ફોકસ: આવો આ વખતે આપણા દુર્ગુણોના આ રાવણોને સળગાવીએ
-લોકમિત્ર ગૌતમ
અસત્ય પર સત્યના વિજયના પ્રતીકના પર્વ વિજયાદશમીનું ફક્ત હિંદુઓ માટે જ નહી, પરંતુ સમગ્ર ભારતીય સભ્યતા માટે ખૂબ મહત્ત્વ છે. પરંતુ આજે પણ જ્યારે આપણે કોઇ અહંકારી વ્યક્તિને દર્પણ બતાવવાનું હોય છે તો હિંદુસ્તાનમાં કોઇ હિંદુ હોય કે મુસ્લિમ, શીખ હોય કે ખ્રિસ્તી, તમામના મુખમાંથી એક વાક્ય નીકળે છે કે અહંકાર તો રાવણનો પણ રહ્યો નહોતો. પરંતુ હવે આપણે આ પ્રતીકને આગળ લઇ જવું પડશે અને દશેરાના આ ઉત્સવ પર આપણા દુગુર્ણોના રાવણને સળગાવીને આ મહાન તહેવારને સાર્થક સિદ્ધ કરવો પડશે. તમામ સમયની જેમ પોતાની સારી બાબતો હોય છે તેમ તમામ સમયની પોતાની ખરાબ બાબતો હોય છે. જો ત્રેતાયુગમાં રાવણ જેવા દુષ્ટ લોકો પણ હતા જેમણે ધર્મનું પાલન કરતા લોકો, ઋષિમુનિઓનું જીવન હરામ કરી નાખ્યું હતું તો હાલના સમયમાં એવી અનેક ખરાબ બાબતો છે જેનાથી સામાન્ય વ્યક્તિ દિવસ રાત પરેશાન રહે છે. આવો હાલના સમયની એવી કેટલીક ખરાબ બાબતોનું પૂતળું સળગાવી અસત્ય પર સત્યની જીતના પ્રતીક દશેરાની ઉજવણી કરીએ.
પ્લાસ્ટિક પ્રદૂષણનો રાવણ
જાણકારો અનેક દાયકાઓથી કહી રહ્યા છે કે પ્લાસ્ટિક માણસો માટે ખૂબ જીવલેણ છે. આ દિવસની સાથે ધરતીને પોતાના પ્રદૂષણથી ખત્મ કરી રહ્યું છે. દેશ જ નહીં દુનિયાભરની સરકારો લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાનું સમજાવે છે. પરંતુ પ્લાસ્ટિકનાં ઉત્પાદનો પર રોક લગાવતી નથી. પરિણામ એ આવે છે કે સરકારોના પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવા છતાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલી પુષ્કળ પ્રમાણમાં વેચાય છે અને પ્રદૂષણની સ્થિતિ દિવસે ને દિવસે વિકરાળ બનતી જાય છે. તો કેમ ના આ વખતે આપણે આ પ્લાસ્ટિકના રાવણનું દહન કરી દઇએ, પોતે અને પરિવારજનો અને મિત્રો સાથે મળીને માણસોને બીમાર કરનારી આ ખરાબ બાબતનું જાહેરમાં પૂતળું સળગાવવામાં આવે અથવા આ ડિજિટલ સમયમાં કાંઇ પણ ફૂંકવાની ડિજિટલ વિધિથી રાવણનું દહન કરીએ.
પોતાના દુર્ગુણોને લખીને હરાવો
કોઇ સાર્વજનિક સ્થળો પર કોઇ મોટું નોટિસ બોર્ડ લગાવો અને પોતાના મિત્રો, પરિવારજનો અને સંબંધીઓ અને સામાન્ય લોકોને આમંત્રિત કરો કે તેઓ તેમના સ્વભાવમાં રહેલા દુગુર્ણો છોડવાની પ્રતિજ્ઞા કરે અને આ પ્રતિજ્ઞાને એક કાગળમાં લખીને છોડવાનો સંકલ્પ કરે પછી આ સંકલ્પપત્રને નોટિસ બોર્ડમાં ચોંટાડી દે જેથી તેઓ સાક્ષી રહે કે આપણા દુગુર્ણોનો નાશ કરવાનો સંકલ્પ વિજયાદશમીના રોજ લીધો હતો. જેને આપણે પૂરો કરવો જ જોઇએ. આ પ્રેરણાથી આપણે આપણી અંદરની ખરાબ ટેવો હંમેશાં માટે આ વિજયાદશમીના રોજ ત્યાગ કરી શકીશું.
દેખાડો કરવાના ભૂતથી છુટકારો મેળવીએ
આપણે તમામ લોકો જાણીએ છીએ કે દેખાડો કરવો એ પણ ખરાબ ટેવ છે. જેના કારણે આપણે જેવા હોઇએ તેવા લોકોને દેખાતા નથી, પરંતુ લોકો સામે આપણી ખોટી છબિ બને છે. જેનાથી લોકોને દગો મળે છે. આપણું પોતાનું પણ નુકસાન થાય છે. દેખાડો કરવાના કારણે આપણે આપણાં મૂલ્યોને, આપણી પરંપરાઓને છોડી દઇએ છીએ. દેખાડો કરવાના કારણે આપણી આવક કરતા વધુ ખર્ચ કરી દઇએ છીએ. આ રીતે લોકોના દેવામાં વધારો થાય છે. આ દશેરા પર આવીએ મિત્રો સાથે મળીને પોતાની અંદર રહેલી આ દેખાડાના રાવણને હંમેશાં હંમેશાં માટે ફૂંકી નાખીએ, જેનાથી તેની ખરાબ બાબતો આપણને પરેશાન ના કરે. આપણા પારંપરિક મૂલ્યો, સંસ્કૃતિની જીવંત પરંપરાઓ સાથે જોડાઇએ અને વિજયનો અનુભવ કરીએ. આ દશેરાને સાર્થક બનાવવા માટે આ પણ એક શાનદાર રીત છે. જ્યારે આપણે આપણા દેખાડો કરવાની વૃત્તિનો ત્યાગ કરી દઇશું તો આપણે બીજાના પ્રિય બની શકીશું. તેના ઘણા ફાયદાઓ પણ મળે છે. એમ કરીને આપણે આપણી પરંપરા અને સંસ્કૃતિના મૂળ સાથે જોડાવવાના ગર્વનો અનુભવ કરીશું.
ધરતીના દુ:ખને સમજીએ
ખૂબ ખાવાનું અને ખૂબ બરબાદ કરવાની આપણી આદતોના કારણે આપણે ઝડપથી ધરતીનાં સંસાધનો છીનવી રહ્યા છીએ. આવનારી પેઢીઓને આપણે તેના જન્મ અગાઉ જ કંગાળ બનાવી રહ્યા છીએ. પોતાની આ સામૂહિક ખરાબ કુટેવો પ્રત્યે જાગૃત થવા અને આડેધડ ઉપયોગને વિરામ આપો જેથી આ સુંદર ધરતી આપણને વારસામાં મળી છે, આવનારી પેઢીઓ માટે એક યોગ્ય વ્યવસ્થા રહે. એટલા માટે આપણી મોટાભાગની ગતિવિધિઓ ઇકોફ્રેન્ડલી સાબિત થાય. આ વિજયાદશમીના રોજ નિર્ણય લઇ કે બિનજરૂરી ઉપભોગ અને બિન જરૂરી રહેણીકરણીને કારણે આપણે ધરતી પર બિનજરૂરી દબાણ ઊભું કરીશું નહીં. આ દશેરાના રોજ ઉપભોગની આપણી રાક્ષસી પ્રવૃતિની ઇચ્છાનું પૂતળું બાળીએ અને જેટલી સુંદર અને સંપન્ન ધરતી આપણે આપણા માટે ઇચ્છીએ તેટલી જ સુંદર અને સંપન્ન ધરતી બીજા માટે ઇચ્છીએ.
રાવણની ખાસિયતોને પણ ઓળખીએ
આપણે દર વર્ષે વિજયાદશમીના તહેવાર પર રાવણનું પૂતળું બાળવા માટે ઉત્સાહિત હોઇએ છીએ તેની ખરાબ બાબતો આપણને હંમેશાં યાદ રહે છે, પરંતુ એ વાત ભૂલવી ના જોઇએ કે રાવણ એક મહાવિદ્વાન અને પ્રકાંડ પંડિત હતો. એટલા માટે આપણે આજના દિવસે રાવણની ખરાબ બાબતોનું પૂતળું ફૂંકવાની સાથે સાથે રાવણની ખાસિયતોને પણ યાદ કરીએ. રાવણની ખાસિયતોને ઓળખવી જોઇએ. તેને જાણવી કે ઓળખવી પૂરતી નથી પરંતુ તેને આત્મસાત કરવી પણ જરૂરી છે. ત્યારે જ આપણી અંદર રહેલા કુટેવોના રાવણને હરાવી શકીશું. પારંપરિક દશેરા ઉજવવાના બદલે આ વર્ષે આધુનિક રીતોથી, પોતાના કાર્ય વ્યવહારને સકારાત્મક અને માનવીય બનાવીએ. રાવણના પૂતળાને બાળીને વિજયનો અનુભવ કરવાના બદલે આ વખતે પોતાની ખરાબ બાબતો અને ખરાબ આદતોના રાવણને સળગાવીએ.