સ્પેશિયલ ફિચર્સ

“પહેલા જેવુ લગ્ન જીવન નથી રહ્યું!” પતિ પત્નીના બગડી રહેલા સબંધોની ગંભીર માનસિક અસરો

અમદાવાદ: આજના આધુનિક યુગમાં સમાજની સામે વિવિધ પ્રકારની સમસ્યાઓ છે તેની સાથે જ મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ પણ જોવા મળી રહી છે. એક સમયે જે એવું માનવામાં આવતું હતું કે જો તમારું તન સ્વસ્થ હશે તો તમારું મન પણ સ્વસ્થ રહેશે પરંતુ આજના સમયમાં આ વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આજના સમય પ્રમાણે જો તમારું મન સ્વસ્થ હશે તો જ તમારું તન સ્વસ્થ રહેશે. કોઈપણ વ્યક્તિ માટે પોતાના સામાજિક આંતરિક સંબંધો સૌથી વધુ મહત્વપૂર્ણ હોય છે જો સંબંધોમાં ક્યાંય પણ વિક્ષેપ આવે તો વ્યક્તિ ભાંગી પડતો જોવા મળે છે ત્યારે આજના સમયમાં એક નવો શબ્દ કે નવી સમસ્યા ઉદ્ભવી છે જેને “સેકન્ડ પોટેટો”કહેવામાં આવે છે.

સંબંધોમાં દરેક વ્યક્તિને પોતાનું મહત્વ જોઈતું હોય છે અને ખાસ પતિ-પત્નીના સબંધમાં એક અલાયદું સ્થાન દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે. પણ ઘણી વખત પતિ કે પત્ની પોતાના પાત્રને મુખ્ય વ્યક્તિ ન માનતા માત્ર તેને એક વિકલ્પ સમજી બેસે છે અને આ વિકલ્પ એટલે સેકન્ડ પોટેટો. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની બે વિદ્યાર્થીનીઓ પૂજા બારડ અને પ્રવીણા છૈયાએ ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં દંપતીઓના કુલ 39 કેસનું વિશ્લેષણ કર્યું હતું. જેમાંથી 32 કેસમાં સંબંધો તૂટવાનું મુખ્ય કારણ સેકન્ડ પોટેટો બન્યું છે.

“શરૂઆત જેવું લગ્ન જીવન નથી રહ્યું”
સંશોધનમાં જાણવા મળ્યું કે 63% કેસમાં દંપતિમાં કોઈ એક બીજા માટે માત્ર વિકલ્પ છે તે લાગણી સમસ્યાઓ ઉભી કરે છે. 44% લોકોએ વાતમાં સહમત થયા કે જેવું લગ્ન જીવનની શરૂઆતમાં તે પોતાના પાર્ટનર માટે મહત્વના હતા હવે એવું નથી રહ્યું. 33% કિસ્સામાં જોવા મળ્યું કે તેની પોતાના પાર્ટનર દ્વારા સતત અવગણના થઈ રહી છે. 54% કેસમાં સ્ત્રીઓ કે પુરુષો પોતાનો ભૂતકાળ ભૂલી ન શકતા હોવાના કારણે વર્તમાન સમયમાં પતિ કે પત્ની માટે એક વિકલ્પ માત્ર છે. 43% કેસમાં પતિ કે પત્ની એકબીજાથી છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે.

શું સંબંધોમાં તમે કોઈના “સેકન્ડ પોટેટો” છો?

સેકન્ડ પોટેટો એ સંબંધમાં વ્યક્તિનું વર્ણન કરવા માટે વપરાતો શબ્દ છે જેને ગૌણ વિકલ્પ તરીકે ગણવામાં આવે છે. આ પ્રકારના સંબંધમાં અન્ય પાર્ટનર કોઈ અન્ય વ્યક્તિ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, અને હજુ પણ તેમના અગાઉના જીવનસાથી સાથે ભાવનાત્મક તથા માનસિક રીતે જોડાયેલા હોઈ શકે છે.

સંબંધોમાં સેકન્ડ પોટેટો (સેકન્ડ પ્રાયોરિટી) બનવું એક એવો અનુભવ છે કે જે કોઈપણ વ્યક્તિને માનસિક અને ભાવનાત્મક રીતે તોડી શકે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં તેનો સાથી તેને પ્રાથમિકતા બનાવવાને બદલે માત્ર એક વિકલ્પ તરીકે જુએ છે. સેકન્ડ પોટેટોમાં વ્યક્તિ એવો અનુભવ કરે છે કે તેની હંમેશા અવગણના કરવામાં આવે છે.તેનું મહત્વ ઘટતું જાય છે અથવા પોતે ગૌણ ભૂમિકા ભજવી રહ્યા છે તેવું તે અનુભવે છે.

સેકન્ડ પોટેટોની સ્થિતિના લક્ષણો

1.. પોતાનો સાથી તેને સાથ ન આપતા તે માત્ર વિકલ્પ છે તેવું અનુભવવું
2.. સતત ઉપેક્ષા ની લાગણી થવી.
3.. જીવનસાથી સાથે જોડાણનો અભાવ.
4.. વિશ્વાસ નો અભાવ
5.. પોતાનો ઉપયોગ થયો છે તેવી લાગણી થવી
6.. લાખ પ્રયત્ન કરવા છતાં પોતાના પાર્ટનરમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન આવવું.
7.. તેના પાર્ટનરને પોતાનું કોઈ જ મૂલ્ય નથી તેવી લાગણી અનુભવવી.
8.. પોતાના જીવનસાથી ને તેના પ્રત્યે કંઈ જ રસ નથી તેવો અનુભવ થવો.
9.. બંને વચ્ચેનું ઓછું પ્રત્યાયન
10.. તેનનો જીવનસાથી તેના વ્યક્તિત્વનો કંઈ જ અર્થ નથી સમજતો તેવું લાગવું
11.. એક ને એક વાત વારંવાર પૂછ્યા કરવી.
12..જીવનસાથી દ્વારા તેના મેસેજ નો જવાબ નથી મળતો ત્યારે તે ચિડાઈ જાય અથવા તો ગુસ્સે થાય
13.. હંમેશા તેને તેના પાર્ટનર પ્રત્યે શંકા નો અનુભવ થયા કરતો હોય.
14.. તેના જીવનસાથી દ્વારા તેના પ્રત્યે અસંતોષ છે તેવું અનુભવવું
15.. તેનો જીવનસાથી તેના પ્રત્યે વફાદાર નથી તેવી લાગણી અનુભવવી.

સેકન્ડ પોટેટોના કારણો

સંબંધોની સેકન્ડ પોટેટોની સ્થિતિ સર્જાવા માટે ઘણા કારણો જવાબદાર છે. જેમ કે અસંતોષકારક સબંધો, વિશ્વાસનો અભાવ હોવો, પરસ્પર સમજણનો અભાવ, વિચારોની અલગતા, પારસ્પારિક મતભેદ ઉભા થવા, એક બીજાના આત્મસન્માનને ઠેસ પહોંચવી, એકબીજા ઉપર વારંવાર શંકા કરવી, કોઇ એક પાત્ર દ્વારા માત્ર પોતાની પસંદગીને જ પ્રાધાન્ય આપવું, એકબીજામાં અરુચિ અનુભવવી, સંતોષકારક સંબંધો સ્થાપિત કરવામાં નિષ્ફળ જવું, તે ઉપરાંત એકબીજાની જરૂરિયાતો પરિપૂર્ણ ન થવી, એકબીજાની ઈચ્છા અનુસારનું વર્તન ન કરવું, પાર્ટનરને પૂરતો સમય ન આપવો જેવા કારણો જવાબદાર છે. સેકન્ડ પોટેટોથી ઉદ્દભવતી હાનિકારક અસરો જે વ્યક્તિ પોતાને સેકન્ડ પોટેટો સમજે છે તે ઘણી માનસિક સમસ્યાઓનો સામનો કરે છે.

1.. જ્યારે વ્યક્તિ પોતાની બીજા સાથે સતત તુલના કરે છે ત્યારે તે ખોટા દબાવવામાં આવી જાય છે અને આંતરિક દબાણનો અનુભવ કરે છે.

2. તે જ્યારે બીજા સાથે પોતાની તુલના કરે છે ત્યારે તે વ્યક્તિમાં ઈર્ષ્યા અને લોભ ની લાગણી જન્મે છે અને તેના કારણે તે વ્યક્તિમાં નકારાત્મકતા માં વધારો થાય છે અને જે તેના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે.

3. જ્યારે સતત તે વ્યક્તિને એવું લાગ્યા કરે છે કે બીજા કરતાં તેનું મૂલ્ય ઓછું છે ત્યારે તે વ્યક્તિમાં આત્મવિશ્વાસની ખોટ અને માનસિક રીતે જટિલતા વધતી જાય છે તેના લીધે તે વ્યક્તિ વધુ દુઃખી ઘટતો જતો આત્મવિશ્વાસ અને અસહયતાની લાગણી અનુભવે છે.

4.વ્યક્તિ પોતાની સ્વ નિંદા સતત કર્યા કરે છે તેનાથી નકારાત્મક વિચારો અને ચિંતા તેનામાં ઉદભવ્યા કરે છે અને તેના કારણે ચિંતા અને ખિન્નતાની લાગણીની શરૂઆત થાય છે.

5. આજકાલ સોશિયલ મીડિયા અને ટેકનોલોજી ની અસર પણ સંબંધો ઉપર ખૂબ થાય છે આમાં વ્યક્તિ અન્ય લોકોની સફળતા, પ્રતિષ્ઠા અને જીવનશૈલી સાથે તુલના કરતી હોય છે.

ધ્યાનમાં રાખવા યોગ્ય બાબતો
આ સ્થિતિની ગંભીર માનસિક અસરોથી બચવા માટે જીવનસાથી સાથે વાત કરવી જોઇએ. બંને વચ્ચેના સંબધોને સ્પષ્ટ રાખવા જોઇએ. સંબંધોની અંદર આદર કરતા શીખવું જોઇએ. તમારા શોખ માટે કોઈની લાગણી સાથે રમત ન રમવી જોઇએ. સબંધનું મહત્વ સમજવું જોઇએ. પોતાની જાતને પ્રાથમિકતા આપવી જોઇએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button