ગરમીથી રાહત આપવા પશુઓ માટે બનાવેલા એર કન્ડિશન વિશે જાણો છો?
અમદાવાદઃ હવે ઉનાળાની સીઝન આવી ગઈ છે ત્યારે લોકો ગરમીથી બચવા અવનવા ઉપાયો કરી અથવા એર- કંડિશનરનો ઉપયોગ કરી ગરમીથી રાહત મેળવતા હોય છે. ત્યારે આ ગરમીથી ઉકળાટ અનુભવતા પશુઓનું શું ? તેવો પ્રશ્ન ચોક્કસ થાય.
તો આ પ્રશ્નનો જવાબ આપવા ગુજરાતની જાણીતી વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવેર્સિટીના કમ્યુનિટી સાયન્સ સેન્ટરે એક શોધ કરી છે. અહીંના સંશોધકોએ પશુઓ માટે એક સસ્તી કુલિંગ સિસ્ટમ બનાવી છે. જેના લીધે હવે પશુઓ પણ આગ ઝરતી ગરમીથી રાહત મેળવશે, ખાસ કરીને આ સિસ્ટમ તબેલામાં રહેતી ગાયોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી છે, આનાથી ગાય ગરમીથી તો બચશે જ ઉપરાંત તેમને ગરમીથી થતી બીમારીઓનું પ્રમાણ પણ ઘટશે અને તેના દૂધમાં ચરબી (fat)નું પ્રમાણ વધશે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ કુલિંગ સિસ્ટમના લીધે ગાયના દૂધના પ્રમાણમા વધારો થશે અને ઉનાળા દરમિયાન સામાન્ય ગાયો કરતાં કુલિંગ સિસ્ટમમાં રહેતી ગાયોનું દૂધ વધુ સારી ગુણવત્તાનું મેળવી શકાશે.
આ કુલિંગ સિસ્ટમની ડિઝાઈનને ભારત સરકાર દ્વારા પેટન્ટ ડિઝાઈન તરીકે નોંધવામાં આવી છે, આ વિભાગના વરિષ્ઠ પદાઅધિકારીએ જણાવ્યુ હતું કે અમે એક એવી ડિઝાઈનની શોધ કરવા માંગતા હતા કે જે ગરમી દરમિયાન પશુઓને રાહત આપે. ઢોર રાખતા ખેડૂતો અને માલધારીઓ પોતાના ઢોરને તાપથી રાહત આપવા ઠંડુ પાણી ભરેલી કોથળીઓ દ્વારા કે દિવસ દરમિયાન એક વાર ઢોર સ્નાન કરાવતા હોય છે ત્યારે આ સિસ્ટમ વિદેશી સિસ્ટમ કરતા ચાર ગણી સસ્તી છે અને કોઈ પણ ખેડૂત આરામથી આ સિસ્ટમ પોતાના પશુઓ માટે વસાવી શકે છે. આ ઓટોમેટેડ કુલિંગ સિસ્ટમ તબેલામાં ઝાકળ ફેલાવે છે. માત્ર એકાદ ટબ જેટલું પાણી 10-12 પશુઓને રાહત આપે છે. ધીમે ધીમે આ ઝાકળને રિલીધ કરવાથી પાણીની અછતને લીધે થતા રોગ પણ ઓછા થાય છે.
યુનિવિર્સિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રવિપુરા ગામમાં 100 ગાયો અને ભેંસોને આવરી લેતા પ્રાંગણમાં 10 કુલિંગ સિસ્ટમ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી છે જેના લીધે દરેક પશુના દૂધની ઊપજમાં દરરોજ એક લિટર જેટલો વધારો થયો છે.