પોસ્ટમાં કરાવી છે એફડી? બદલાઈ ગયા છે પ્રિ-મેચ્યોરિટી વિડ્રોલના નિયમો, જાણશો તો ફાયદામાં રહેશો…

ટેક્સ સેવિંગ અને સેફ ઈન્વેસ્ટમેન્ટ માટે જો તમે પણ પોસ્ટ ઓફિસમાં એફડી કરાવો છો તો આ સમાચાર તમારા માટે જ છે, કારણ કે નાણાં મંત્રાલય દ્વારા મેચ્યોરિટી પહેલાં એફડી તોડવાના નિયમોમાં કેટલાક મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આવો જોઈએ શું છે
આ નવો નિયમ-
નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિયમ અનુસાર હવે પોસ્ટ ઓફિસમાં પાંચ વર્ષ માટે કરવામાં આવેલી એફડી હવે ચાર વર્ષ પહેલાં બંધ નહીં કરી શકાય. આ સિવાય બાકીની એફડી માટેના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેના વિશે આપણે અહીં વાત કરવાના છીએ.
પોસ્ટ ઓફિસની અન્ય એફડીને વિડ્રોલ કરવાના નિયમ પણ બદલી નાખવામાં આવ્યા છે અને હવે કોઈ પણ એફડીને છ મહિના પહેલાં વિડ્રોલ નહીં કરી શકાય. જ્યારે એક-બે કે ત્રણ વર્ષની મર્યાદાવાળી એફડીને છ મહિના પછી પણ એક વર્ષ પહેલાં વિડ્રોલ કરશો તો તમને એની ઉપર પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટ પર આપવામાં આવતું વ્યાજ આપવામાં આવશે.
આ સિવાય બે કે ત્રણ વર્ષ માટે મૂકેલી એફડી જો એક વર્ષ બાદ પ્રી-મેચ્યોર વિડ્રોલ કરવામાં આવશે તો તેની ઉપર 2 ટકાની પેનલ્ટી આપવી પડશે. જ્યારે પાંચ વર્ષની એફડીને પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે અને ઈનકમ ટેક્સની કલમ 80 (c) હેઠળ તમે એની ઉપર ટેક્સ સેવિંગ કરી શકો છો.