પતિ-પત્નીની રામાયણને કારણે ફ્લાઈટનું કરવું પડ્યું ઈમર્જન્સી લેન્ડિંગ
પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા એ ખૂબ જ સામાન્ય બાબત છે, પણ તમે ક્યારે એવું સાંભળ્યું છે કે પતિ-પત્નીના ઝઘડાને કારણે ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવાનો વારો આવ્યો હોય? સાંભળવામાં ભલે આ અજૂગતું લાગતું હોય પણ આવું હકીકતમાં બન્યું હતું. કપલ વચ્ચે ફ્લાઈટમાં ઝઘડો થયો અને આ ઝઘડો એટલો બધો વધી ગયો કે આખરે ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું અને બે કલાકના વિલંબ બાદ ફ્લાઈટે ફરી ટેકઓફ કર્યું હતું. ચાલો તમને જણાવીએ આખરે ક્યાંની છે આ ઘટના-
એક અંગ્રેજી અખબારમાં આપવામાં આવેલા અહેવાલ અનુસાર ફ્લાઈટ EI738એ સાંજે 7.15 કલાકે ટેક ઓફ કર્યું હતું અને આખરે એક કલાક બાદ જ ક્રુએ ઈમર્જન્સી લેન્ડિંગની જાહેરાત કરી હતી. વાત જાણે એમ છે કે ફ્લાઈટમાં જ કપલ વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. ક્રુએ બંનેને શાંત કરાવવાનો પ્રયાસ કર્યો પણ બંને જણ એકબીજાને મારવા માટે માટે તૈયાર હતા. જ્યારે પરિસ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ થઈ ગઈ ત્યારે પાઈલટે કન્ટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો હતો અને મજબૂરીમાં ફ્લાઈટને નેનટેસ એરપોર્ટ પર લેન્ડ કરાવવાનો વારો આવ્યો હતો.
આ ઝઘડા દરમિયાન જ પત્નીના ચહેરા પર ઈજા પહોંચી હતી અને ફ્લાઈટ લેન્ડ થતાં જ પતિની ધરપકડ કરવામાં આવી હતી. આખરે બે કલાકના ડિલે બાદ ફ્લાઈટે પાછું ટેક ઓફ કર્યું હતું અને મોડી રાતે 1.05 કલાકે પોતાની ડેસ્ટિનેશન પાલ્મા ડી મલોરકા એરપોર્ટ પર પહોંચી હતી.
આ ઘટના બાદ ફ્લાઈટમાં સવાર પેસેન્જર્સે નિરાશા વ્યક્ત કરી હતી અને કેટલાક લોકોએ કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાથી ફ્લાઈટમાં ડિલે તો થાય જ છે, પણ અન્ય પ્રવાસીઓની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઉપસ્થિત થાય છે. સોશિયલ મીડિયા પર પણ અનેક પ્રવાસીઓએ પોતાનો અનુભવ શેર કર્યો હતો. આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ ગઈ હતી.