
આપણે માનીએ છીએ કે ભારતમાં જ વંશવાદ છે અને ભારતના રાજકારણીઓને પોતાનાં સંતાનોના કોઈ અવગુણ દેખાતા નથી, પોતાનાં સંતાનોને આગળ કરવા ગમે તે હદે જઈ શકે છે પણ અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને તેમના પુત્ર હન્ટર બાઈડનને માફી આપી એ જોયા પછી લાગે કે, કાગડા બધે જ કાળા છે. ભારત હોય કે અમેરિકા, નેતાઓ બધે સરખા જ છે.
હન્ટર બાઈડન સામે ગેરકાયદેસર બંદૂક રાખવાનો અને કરચોરી અંગેનો કેસ હતો. બે-ચાર અઠવાડિયામાં તેના કેસનો ચુકાદો આવવાનો હતો પણ એ પહેલાં બાઈડને પોતાના પ્રેસિડેન્શિયલ પાવર એટલે કે પ્રમુખ તરીકેની ખાસ સત્તાનો ઉપયોગ કરીને હન્ટરના ગુના માફ કરી દીધા. અમેરિકાના પ્રમુખ તરીકે બાઇડન પાસે ત્રણ વ્યક્તિની સજા માફ કરવાની સત્તા હતી ને તેનો ઉપયોગ તેમણે દીકરાને માફ કરવા કરી લીધો.
હન્ટરે ઑક્ટોબર ૨૦૧૮માં બંદૂક ખરીદેલી માહિતી છુપાવી હતી. હન્ટરે પોતે ડ્રગ્સનો વ્યસની હતો એ માહિતી આપી નહોતી. જે બે કેસમાં હન્ટર બાઇડનને દોષિત ઠેરવવામાં આવ્યો છે, તેમાંથી એક કેસમાં તેના પર એક ફોર્મમાં ખોટી માહિતી આપવાનો અને કોલ્ટ કોબ્રા રિવોલ્વર ખરીદવાનો આરોપ હતો. તેની સામે ત્રીજો કેસ એ હતો કે જ્યારે તે ડ્રગ્સનું સેવન કરતો હતો ત્યારે તેની પાસે બંદૂક હતી.
અમેરિકાના કાયદા અનુસાર, ડ્રગ્સનો નશો કરનાર બંદૂક રાખી શકતો નથી. જૂન ૨૦૨૪માં હન્ટરને ગેરકાયદેસર બંદૂકના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. એ પછી ૨૧ ઓગસ્ટે માહિતી છુપાવીને બંદૂક ખરીદવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ બંને કેસમાં હન્ટરને ડેલવેર કોર્ટમાં ચાર ડિસેમ્બરે સજા સંભળાવવાની હતી. આ કેસમાં તેને વધુમાં વધુ ૨૫ વર્ષની જેલની સજા થઈ શકે તેમ હતી.
કાયદાના જાણકારોના મતે તેને ઓછામાં ઓછી મહિનાની સજા થવાની જ હતી પણ સજાના માત્ર બે દિવસ પહેલા, પિતા બાઈડને તેમના પુત્રને બચાવવા માટે તેમની રાષ્ટ્રપતિ સત્તાનો ઉપયોગ કરીને માફ કરી દીધો.
હન્ટર સામે કરચોરીનો કેસ પણ હતો. હન્ટરે ૨૦૧૬થી ૨૦૧૯ની વચ્ચે ઇરાદાપૂર્વક સમયસર ટેક્સ ચૂકવ્યો નહોતો અને ચાર વર્ષમાં ૧૪ લાખ ડૉલર (૧૧.૮૪ કરોડ)ની કરચોરી કરી હતી.
આ કરચોરીની રકમનો ઉપયોગ હન્ટરે જલસા કરવા કર્યો હતો અને ડ્રગ્સ, સેક્સ વર્કર્સ પાછળ ડૉલરો ઉડાડ્યા હતા. આ કેસમાં ૧૬ ડિસેમ્બરે કેલિફોર્નિયાની કોર્ટમાં તેને સજા સંભળાવવાની હતી. હન્ટરને મહત્તમ ૧૫ વર્ષની જેલની સજા થાય તેમ હતી. આ સિવાય કરચોરી કરી હોય એટલી રકમનો દંડ પણ થાય તેમ હતો. આ કેસમાં સજાના ૧૪ દિવસ પહેલા બાઇડને માફ કરી દેતાં હન્ટર આ કેસમાં પણ બચી ગયો છે.
આઘાતજનક વાત એ છે કે, જૂનમાં હન્ટરને દોષિત ઠેરવવામાં આવ્યો તે પહેલાં બાઈડને કહ્યું હતું કે, મારો દીકરો દોષિત સાબિત થશે તો પોતાના પુત્રને ક્યારેય માફ કરશે નહીં. બાઇડને એવું પણ કહેલું કે, પોતે કદી પણ ન્યાયતંત્રના નિર્ણયોમાં દખલ નહીં કરે. હવે બાઇડેન જુદું જ વાજું વગાડી રહ્યા છે. બાઇડેનના કહેવા પ્રમાણે, પોતે ન્યાય વિભાગના નિર્ણયોમાં દખલ નહીં કરવાનું વચન પાળ્યું છે પણ મારા પુત્રને નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી હતી.
હન્ટરના કેસને જોનાર કોઈપણ સમજદાર વ્યક્તિને ખબર પડે કે તેને માત્ર એટલા માટે જ નિશાન બનાવવામાં આવ્યો કારણ કે તે મારો પુત્ર છે. બાઇડને તો પોતાના નાલાયક દીકરાનાં કરતૂતો માટે ન્યાયતંત્રને પણ ગાળો આપી દીધી છે. બાઇડનના કહેવા પ્રમાણે, તેમને કાયદો અને વ્યવસ્થામાં પૂરો વિશ્ર્વાસ છે પરંતુ રાજકારણે ન્યાયતંત્રને કલંકિત કરી દીધું છે.
મજાની વાત એ છે કે, હન્ટરે પોતે એવું લખ્યું કે, મેં મારી ભૂલો સ્વીકારી છે અને તેની જવાબદારી લીધી છે. જેના કારણે મારા પરિવારને જાહેરમાં અપમાનિત અને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું. હું આ માફીને ક્યારેય હળવાશથી લઈશ નહીં.
બાઇડનના નિર્ણયે અમેરિકામાં લોકોમાં આક્રોશ પેદા કર્યો છે કેમ કે કોઈ પ્રમુખ પોતાના નાલાયક દીકરાને બચાવવા માટે બંધારણે આપેલી સત્તાનો દુરુપયોગ કરે એવું અમેરિકામાં પહેલી વાર બન્યું છે. બાઇડનના નિર્ણયની ડોનલ્ડ ટ્રમ્પ અને તેમની પાર્ટીએ તો ટીકા કરી જ છે પણ બાઇડનની પોતાની ડેમોક્રેટિક પાર્ટીના નેતા પણ ઝાટકણી કાઢી રહ્યા છે.
ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓને પણ લાગી રહ્યું છે કે બાઇડને હદ કરી નાંખી છે. કોઈ પ્રમુખ પોતાના દીકરાને બચાવવા માટે વિશેષ સત્તાનો દુરુપયોગ કરે તેનાથી વધારે શરમજનક કંઈ ના કહેવાય. આ નિર્ણય દ્વારા બાઇડને પોતાના ધોળામાં ધૂળ નાખી છે.
અમેરિકનોમાં પણ આ મુદ્દે રોષ છે ને તેનું કારણ હન્ટર ટ્રમ્પનાં કરતૂતો છે. હન્ટર છાપેલું કાટલું છે ને છાસવારે તેના નામના ઘાગડિયા ચાલ્યા જ કરે છે. હન્ટરે બેશરમીથી પોતાના પુસ્તકમાં પોતાના ખરાબ ધંધાઓનો ઉલ્લેખ પણ કર્યો છે. વાસ્તવમાં તેના કારણે જ હન્ટર દોષિત ઠર્યો હતો. હન્ટરના વકીલ એટર્ની એબે લોવેલે ટ્રાયલ દરમિયાન જણાવ્યું હતું કે હન્ટરે માત્ર દારૂ પીધો હતો પણ કોકેઈનનું સેવન કર્યું ન હતું.
વકીલે દાવો કરેલો કે, હન્ટરે ગન ખરીદ્યાના થોડા સમય પહેલાં અને પછીના મહિનાઓમાં ડ્રગ્સ લીધું હતું પરંતુ ગન ખરીદતી વખતે ડ્રગ્સની લત નહોતી તેથી તેણે કોઈ ખોટી માહિતી આપી ન હતી. ફરિયાદીઓએ હન્ટર બાઇડનના પુસ્તકોના અંશોનો ઉપયોગ કરીને આ દાવાને નકારી કાઢ્યો હતો. આ પુસ્તકમાં હન્ટરે દારૂ અને માદક દ્રવ્યોના વ્યસન અંગેના પોતાના અનુભવો વિશે લખ્યું છે. હન્ટરના ખરાબ ધંધા આટલેથી પતતા નથી. હન્ટર અય્યાશીઓમાં પૂરો છે.
મોંઘીદાટ નાઈટ ક્લબોમાં જઈને છોકરીઓ સાથે સેક્સ સંબંધો બાંધવા સહિતના બધા ધંધા એ કરી ચૂક્યો છે. બાઇડનના પ્રમુખપદનો ઉપયોગ તેણે ભ્રષ્ટાચાર કરવા માટે કર્યો છે ને બીજા પણ ઘણા ગોરખધંધા તેના નામે છે તેથી અમેરિકનો તેના નામથી જ ભડકે છે.
Also Read – દક્ષિણ કોરિયામાં રાજકીય તણાવ: માર્શલ લોની જાહેરાત બાદ લોકોનો વિરોધ, સંસદે રાષ્ટ્રપતિનો નિર્ણય પલટ્યો
જો કે બાઇડન પોતે પણ દૂધના ધોયેલા નથી. જો બાઇડન અને તેમના દીકરા હન્ટરે ભેગા મળીને કરેલા ગોરખધંધાઓનો ચોપડો ખોલો તો એ કોઈનાથી જરાય ઉતરતા સાબિત થાય તેમ નથી. બાઇડન સામે તેમની મહિલા કર્મચારીએ જાતિય સતામણીનો આરોપ મૂકેલો.
બાઇડને પોતાની સત્તાનો દુરુપયોગ પુત્ર તથા પરિવારને ફાયદો કરાવવા માટે કર્યો છે એ જોતાં બાઇડન પણ અનૈતિકતામાં કોઈનાથી કમ નથી. આ કારણે બાઇડને પોતાના દીકરાની સજા માફ કરી દીધી તેમાં કોઈને બહુ મોટો આંચકો લાગ્યો નથી.