મંત્રની અસર થાય છે? હા થાય છે
શિવવિજ્ઞાન – મુકેશ પંડ્યા
આજે ફરી એક શ્રાવણિયો સોમવાર. દર સોમવારે શિવમંદિરમાં જઇએ છીએ.જળાભિષેક અને દુગ્ધાભિષેક કરીએ છીએ. બીલીપત્ર ચઢાવીએ છીએ. આ બધી થઇ ભગવાનની દ્રવ્યપૂજા. પરંતુ ‘ઓમ નમ:શિવાય’ મંત્રનું શ્રદ્ધાપૂર્વક રટણ પણ એટલું જ કદાચ એથી વિશેષ મહત્ત્વ ધરાવે છે. તમારી પાસે કોઇ દ્રવ્ય, ચીજ કે વસ્તુ ન હોય તો તમે મંત્રરટણ કરીને પણ ભગવાનને આદર આપી શકો છો. આને ભાવપૂજા કહેવાય. સાચા હૃદયથી કરેલી ભાવપૂજા દ્રવ્યપૂજાથી પણ ચડી જાય એવું બને ખરું. આપણે વાતવાતમાં કહીએ છીએ કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે. બસ, પ્રેમપૂર્વક મંત્રજાપ કરીને તમે પોતાનો ભાવ સમર્પિત કરી શકો છો. દ્રવ્યપૂજામાં પ્રદર્શનની વૃત્તિ છલકે છે, પણ ભાવપૂજામાં દર્શનની વૃત્તિ છલકે છે. મંત્રજાપ ભાવપૂજાનું પ્રતીક છે.
હવે સવાલ એ થાય કે આજની પેઢી મંત્રમાં દઢ શ્રદ્ધા ધરાવે એના માટે શું કરવું? સ્વાભાવિક છે તેને મંત્રવિજ્ઞાનની સાચી સમજણ આપવી જોઇએ. ચાલો એ દિશામાં થોડું ડોકિયું કરીએ.જાપાનના ડૉ. સમારુ ઇમોટોએ કરેલા એક સંશોધન મુજબ મંત્રોની પાણી પર ખૂબ હકારાત્મક અસર થાય છે. આપણું શરીર પણ ૭૦થી ૭૫ ટકા પ્રવાહી ધરાવે છે જેના પર મંત્રોની ખૂબ સારી અને ધારી અસર થાય છે. આપણા શરીરની સાથે મન પર પણ સારી અસર થાય છે કારણ કે મન પણ પ્રવાહી જેવું ચંચળ છે. કોઇ જગ્યાએ ગાળાગાળી થતી હોય, અપશબ્દો બોલતા હોય તો આપણું મન અપસેટ થઇ જાય છે, ઉદાસ થઇ જાય છે, પણ સુવાક્યો બોલાતા હોય મધુર મંત્રગાન થતાં હોય તો મન આનંદવિભોર થઇ જાય છે. ન્યૂયોર્કના ડૉક્ટર પોડોલસ્કી જણાવે છે કે ખાસ પ્રકારના સૂરો અને ધ્વનિના ગુંજારવથી શરીરનું રુઘિરાભિસરણ સારું થાય છે. શરીરના કોષોને નવજીવન પ્રાપ્ત થાય છે. શરીરની બહાર જેવું બાહ્યજગત છે તેવું જ શરીરની અંદર પણ જગત છે તેને આંતરજગત કહેવાય છે. આ આંતરજગતની યાત્રા માટે અને સુખાકારી માટે મંત્રજાપ શ્રેષ્ઠ વ્યવસ્થા છે. ઓમનું ઉચ્ચારણ કરતાની સાથે જ તમને ખ્યાલ આવશે કે આ ઓમકાર નાભિમાંથી પ્રગટે છે. આમ અલગ અલગ મંત્રોની અલગ અલગ અવયવ પર અસર થાય અને તેને અનુસાર કંપન ઉત્પન્ન થાય છે જેની શક્તિથી શરીર નીરોગી રાખી શકાય છે. રોગપ્રતિકારકશક્તિ વધારી શકાય છે.
જે રીતે દવાના પાવરથી બીમારી દૂર કરી શકાય છે. એ જ રીતે મંત્ર પણ એક વિશિષ્ટ પ્રકારની અસર ઉપજાવતી સાઉન્ડ એનર્જી કે ધ્વનિશક્તિ અર્થાત્ ઊર્જા જ છે. દરેક અક્ષરમાં એક ચોક્કસ શક્તિ રહેલી હોય છે અને એમાંય ઓમ, શ્રીં, ક્લીં, જેવા અક્ષરોમાં અપાર શક્તિ છે જેની મદદથી શરીરની અંદર જઇને તન મનની બીમારી દૂર કરી શકાય છે.
જે રીતે મંત્રશક્તિ આંતરજગતમાં પ્રવેશી શકે છે એ જ રીતે આ શક્તિ બાહ્યજગતમાં પણ વિહરી શકે છે. કરોડો જોજન દૂર પરમશક્તિ પાસે પણ પહોંચી શકે છે. તેના દર્શન પણ કરી શકે છે. (ક્રમશ:)