય છે અને એને કારણે તેના ટેસ્ટ અને ટેક્સ્ચર બંનેમાં ફરક આવી જાય છે. આવી સ્થિતિમાં બટેટાંને જ્યારે રાંધવામાં આવે ત્યારે તે થોડા મીઠા બની જાય છે. બટેટાંને હંમેશા અંધારાવાળી, ઠંડી જગ્યા પર રાખવા જોઈએ.
લસણઃ

ફ્રિજનું ટેમ્પરેચર લસણને ખૂબ જ ઝડપથી અંકુરિત કરે છે અને એનો સ્વાદ પણ બગડી જાય છે. આવું ના થાય એટલે લસણને હંમેશા સૂકી જગ્યા અને હવાવાળી જગ્યા પર રાખવા જોઈએ.
ટામેટાંઃ

ટામેટાંને ફ્રિજમાં રાખવાથી તેનો રિયલ ટેસ્ટ બગડી જાય છે. ફ્રિજમાં રાખવાથી ટામેટાં સોફ્ટ અને દાણેદાર થઈ જાય છે. આવી સ્થિતિમાં બટેટાંને ઠંડી, હવાદાર જગ્યા પર રાખો, જેથી તે ધીરે ધીરે નેચરલી પાકે.



