સ્પેશિયલ ફિચર્સ

મુખ્બિરે ઈસ્લામ : સમતુલા અને સમાનતા: ઈસ્લામમાં લોકસેવાનું મહત્ત્વ

ઈસ્લામ એક એવી જીવન વ્યવસ્થા છે જે માનવ પ્રકૃતિને અનુકૂળ છે. આ વ્યવસ્થા વિરુદ્ધનું જીવન અપ્રાકૃતિક જ નહીં મુશ્કેલ પણ છે, તેનું મૂળ કારણ એ છે કે ઈન્સાનની જરૂરિયાતોને જેટલો વધુ તેનો ખાલિક (સર્જનહાર) જાણે છે, બીજો કોઈ જાણી શકતો હોતો નથી.

  • એક મશીનને બનાવનાર મશીનની દરેક વસ્તુઓનો જાણકાર હોય છે. તેજ રીતે ખુદા જે સર્જનહાર છે તે મનુષ્યોની દરેક આવશ્યકતાઓથી જાણકાર છે અને તેજ જાણે છે કે શું તેના માટે યોગ્ય છે અને શું અયોગ્ય છે.
  • ઈસ્લામ પ્રાકૃતિક ધર્મની સાથે સાથે સમતુલા પણ જાળવી રાખે છે.
  • સમતુલા અને સમાનતા એ દીને ઈસ્લામના મૂળભૂત સ્તંભો છે.
  • – કેટલાક અધિકારો અને જવાબદારીઓ જે ઈસ્લામ દરેક મનુષ્ય અને ખાસ કરીને તેના પર ઈમાન (આસ્થા) ધરાવનારાઓ પર જરૂરી ઠરાવે છે તે ઈન્સાને પૂરી કરવી ઈચ્છિત છે.
  • આ અધિકારોમાં મુખ્ય બે અધિકાર છે:
    ૧. બંદાઓનો અધિકાર જેને અરબીમાં ‘હુકૂકુલ ઈબાદ’ કહે છે.
    ૨. અલ્લાહના હક્કો અર્થાત્ ‘હુકૂકુલ્લાહ’.
  • રબતઆલા – (જીવ માત્રને રોજી આપનાર, પાલનહાર ઈશ્ર્વર – અલ્લાહ)નો અધિકાર એ છે કે તેની સંપૂર્ણ દુઆ-બંદગી, પ્રાર્થના-સ્તૂતિ કરવામાં આવે.
  • તેનું ઈચ્છિત જીવન જીવવામાં આવે.
  • ઈસ્લામે ઈન્સાન ઉપર ઈન્સાનના અધિકારો અને હક્કો (સત્ય) નક્કી કરેલ છે જેનું અનુસરણ અને પાલન કરવું પણ એટલું જ ઈચ્છનીય છે જેટલું અલ્લાહના અધિકાર સંબંધે છે.

વ્હાલા વાચક બિરાદરો! માનવ ઉપર માનવના હક્કો-સચ્ચાઈ સંબંધે સૌથી મહત્ત્વનું પાસુ ‘ખિદમતે ખલ્ક’ અર્થાત્ ‘માનવ સેવા’ છે. માનવ સેવાને ઈસ્લામ ધર્મમાં ઘણું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
અસનાદ (સત્યવાદી) હુઝૂર (માનવંત) અનવર (જ્વલંત-તેજસ્વી)એ ફરમાવ્યું કે તમે જમીનવાળા પર રહેમ (દયા) કરો આસ્માનવાળો તમારા ઉપર રહેમ (કૃપા, દેણગી) કરશે.

કુરાન (ઈલાહી કલામ, ઈશ્ર્વરિયવાણી)માં પણ વારંવાર તાકીદ કરવામાં આવી છે કે તમો * અનાથો * વિધવાઓ અને * જરૂરતમંદોનો ખ્યાલ રાખો * ભુખ્યાને ભોજન કરવો * અંગ ઢાંકવા પોશાકની વ્યવસ્થા કરો.

  • અલ્લાહના રસૂલ (ઈશ્ર્વરના દૂત – પ્રતિનિધિ) હુઝૂરે અનવર (સલ.)એ ફરમાવ્યું, કયામત (ન્યાયનો દિવસ – આખરી નિર્ણય)ના સમયે અલ્લાહ તઆલા મનુષ્યને કહેશે કે, ‘હે આદમની ઔલાદ (સંતાન)! હું બીમાર હતો પણ તે મારી પૂછપરછ ન કરી?’
  • મનુષ્ય ગભરાઈને કહેશે, ‘હે મારા પરવરદિગાર (સૃષ્ટિનો સર્જનહાર!) તું તો સમગ્ર સંસારનો પાલક, તું ક્યારે બીમાર હતો, હું તારી પૂછપરછ કેવી રીતે કરતો?’
  • અલ્લાહ ફરમાવશે કે, ‘શું તને ખબર નહોતી કે મારો ફલાણો બંદો બીમાર છે છતાં તું તેની ખબર કાઢવા ન ગયો? જો તું તેની ખબર કાઢવા જતો તો મને તેની પાસે જોતો (મેળવતો)’.
  • પછી અલ્લાહ ફરમાવશે, ‘હે માનવની સંતાન! મેં તારી પાસે ભોજન માગ્યું પણ તે મને ખાવાનું ન આપ્યું.’
  • માનવી કહેશે કે, ‘હે ભૂખ્યાનું પેટ ભરનાર! તું વળી ક્યારે ભૂખ્યો હતો અને હું તને કેવી રીતે ખવડાવત?’
  • અલ્લાહ કહેશે કે, ‘શું તને યાદ નથી કે મારા ફલાણા બંદાએ તારી સામે ખાવાનું મેળવવા માટે હાથ લંબાવ્યો હતો પરંતુ તે તેને ખાવાનું ન ખવડાવ્યું. અગર તેં તેની માગણી સંતોષી હોત તો આજે તેનું વળતર તને મળત!’
  • તેવી જ રીતે અલ્લાહ તઆલા ફરમાવશે કે ‘હે માનવ સંતાન! મેં તારી પાસે પાણી માગ્યું પણ તે મને પાણી ન આપ્યું!’
  • માનવ કહેશે, ‘હે મારા પરવરદિગાર! તું ક્યારે તરસ્યો હતો અને હું તને કેવી રીતે પાણી પીવડાવત?’

– અલ્લાહ ફરમાવશે, ‘મારા ફલાણા બંદાએ તારી પાસે પાણી માગ્યું અને તે પાણી ન આપ્યું. અગર તે દિવસે તુએ તેની પ્યાસ બુજાવી હોત તો આજે પુરસ્કાર તને મળત!’

  • બોધ:
  • ઈસ્લામમાં માનવસેવા એ પણ શ્રેષ્ઠ ઈબાદત છે.
  • ઈસ્લામે પોતાના માનવાવાળાઓને ફક્ત મુસલમાનોની જ સેવા કરવાનો હુકમ આપ્યો નથી, પરંતુ તેની સાથે સમગ્ર ઈન્સાન જાતની સાથે ઈન્સાનિયત રાખવાની – સેવા કરવાની – માનવતા બજાવવાની તાકીદ કરી છે. માનવસેવા બાબતે આપેલ નિર્દેશનોની સાથે જ દિને ઈસ્લામે એ બાબતો પ્રત્યે પણ ધ્યાન દોર્યું છે કે કયા વ્યક્તિઓ અને જાતિઓ છે જે આપણી હમદર્દી અને મદદ – સહાયના હક્કદાર છે. તેમાં માતા-પિતા અને કુટુંબીજનો – સગાઓનો પણ સમાવેશ થાય છે, જેમનાથી આપણા લોકોના સંબંધો છે.
  • અનાથ * હાજતમંદ * ગરીબ * પાડોશી * મુસાફર * ગુમાસ્તા * નોકરચાકર અરે, આમાં બંધકો પણ આવી જાય છે જેમનાથી આપણો કોઈ સીધો સંબંધ નથી હોતો.

ધર્મસંદેશ:

  • સેવાના પ્રકાર ઘણા હોઈ શકે છે જેનું વર્ણન હદીસ (પયગંબરસાહેબ હુઝૂરે અનવરનું આચરણ) તેમજ અલ્લાહના વલીઓલિયા, પીર, પયગંબરોના સુકૃત્ય – (જીવન વ્યવહાર)માં ઘણા સ્પષ્ટ શબ્દોમાં કરવામાં આવ્યું છે. જેમ કે,
  • આર્થિક મદદ કરવી * કરજ આપવું * કરજની ઉઘરાણીમાં સમય આપવો * દાન કરવું * દાન ન કરી શકાય તો કોઈ વસ્તુ હાથ વાપરવા આપવી * કોઈને પગાર કે મજૂરી પર રાખવા કરતા તેને તેના કામ મુજબ હિસ્સેદાર – ભાગીદાર બનાવવો * મજલૂમ (પીડિત)ની કાયદાકીય તથા આર્થિક મદદ કરવી એ પણ મહત્ત્વની માનવસેવા આંકવામાં આવી છે.
  • આમ ઈસ્લામમાં લોકસેવાનું મહત્ત્વ તેની ઉમ્મત (પ્રજા, અનુયાયી)ને ઘણી જ સારી રીતે સમજાવવામાં આવ્યું છે. ધર્મે ઠરાવેલ નમાઝ, રોજા, હજ વગેરે ફરજો અલ્લાહ માટે છે જ્યારે માનવસેવા તે ઈન્સાનના ખુદ માટે – તે આખેરતના લાભાલાભ માટે છે.
  • મુફતી અસગરઅલી અશરફી (દારૂલ ઉલૂમ શાહેઆલમ – અમદાવાદ)
  • * *
    સાપ્તાહિક સંદેશ
  • હે ઈન્સાન એવો સમય આવે કે તું શક્તિશાળી હો, હોશિયાર હો અને
  • તારા માબાપ અશક્ત અને વૃદ્ધ – ઘરડા થયા હોય,
  • તું સારી પેઠે બોલી શકતો હો અને
  • તારા માબાપ જેવું તેવું બોલી શકતા હોય ત્યારે
  • તું મગરૂર નહીં બનજે. પોતાને હોશિયાર ન લેખજે,
  • તારામાં જે કંઈ છે તે તેમના લીધે છે.
  • પયગંબરે ઈસ્લામ હુઝૂરે અનવર (સલ.)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button