ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

સુખનો પાસવર્ડ : બાહ્ય સ્થિતિ બહુ તકલીફ ન આપી શકે જો માનસિક રીતે ભાંગી ન પડીએ તો…

-આશુ પટેલ

જેરેમી ટેલર

થોડા સમય અગાઉ એક પરિચિતના ઘરમાં ચોરી થઈ હતી. એ વાતની ખબર પડી એટલે સ્વાભાવિક રીતે મેં એમને સાંત્વન આપવા કોલ કર્યો : ‘તમારા ઘરમાં ચોરી થઈ એ જાણીને દુ:ખ થયું. હું કોઈ પણ રીતે મદદરૂપ થઈ શકું એમ હોઉં તો મને નિ:સંકોચ કહેજો.’

મારા આશ્ર્ચર્ય વચ્ચે એ પરિચિતે કહ્યું : હા. અમારા ઘરમાં ચોરી તો થઈ છે અને થોડી તકલીફ તો પડી છે. પોલીસને ફરિયાદ પણ કરી છે. જોઈએ હવે શું થાય છે, કારણ કે અમુક વસ્તુ આપણા હાથમાં હોતી નથી એટલે જો બધી વસ્તુ અને પૈસા પાછા આવી જવાના હશે તો આવી જ જશે. અને પાછા નહીં મળવાના હોય તો નહીં જ મળે એટલે જે સ્થિતિ છે એ મેં સ્વીકારી લીધી છે. ચોરી થઈ એથી હું થોડો ડિસ્ટર્બ તો થયો જ છું, પણ વિચલિત નથી થઈ ગયો. ‘જેહના ભાગ્યમાં જેહ સમયે જેહ લખ્યું તેહનું તે સમયે તે જ થાય છે’ એવું આપણા આદ્ય કવિ લખી ગયા છે માટે હું માનું છું કે મારા ઘરમાં ચોરી થવાની હતી તો થઈ. ‘હવે બધું પાછું મળવાનું હશે તો મળશે.’

મને એમની એ વાત સ્પર્શી ગઈ, કારણ કે ઘણા માણસોને દરેક વાતમાં રોદણાં રડવાની ટેવ હોય છે. એ કોઈ પણ સ્થિતિમાં રોદણાં જ રડતા હોય છે, પણ પેલા પરિચિતે સહજતાથી કહ્યું કે ‘જે થવાનું હતું એ થયું છે અને હવે જે થવાનું હશે એ જ થશે.’

એમના એ શબ્દો સાંભળીને મને ઇંગ્લેન્ડના મહાન સાહિત્યકાર (જે પછી બિશપ અને ડબલિન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ બન્યા હતા) જેરેમી ટેલરના જીવનનો એક કિસ્સો યાદ આવી ગયો. ટેલરે બહુ ગરીબી જોઈ હતી. એમ છતાં જીવન પ્રત્યે એમને કોઈ ફરિયાદ નહોતી. મિત્રો એમને મળે ત્યારે અફસોસ વ્યકત કરતા કે તમારા જેવા સાહિત્યકારને આર્થિક તકલીફ ભોગવવી પડે એ જોઈને અમને દુ:ખ થાય છે. તો વળી ઘણા મિત્રો એમને આર્થિક મદદ કરવાની તૈયારી દાખવતા. જોકે, જેરેમી ટેલર નિસ્પૃહી માણસ હતા ને એમની જરૂરતો પણ બહુ ઓછી હતી એટલે એ પોતાની ધૂનમાં મસ્ત રહીને જીવતા…

એક વાર જેરેમી ટેલરના ઘરમાં ચોરી થઈ. ટેલર પાસે બહુ પૈસા કે ઘરેણાં કે બીજી મૂલ્યવાન ચીજ-વસ્તુઓ તો હતી નહીં, પણ ફેરો ખાલી ન જાય એટલે ચોર લોકો ટેલરની બધી ઘરવખરી ચોરી ગયા (થોડા સમય અગાઉ દિવંગત મરાઠી કવિ નારાયણ સુર્વેના ઘરમાં ચોરી થઈ એ પછી ચોરોને ખબર પડી કે એમણે કોના ઘરમાં ચોરી કરી છે ત્યારે ચોરેલી વસ્તુઓ પાછી મૂકી ગયા હતા અને માફી માગતો પત્ર પણ મૂકી ગયા હતા! એવું જેરેમી ટેલર સાથે બન્યું નહોતું).

ટેલર ક્યાંક બહાર ગયા હતા એ વખતે ચોર ઘરમાં ઘૂસીને ચોરી કરી ગયા. આ વાતની ખબર પડી એટલે ટેલરના મિત્રો એમને સાંત્વન આપવા પહોંચી ગયા. ગંભીર ચહેરે ટેલરને આશ્ર્વાસન આપવા માંડ્યા, પણ ટેલરના ચહેરા પર દુ:ખની લાગણી વંચાતી નહોતી. એ હસીને વાત કરી રહ્યા હતા. એ ખુદ મિત્રોને આશ્ર્વાસન આપવા લાગ્યા કે તમે કોઈ એ વાતનો શોક ન કરશો કે મારા ઘરમાં ચોરી થઈ છે!’

મિત્રો અકળાઈ ઊઠ્યા : ‘તમારો બધો સામાન ચોરાઈ ગયો છે અને તમને હસવું આવે છે? કોઈ માણસના ઘરમાં ચોરી થાય તો એને દુ:ખ થવું જોઈએને ! ’ કેટલાક મિત્રોને તો એવી શંકા પણ ગઈ કે આઘાતને કારણે ટેલરે ક્યાંક માનસિક સમતુલા ન ગુમાવી દીધી હોય, પણ ટેલર એકદમ સ્વસ્થ હતા.

એમણે કહ્યું : ‘ચોરો બધી ક્ષુલ્લક વસ્તુઓ લઈ ગયા છે. મારી બુદ્ધિ, મારા શરીરની તંદુરસ્તી, મારું મન, મારો આત્મા એ બધું હજી મારી પાસે જ છે! ઘરવખરી તો પાછી આવી શકશે,જ્યારે આ બધી અમૂલ્ય વસ્તુઓ મારી પાસે અકબંધ છે એટલે દુ:ખી થવાનું કોઈ કારણ મારી પાસે નથી! ’

દરેક વાતમાં રોદણાં રડવાની ટેવ હોય એવી વ્યક્તિઓએ આવા કિસ્સા ખાસ જાણવા જોઈએ. માત્ર બાવન ભજનમાં જીવનનો સાર આપી ગયેલાં ગંગા સતીએ પાનબાઈને ઉદ્દેશીને કહેલા આ શબ્દો સાંભળવા જોઈએ:

‘મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ, મર ને ભાંગી પડે ભરમાંડ જી…’
સાર એ છે કે માનસિક રીતે ભાંગી ન પડીએ તો બાહ્ય સ્થિતિ બહુ તકલીફ ન આપી શકે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button