ગણપતિ બાપ્પાની પૂજા દુર્વા વગર કેમ અધૂરી ગણાય છે?
ભગવાન ગણેશની પૂજામાં તેમને મનપસંદ મોદક અને દુર્વા ચઢાવવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે દુર્વા ચઢાવવાથી ગણપતિ બાપ્પા પ્રસન્ન થાય છે અને ભક્તોને તમામ પ્રકારની ખુશીઓ આપે છે. જેના કામનાની પૂર્તિ માટે દૂર્વા અર્પણ કરવામાં આવે છે તે જરુર પૂરી થાય છે. ભગવાન ગણેશની પૂજા દુર્વા વિના અધૂરી માનવામાં આવે છે. ચાલો જાણીએ ભગવાન ગણેશને શા માટે દુર્વા ચઢાવવામાં આવે છે.
દૂર્વા એક પ્રકારનું ઘાસ છે, જે ગણેશજીની વિશેષ અર્પણ કરવામાં આવે છે. ગણેશજી અને દૂર્વાનો સંબંધ અનલાસુર નામના અસુર સાથે જોડાયેલો છે. એક પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં અનલાસુર નામનો એક રાક્ષસ હતો, તેના ક્રોધને કારણે સ્વર્ગ અને પૃથ્વી પર પાયમાલી થઈ હતી.
અનલાસુર એક એવો રાક્ષસ હતો, જે ઋષિઓ અને મનુષ્યોને જીવતા ગળી જતો હતો. આ રાક્ષસના અત્યાચારથી પરેશાન થઈને બધા મહાદેવ પાસે પહોંચ્યા અને તેમને અનલાસુરનો નાશ કરવા માટે પ્રાર્થના કરી. ભોલેનાથે તમામ દેવી-દેવતાઓ અને ઋષિઓની પ્રાર્થના સાંભળીને તેમને કહ્યું કે માત્ર શ્રી ગણેશ જ રાક્ષસ અનલાસુરનો નાશ કરી શકે છે. દેવોની વિનંતી પર ગણેશજીએ અનલાસુરને ગળી લીધો, પણ પછી તેમના પેટમાં બળતરા થવા લાગી.
આ સમસ્યાનો સામનો કરવા માટે વિવિધ ઉપાયો નિષ્ફળ રહ્યા ત્યારે ઋષિ કશ્યપે દુર્વાના 21 ગઠ્ઠા બનાવીને ભગવાન ગણેશને ખાવા માટે આપ્યા. આ દુર્વા ખાધા બાદ ગણેશજીના પેટમાં બળતરા મટી ગઇ. બસ ત્યારથી જ ગણપતિ બાપ્પાને દુર્વા અર્પણ કરવાની પ્રથા શરૂ થઇ હોવાનું માનવામાં આવે છે.
ભગવાન ગણેશને અર્પણ કરવામાં આવતી દુર્વા મંદિર, બગીચા કે સ્વચ્છ જગ્યાએ ઉગાડેલી હોવી જોઇએ. દુર્વાને પહેલા સ્વચ્છ પાણીથી ધોઈ લો. હંમેશા જોડીમાં દુર્વા બનાવો અને ગણેશજીને અર્પણ કરો. ભગવાન ગણેશને દુર્વાની 11 જોડી અર્પણ કરવી જોઈએ. દુર્વા અર્પણ કરતી વખતે ભગવાન ગણેશના મંત્રોનો જાપ કરવો જોઈએ.