શાક-રોટલી ખાવામાં આનાકાની કરે છે બાળક? આ રીતે આપો તમારા ભોજનને ટ્વિસ્ટ
બાળકના મગજ અને શરીરને વિકસીત કરવા પ્રારંભિક તબક્કામાંથી જ તેમને જરૂરી તમામ પોષક તત્વો મળી રહે તેવો ખોરાક આપવો જોઇએ એ વાત તો જગજાહેર છે, પરંતુ જો બાળક રૂટિન ભોજન લેવામાં કંટાળો અનુભવતું હોય અને બીજી બાજુ પોષક દ્રવ્યોથી પણ વંચિત રહી જતું હોય તો શું કરવું? બાળકોને વિકાસ માટે ઓમેગા-3 ફેટી એસિડ, આયર્ન, આયોડીન, ઝિંક, કોલીન અને વિટામિન A, B12, D જેવા પોષકતત્વોથી ભરપૂર ખાદ્યપદાર્થો લેવાની ખાસ જરૂર રહે છે. તમારા રોજિંદા ખાનપાનની વાનગીઓમાં નીચે મુજબ પરિવર્તન લાવવાથી સારું પરિણામ મળશે.
ફ્રુટ સ્મુધી- બાળકોની સ્મૂધીમાં એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર ફળો, ચીયા સીડ્સ, ડ્રાયફ્રૂટ્સ જેવા સુપરફૂડ્સ સામેલ કરો. સ્મૂધી બાળકોના આહારમાં પોષક તત્વોને સામેલ કરવાની સરળ રીત છે. સૌથી ખાસ વાત એ છે કે, બાળકો આરામથી તેનું સેવન પણ કરી લે છે. આમાં કોઇ ખાસ પદ્ધતિ અપનાવવાની જરૂર નથી. ઘરનું દહીં તથા ક્રીમનો ઉપયોગ કરીને સ્મૂધી બનાવી તેમાં સ્વાદ માટે ચોકલેટ પણ ઉમેરી શકો છો.
વેજી ફ્રાઇઝ- બાળકો શાકભાજી ખાવામાં ઘણી આનાકાની કરતા હોય છે. એવામાં તેમને શાકભાજી થોડા મસાલાના ટ્વિસ્ટ સાથે ફ્રાય કરીને આપવાથી તેઓ ઝડપથી વાનગી આરોગી જશે. હા, ફ્રેન્ચ ફ્રાઇઝની અહીં વાત નથી થઇ રહી પરંતુ કારેલા, રીંગણ સહિત અનેક લીલા શાકભાજી જેને મસાલા સાથે ફ્રાય કરવામાં આવે છે તે વાનગીઓ. આ શાકભાજીને ડીપ ફ્રાય નથી કરવામાં આવતા જેથી પોષક તત્વો જળવાઇ રહે છે.
હમસ- હમસનો ટ્રેન્ડ ઘણા વર્ષોથી આપણે ત્યાં જોવા મળી રહ્યો છે. જે બાળકો કઠોળ ખાવામાં આનાકાની કરતા હોય તેમને કઠોળ હમસના રૂપમાં આપવાથી તે કઠોળ ખાતું થશે. હમસ બનાવવા માટે પલાળી રાખેલા અથવા બાફેલા કઠોળને મિક્સીમાં ક્રશ કરી તેની પેસ્ટ બનાવી લેવી. બારીક મસાલા, લીંબું-મીઠું એડ કરી તેને પીરસી શકાય છે.