ઈચ્છાઓની કથા છે અનોખી..
થોડા સમય પહેલાં જમરૂદ્દીન અહમદની ‘પહેલું મૃત્યુ’ નામની એક વાર્તા વાંચી હતી. એક નાના બાળક સામે નિર્દોષ ગરીબને મારવામાં આવે છે. બાળક આ હિંસા જોઈને ડરી જાય છે. ગરીબ માણસ પર થતા અન્યાય સામે અવાજ ઉઠાવવાનું વિચારે છે અને પોતાના પિતા સહિત પરિવારને પેલા ગરીબની મદદ કરવાનું કહે છે. પરિવારના સદસ્ય બાળકને વિવાદથી દૂર રહેવાનું શીખવે છે. બાળક માનતો નથી. બાળકના પિતાને ગુસ્સો આવે છે અને બાળકને એક રૂમમાં પૂરી દે છે. બાળકની જીદ માટે પત્ની અને માતાને જવાબદાર ઠેરવીને માફી માગવાનું કહે છે. બાળકની દાદી જીદ છોડવા તથા પિતાની માફી માગવા સમજાવે છે. નિર્દોષ ભૂખ્યું બાળ મજબૂરી સમજી જાય છે અને એ પિતાની માફી માગે છે.
વાર્તાઓ સાંભળીને કે શાળામાં અભ્યાસ પછી બાળકના મનમાં સહાનુભૂતિ તથા અન્યાય સામે લડવાનું સ્વપ્ન હોય. બાળકની આસપાસનો સમાજ એને કોઈના વિવાદમાં પડવા માટે રોકે છે અને પોતાના કામથી મતલબ હોવો જોઈએ એવો પાઠ શીખવે છે. લેખક માને છે કે બાળક પોતાનું પહેલું સ્વપ્ન તોડે છે એ એનું પહેલું મૃત્યુ છે.
પહેલું મૃત્યુ કેવળ બાળકની ઈચ્છાનું નથી, પણ એ બાળકના પિતાનું ય છે. બાળકના પિતા ઈચ્છે છે કે પુત્રને શક્તિશાળી દુશ્મન થકી કોઈ નુકસાન થવું જોઈએ નહિ. આ કથાની આડઅસર સમાન એક વાત કહી શકાય કે ભવિષ્યમાં પિતાને કોઈ અન્યાય થતો હશે તો બાળક એ જ વર્તન કરી શકે છે, જે પિતાએ કર્યું હતું. બાળકને લાલચ આપીને સત્યની લડતથી દૂર કરતાં દાદી અને માતાનું પણ પહેલું મૃત્યુ છે. બાળકને સમજાય છે કે કોઈના સ્વપ્નને તોડવા માટે ભૂખ જેવી લાલચ કામ કરી જતી હોય છે. સૌથી મોટું નુકસાન સમાજનું છે. આપણે ઘડતર કરી શકતા નથી, જેમાં સ્વમાન અને સત્યનાં સ્વપ્ન સાકાર થતાં હોય. આ કથાને અલગ રીતે વિચારશો તો ખ્યાલ આવશે કે મોટા ઉદ્યોગ ગૃહ કે પારિવારિક સમસ્યાનોના પાયામાં આવી જ કોઈ નાનકડી ઘટના છુપાયેલી હોય છે.
દુનિયાભરના તત્ત્વચિંતકો માને છે કે માણસ એની ઈચ્છાશક્તિના અભાવથી નિષ્ફળ જાય છે. આ કથામાં ઇચ્છાશક્તિ હોય કે ના હોય એનાથી કોઈ ફેર પડતો નથી કેમ કે રૂઢિઓ સામે લડવાની તાકાત માણસ ગુમાવી બેઠો છે.
સામાન્ય માણસો પોતાની જિંદગીમાં કેટકેટલાં સ્વપ્ન જુએ છે, કેટકેટલા આશા અને અરમાન સાથે લઈને જીવે છે, પણ ક્યારેક વિચાર આવે કે એમની ઈચ્છાઓ ફળીભૂત થાય છે ખરી? માણસ ઘડપણમાં કામ લાગે તે માટે પૈસા ભેગા કરવાની દોડમાં આખી જિંદગી દોડતો રહે છે. એ માણસ પોતાના સ્વપ્ન માટે યુવાનીનો ભોગ આપ્યા પછી સ્વસ્થ રહીને ઘડપણ ભોગવી શકતો હશે કે કેમ એ સવાલ છે. એનો અર્થ એવો થયો કે સ્વપ્ન સાકાર થાય કે ના થાય તો પણ વ્યક્તિ સંઘર્ષ કરતો રહે છે અને નવી નવી ઉમ્મીદ બનાવ્યે રાખે છે. ઘણી વાર પ્રશ્ર્ન થતો હોય છે કે તો પછી જીવન શું છે? ફક્ત નાની- મોટી ઈચ્છાઓનો કોથળો તો નથીને? આપણે આ ધરતીના મુસાફર બનીને શું પામીએ છીએ? જિંદગીનાં સત્યનો સામનો કરવા માટે સમર્થ છીએ કે પછી પેલા બાળકની જેમ લાલચમાં આવીને મૂળ માર્ગ છોડી દઈએ છીએ ?
એક સામાન્ય માણસને જીવનમાં ખુશીઓ જોઈએ છે – એને પ્રેમ અને રોમાન્સ જોઈએ છે. દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય અને સંપત્તિ જોઈએ છે. દરેકને સ્વતંત્રતા, શાંતિ અને રક્ષણ જોઈએ છે. દરેક વ્યક્તિને પ્રેમાળ પરિવાર સાથે મજાના દોસ્તો જોઈએ છે. સમૃદ્ધજીવનમાં આરામ કરવા સાથે દરેકને દુનિયાભરની ટ્રીપ કરવી છે. દરેક વ્યક્તિને બીજાઓ પર ઉપકાર કરવા સાથે અધ્યાત્મ ક્ષેત્રે નામના જોઈએ છે. આ સામાન્ય ઈચ્છાઓ પ્રાપ્ત કરવા સંઘર્ષ કરવો પડે છે, પણ ભાગ્યે જ કોઈ ચેલેન્જ ઉઠાવવા તૈયાર થાય છે. સરવાળે કોઈને કશું પ્રાપ્ત થતું નથી અને પ્રાપ્ત થયા પછી એનો સંતોષ પણ હોતો નથી. આ જ એક વિષચક્રમાં માણસ જીવે છે અને મરે છે.
આખી વાતનો સાર એ થયો કહેવાય કે માણસના સમગ્ર જીવન પર ઈચ્છાઓ જ અધિકાર ભોગવે છે. માણસ પાસે જે ઈચ્છાઓ અધૂરી પડી છે એ પણ ઉધારમાં મળેલી ભેટ છે. આપણે સ્વપ્ન જોયા હતાં અને એ સાકાર કરવા અથાગ મહેનત છતાં ધાર્યા પરિણામ સુધી પહોંચી શક્યા છીએ કે કેમ એનો જવાબ ક્યારેય સંતોષજનક રીતે મળતો નથી.
વિચારક જે કૃષ્ણમૂર્તિ માનતા હતા કે તમે ઈચ્છાઓને રોકવાનો પ્રયાસ કરો છો અને કદાચ સફળ થઇ શકો છો. આ વાતને અલગ રીતે વિચારશો તો ખ્યાલ આવશે કે ઈચ્છાઓને રોકવી એ પણ એક ઈચ્છા હતી. સંતો અને વિદ્વાનો વારંવાર એક વાત કહેતા હોય છે કે તમારાં સ્વપ્નાઓને તમે રોકી શકવાના નથી, પણ એ ઘટાડી શકાય. માણસને ઘણી બધી ઈચ્છાઓ હોય, પણ ઈચ્છાઓને નિયંત્રિત કરવી એ સુખનો માર્ગ છે.
આપણી વાત એ છે કે એક સામાન્ય માણસ ત્યાગ કરવાના વક્તવ્ય સાંભળીને કે અન્ય રીતે બોધ મેળવીને કેટલાય સ્વપ્ન રોળી નાખતો હોય છે. મનોવિજ્ઞાનમાં બે પ્રકારની ઇચ્છાની વાત કહી છે : એક સામાન્ય ઈચ્છા અને બીજી અસામાન્ય ઈચ્છા. બે બેડરૂમ હોલ- કિચનનું ઘર હોવું એ સામાન્ય ઈચ્છા છે પણ કોમન માણસ માટે ફાર્મ હાઉસ સાથે વિશાળ બાર હોય અને એ એક અસામાન્ય વૈભવી સ્વપ્ન છે. આજે પ્રોબ્લેમ એ છે કે આપણે સામાન્ય અને અસામાન્ય વચ્ચેનો ભેદ ભૂલવા લાગ્યા છીએ, એમાં જે શાશ્ર્વત પ્રાપ્ત કર્યું છે એનો આનંદ ગુમાવી દઈએ છીએ. પેલા બાળકની જેમ આખી જિંદગી સ્વપ્ન સાકાર થતાં લાગતાં નથી એટલે રોજેરોજ મૃત્યુ જેવો અનુભવ કરીએ છીએ.
ધ એન્ડ:
દરેક સજીવને પ્રેમની ઈચ્છા હોય છે.
(અજ્ઞાત)
Also Read –