કયું બ્લાઉઝ પહેરવું? મહિલાઓને મુંઝવતા પ્રશ્નનો અહીં છે ઉકેલ

ફેશન -ખુશ્બુ મૃણાલી ઠક્કર
સાડી બ્લાઉઝમાં હવે એટલી વેરાઈટી આવે છે કે ,સાડીના હિસાબે બ્લાઉઝની પસંદગી કરવામાં આવે છે. ઘણી મહિલાઓ સાડી વેચાતી લે ત્યારે તે જ સાડીનું મેચિંગ બ્લાઉઝ બનાવે. પરંતુ ઘણી મહિલાઓને પોતાની રીતે સાડીને મેચિંગ કોન્ટ્રાસ્ટ ફેબ્રિકમાં બ્લાઉઝ બનાવવાનું પ્રિફર કરે છે. ફેબ્રિકના સિલેક્શન કરતા તેઓ બ્લાઉઝની પેટર્નને વધારે મહત્ત્વ આપે છે.આજે આપડે બ્લાઉઝના ફેબ્રિકને મહત્ત્વ ન આપતા, આપણે બ્લાઉઝની પેટર્નને સમજીએ. કેટલી વિવિધ પ્રકારની પેટર્ન હોય છે,ક ઈ પેટર્ન કેવી રીતે અને કઈ સાડી સાથે મિક્સ એન્ડ મેચ કરી શકાય તે જાણીયે.

કટોરી અથવા ડાર્ટ્સ-કટોરી વાળા બ્લાઉઝ એ એક બેઝિક પેટર્ન છે જે વર્ષોથી ચાલતી આવી છે. હજી ઘણી ગૃહિણીઓ કટોરીવાળા અથવા ડાર્ટ્સવાળા બ્લાઉઝ જ પહેરવાનું પસંદ કરે છે. કટોરીવાળા બ્લાઉઝમાં પણ કંઈક અલગ પહેરવું હોય તો જ્યાં જ્યાં સિલાઈ આવે ત્યાં કોન્ટ્રાસ્ટ કલરની પાઇપિન નાખવી. પાઇપિન નાખવાથી ખૂબ જ સુંદર અને અટ્રેક્ટિવ લુક આવે છે. કટોરીવાળા અથવા ડાર્ટ્સવાળા બ્લાઉઝમાં એલ્બો સ્લીવ એક પર્ફેક્ટ લુક આપે છે. જ્યારે તમે કટોરીવાળા બ્લાઉઝ કે પછી ડાર્ટ્સવાળા બ્લાઉઝ પહેરો ત્યારે ટ્રેન્સપેરન્ટ સાડી ન પહેરવી.
પ્રિન્સેસ કટ – પ્રિન્સેસ કટ એટલે બ્લાઉઝ પહેર્યા પછી એક ફિટેડ ટોપ જેવું લાગે છે.જેમાં આર્મ હોલ પાસેથી કળી અટેચ કરવામાં આવે છે. આ બ્લાઉઝ બધીજ યુવતીઓની પસંદનું છે કારણકે આ બ્લાઉઝ પહેર્યા પછી ટિપિકલ બ્લાઉઝની ફીલ નથી આવતી. અને કોઈ પણ જાતની સાડી તમે આ બ્લાઉઝ પેટર્ન સાથે પહેરી શકો. જે યુવતીઓનું શરીર સુડોળ હોય તેઓ પ્રિન્સેસ કટના બ્લાઉઝમાં આગળથી છેડો કવર પણ નથી કરતા અને ખાસ કરીને પ્રિન્ટેડ બ્લાઉઝ કરાવે જેથી કરીને બ્લાઉઝની પેટર્ન બરાબર દેખાય. પ્રિન્સેસ કટવાળા બ્લાઉઝમાં તમે તમારા બોડી ટાઈપ મુજબ કોઈ પણ લેન્થની સ્લીવ કરાવી શકો. તમારી સાડીને અનુરૂપ તમે બ્લાઉઝની તેમજ સ્લીવ્ઝની પસંદગી કરી શકો.

બંધ ગળા અથવા હાઈ નેક – બંધ ગળા એટલે કે કલોઝ નેક બ્લાઉઝ. કલોઝ નેક બ્લાઉઝ એટલે જે બ્લાઉઝની નેકલાઇન જ્યાં ગળું પૂરું થાય ત્યાંથી જ ચાલુ થાય. એટલકે જો કલોઝ નેક બ્લાઉઝની નેક લાઈનમાં જો ડાયમન્ડ લેસ મૂકી હોય તો દૂરથી એમ જ લાગે કે કોઈ નેકલેસ પહેર્યું છે. કલોઝ નેક બ્લાઉઝ પ્રૌઢ સ્ત્રીઓમાં ખૂબ જ પ્રચલિત છે. કલોઝ નેક બ્લાઉઝમાં મોટે ભાગે સદીમાં ઝીપ આપી હોય છે અથવા તો પાછળ બટન આપ્યા હોય છે. બ્લાઉઝનું ઓપનિંગ ક્યાંથી કરવું તે તમારી પર્સનલ ચોઈસ છે. ક્લોઝ નેક બ્લાઉઝમાં પણ પ્રિન્સેસ કટ આવે છે અથવા શોલ્ડરથી કટ કરી કળી જોઈન્ટ કરવામાં આવે છે. હાઈ નેક બ્લાઉઝ એટલે જે બ્લાઉઝની નેકલાઇન ઉપર ગળા સુધી આવે. અથવા આતો નેક્લાઈનમાં જ કોલર આપવામાં આવે. આ પેટર્નના બ્લાઉઝ લાંબી પાતળી યુવતીઓ પર ખૂબ જ સુંદર લાગે છે. જો ભરેલા શરીરવાળી યુવતી અથવા સ્ત્રી હાઈ નેકવાળા બ્લાઉઝ પહેરે તો શોલ્ડર અને બાવડા ખૂબ જ ભરેલા લાગશે અને વધારે જાડા લાગશે. અને હાઈ નેક કે કલોઝ નેક વાળા બ્લાઉઝ ઓછી હાઈટ વાળી યુવતી કે સ્ત્રીએ પણ ન પહેરવા જોઈએ જેનાથી તેઓ વધારે હાઈટમાં શોર્ટ લાગશે.
ઓફ શોલ્ડર – ઓફ શોલ્ડર એટલે જે બ્લાઉઝ પેટર્નમાં શોલ્ડર ન હોય એટલે કે શોલ્ડર પર કોઈ ફેબ્રિક જ ના હોય.જેને બસ્ટિયર પણ કહી શકાય. આ બહુ જૂની બ્લાઉઝની પેટર્ન છે. જેમાં સમય જતા થોડા ઘણા ફેરફાર થયા. આ બ્લાઉઝ પેટર્ન લાંબી પાતળી અને સુડોળ શરીરવાળી યુવતીઓ પર જ સારી લાગે છે. આ બ્લાઉઝ પેટર્ન ખૂબ જ બોલ્ડ છે. આ બ્લાઉઝ પેટર્ન પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે. આ બ્લાઉઝ માત્ર બસ્ત એરિયાને જ કવર કરે છે. પરંતુ વેરિએશન માટે આ પેટર્નમાં સ્લીવ્સ પણ એડ કરવામાં આવે છે. સ્લીવ્સ પણ શોલ્ડરથી નીચે જ હોય છે. આ બ્લાઉઝ પાર્ટી વેર તરીકે ખૂબ જ સુંદર લાગે છે.
હોલ્ટર – હોલ્ટર બ્લાઉઝ પેટર્ન એટલે જે બ્લાઉઝમાં ફેબ્રિક બસ્ટિયરને કવર કરી ગળામાં પાછળ ગાંઠ બાંધવામાં આવે તેને હોલ્ટર બ્લાઉઝ પેટર્ન કહેવાય. ઘણી વખત બન્ને સાઈડ ગાંઠ એટલે કે ગળામાં પાછળ અને બેકમાં પાછળ પણ ગાંઠ બાંધવામાં આવે છે. આ હોલ્ટર બ્લાઉઝની એક બેઝિક પેટર્ન છે પરંતુ સમય જતા આમાં ઘણા વેરિએશન આવતા ગયા.આ હોલ્ટર બ્લાઉઝ પેટર્ન ફલોઈન્ગ સાડી સાથે ખૂબ જ સુંદર લાગે છે. આ બ્લાઉઝ પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે અને સુડોળ યુવતીઓ પર જ આ પેટર્ન સારી લાગે છે.