સ્પેશિયલ ફિચર્સ

ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી કયા કારણોસર દરિયામાં ડૂબી ગઈ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અરબી સમુદ્રની નીચે ઊંડા ડૂબકી લગાવીને પાણીની અંદર પ્રાચીન દ્વારકાના દર્શન અને પ્રાર્થના કરી હતી ત્યાર બાદ બધાના મુખે ભગવાન કૃષ્ણની દ્વારકા નગરીની જ ચર્ચા થઇ રહી છે, પણ શું તમે જાણો છો કે દ્વારકા નગરી કયા કારણોસર દરિયામાં ડૂબી ગઈ?

ભગવાન કૃષ્ણની નગરીને દ્વારકા ધામ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા-વૃંદાવન છોડ્યા પછી ગુજરાતમાં દરિયા કિનારે આ શહેરની સ્થાપના કરી હતી. શ્રી કૃષ્ણની દ્વારકા નગરી દરિયામાં ડૂબી જવાની ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે. એક કથા અનુસાર ભગવાન કૃષ્ણે જરાસંધ સાથેની લડાઇ ટાળવા મથુરા છોડી દીધું હતું. તેમણે ગુજરાતમાં દરિયા કિનારે એક દિવ્ય નગરી સ્થાપી. તેનું નામ દ્વારકા રાખવામાં આવ્યું. એમ માનવામાં આવે છે કે મહાભારતના 36 વર્ષ પછી દ્વારકા શહેર દરિયામાં ડૂબી ગયું હતું.


ગાંધારીના શાપને કારણે દ્વારકા નગરી પાણીમાં ડૂબી ગઇ હતી. મહાભારતના યુદ્ધમાં પાંડવોની જીત બાદ યુધિષ્ઠિરને ગાદી પર બેસાડ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ કૌરવોની માતા ગાંધારીને મળવા આવ્યા હતા. ગાંધારી કૃષ્ણને જોઈને પહેલા તો ખૂબ રડ્યા, પછી તેમણે ભગવાનને યુદ્ધ માટે દોષિત માન્યા અને તેમને શ્રાપ આપ્યો કે જો મેં સાચા મનથી મારા પતિની સેવા કરી છે અને મારી પત્ની તરીકેની વફાદારીનું પાલન કર્યું છે, તો જે રીતે મારા કુટુંબનો નાશ થયો છે. એ જ રીતે તમારી નજર સમક્ષ તમારું કુળ પણ નાશ પામશે. કહેવાય છે કે આ શ્રાપને કારણે દ્વારકા શહેર પાણીમાં ડૂબી ગયું હતું.


બીજી કથા એવી છે કે શ્રી કૃષ્ણના પુત્ર સામ્બે ઋષિઓનું અપમાન કર્યું હતું. જેના કારણે ઋષિઓએ શ્રાપ આપ્યો હતો. મહર્ષિ વિશ્વામિત્ર, દેવ ઋષિ નારદ અને કણ્વ એક વખત દ્વારકા ગયા હતા. તે સમયે, યાદવ કુળના કેટલાક છોકરાઓએ ઋષિઓની મજાક ઉડાવવાનું વિચાર્યું. આ માટે સામ્બને સ્ત્રી વેશ ધારણ કરાવ્યો. તેને ઋષિમુનિઓની સામે લઈ જઈને પૂછ્યું કે આ સ્ત્રી ગર્ભવતી છે, તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળક વિશે જણાવો. પોતાનો ઉપહાસ થતો જોઈને ઋષિમુનિઓએ શ્રાપ આપ્યો કે તેના ગર્ભમાંથી એક લોઢાનો મૂસલ ઉત્પન્ન થશે અને તેનાથી સમગ્ર યદુવંશી કુળનો નાશ થશે. પૌરાણિક કથાઓ અનુસાર, ત્યાર બાદ તમામ યદુવંશીઓ આપસમાં લડતા લડતા મરવા લાગ્યા. બલરામે પણ પોતાના શરીરનો ત્યાગ કર્યો. કોઈ શિકારીએ હરણ સમજીને શ્રીકૃષ્ણ પર તીર ચલાવ્યું હતું, જેના કારણે ભગવાન શ્રી કૃષ્ણ સ્વર્ગલોક પામ્યા. બીજી તરફ જ્યારે પાંડવોને દ્વારકામાં બનેલી અપ્રિય ઘટનાની જાણ થઈ ત્યારે અર્જુન તરત જ દ્વારકા ગયો અને શ્રી કૃષ્ણના બાકીના પરિવારજનોને પોતાની સાથે ઈન્દ્રપ્રસ્થ લઈ ગયો. શહેર છોડતાની સાથે જ રાજમહેલ અને દ્વારકા શહેર દરિયામાં ડૂબી ગયું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button