સ્પેશિયલ ફિચર્સ

ત્રિજન્મપાપ સંહારં એક બિલ્વં શિવાર્પણમ્

શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા

બીલીપત્રને તમે શિવનો ભક્તો પર કરૂણા વરસાવતો પ્રેમપત્ર કહી શકો.
શ્રાવણ મહિનામાં શિવલિંગને પાણી-દૂધનો અભિષેક થાય, ભસ્મ ચઢાવાય અને એ સાથે શિવને પ્રિય બીલીપત્ર પણ ચઢાવાય. શિવજીને બીલીપત્ર એટલું પ્રિય છે કે તેમને અર્પણ કરવાથી ત્રણ જન્મના પાપોનો સંહાર થાય છે એવું ઉપરોક્ત શ્ર્લોકની એક પંક્તિનું તાત્પર્ય છે. આ જ પત્ર જો આપણે આપણા જીવને અર્પણ કરીએ અર્થાત્ સેવન કરીએ તો અનેક રોગોનો નાશ થાય છે. શ્રાવણ ભાદરવાની ગરમીમાં ઠંડક આપતું બીલીપત્ર આપણા માટે પણ ઘણું ઉપયોગી છે. હકીકતમાં આ બધુ જ્ઞાન શાળા-કૉલેજમાં મળતું નથી એ આપણી કમનસીબી છે. આજે પણ શિવલિંગને હજારો બીલીપત્ર ચઢે છે અને પછી ગટર કે દરિયામાં એક વેસ્ટેજ તરીકે એનો નિકાલ કરી દેવામાં આવે છે. હકીકતમાં હાલની ગરમ અને બીમારીવાળી મોસમમાં મહાદેવને અર્પણ કર્યા પછી તેને પ્રસાદ તરીકે આપણે પણ ગ્રહણ કરવું જોઇએ અને તેના વૈદકીય ગુણોનો પૂરતો લાભ વિનામૂલ્યે મેળવવો જોઇએ. આપણી નવી પેઢીને આવી ચીજોની મેડિશિનલ પ્રોપર્ટીની ખબર નથી હોતી. નાની અમથી બીમારી આવે કે તુરન્ત ડૉક્ટર પાસે દોડી જાય છે, પરંતુ બીલીપત્ર નામનો આ વૈદ્ય ચોમાસામાં તેમને આંગણે આવે છે તેનો તેને ખ્યાલ નથી હોતો. માબાપે કહ્યું એટલે કે પછી પરંપરા છે એટલે આંખે લગાડી દેવાનું અને પછી છોને જાય કચરાપેટીમાં.

હકીકતમાં તેમને બીલીપત્રના આયુર્વેદિક ગુણો સમજાવવાની જરૂર છે. શિવજી જે પ્રેમપૂર્વક ગ્રહણ કરે છે તે આપણે પણ ગ્રહણ કરીએ તો શરીર-મનને ખૂબ ફાયદા થાય છે જે નીચે મુજબ છે.

બીલીપત્રમાં વિટામિન એ, સી, બી-૧, બી-૬, બી-૧૨ ,કેલ્શિયમ, પોટેશિયમ રિબોફ્લેવિન અને ફાઇબર પૂરતા પ્રમાણમાં છે. આ બધા વિટામિન્સ અને ક્ષાર શરીરના વિકાસ માટે અત્યંત ઉપયોગી છે.

તંદુરસ્ત, ફિટ એન્ડ ફાઇન રહેવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જોઇએ. બીલીપત્રમાં રહેલું વિટામિન સી આપણી ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. યાદ છે ને કોરોના સમયે રોગપ્રતિકારક શક્તિ વધારવા ડૉક્ટરો વિટામિન સી ની ટેબલેટ્સ લેવાની સલાહ આપતા હતા. શિવલિંગ પર ચઢાવેલું બીલીપત્ર આપણે પ્રસાદરૂપે ગ્રહણ કયુર્ંં હોય તો કોરોનાનો કેર નહીં પણ કરુણા સાગર શિવજીની મહેર આપણા પર બની રહે છે. બીલીપત્રનો બીજો એક લાભ એ છે કે આપણી પેટ સંબંધિત દરેક બીમારીઓને દૂર કરી શકે છે. અપચો, કબજિયાત, એસિડિટી, ગૅસ જેવી બીમારીઓથી બચાવે છે. તમને તો ખબર જ છે કે જેનું પેટ સાફ તેના સઘળા ગુના માફ.

બીલીપત્રનો બીજો એક ફાયદો એ છે કે પ્રકૃતિમાં શીતળ છે. શ્રાવણ મહિનામાં વરસાદ વરસતો હોય ત્યારે ઠંડક લાગે બાકી તો આ ગરમીની જ ઋતુ કહેવાય. આવી ગરમ ઋતુમાં સવારે નરણે કોઠે બીલીપત્ર ચાવ્યા હોય તો શરીર પૂરો દિવસ કૂલ રહે છે. મોંમાં છાલાં પડ્યાં હોય કે ફોલ્લા થયા હોય તો પણ બીલીપત્રને ચાવવાથી ખૂબ ફાયદો થાય છે. આપણી સંસ્કૃતિમાં મહાશિવરાત્રિએ પણ બીલીપત્ર ચઢાવવાનો રિવાજ છે. યાદ રહે કે મહાશિવરાત્રિ પછી ભારતમાં ઉનાળો શરૂ થાય છે એટલે તે દિવસોમાં ઉપયોગમાં લીધેલા બીલીપત્ર ભરગરમીમાં ઠંડક આપી શરીર-મનને સ્વસ્થ રાખી શકે છે. હાલના સંશોધન અનુસાર બીલીપત્રના સેવનથી શરીરમાં સાકરનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપકારક છે. એક સર્વેક્ષણ અનુસાર ગુજરાતીઓમાં ડાયાબિટીસનું પ્રમાણ વધુ હોય છે. તો ચાલો આપણે અનેક પ્રકારની વ્યાધિથી બચવા શિવને ભાવપૂર્વક બીલીપત્ર ચઢાવીએ અને પછી આપણી અંદર બેઠેલા શિવને પણ અર્પણ કરીએ. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ