
આપણામાંથી ઘણા લોકોને એવો અનુભવ થયો હશે કે બપોરના સમયે ભરપૂર ઊંઘ આવવા લાગે છે, પછી એ ઘર હોય કે ઓફિસ એમાં પણ ખાસ કરીને બપોરે લંચ કર્યા બાદ તો ખાસ. જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારે આ સ્ટોરી ચોક્કસ જ છેલ્લે સુધી વાંચી જવી પડશે, કારણ કે આજે આપણે અહીં આવું થવાના પાંચ કારણો વિશે વાત કરીશું. ચાલો જોઈએ કયા છે આ કારણો કે જેને કારણે આવું થાય છે-
ઓવરઈટિંગઃ
આવું થવાનું સૌથી પહેલું અને મહત્ત્વનું કારણ છે ઓવરઈટિંગ. ઓવરઈટિંગને કારણે પણ ઊંઘ આવવા લાગે છે. શરીરને ભોજન પચાવવા માટે વધારે ઊર્જાની જરૂર પડે છે, એટલે એના કારણે આપણને થાક લાગે છે. આ જ કારણ છે બપોરના સમયે ભોજન બાદ આંખો ભારે થવા લાગે છે અને ઊંઘ આવવા લાગે છે.
વીક બ્લડ સર્ક્યુલેશનઃ
ઓવરઈટિંગ સિવાય બ્લડ સર્ક્યુલેશન નબળું હોય ત્યારે પણ આવું થાય છે. બપોરે જમ્યા બાદ શરીરની બધી એનર્જી ફૂડને ડાઈજેસ્ટ કરવામાં વપરાઈ જાય છે જેને કારણે મગજ સુધી લોહીનો પુરવઠો યોગ્ય રીતે નથી થતો અને વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે.
અપૂરતી ઊંઘઃ
બપોરના સમયે ઊંઘ આવવાનું બીજું કારણ એ પણ છે અપૂરતી ઊંઘ. જો રાતના સમયે કોઈ કારણસર તમારી ઊંઘ પૂરી ના થઈ હોય તો પણ તમને દિવસમાં બપોરના સમયે ઊંઘ આવી શકે છે. ઊંઘ પૂરી ના થઈ હોય એને કારણે શરીરમાં અશક્તિ અને થાકનો અહેસાસ થાય છે જેને કારણે ઊંઘ આવવા લાગે છે.
કાર્બોહાઈડ્રેટ્સનું વધારે પડતું સેવનઃ
જો તમારા ભોજનમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય તો આવી સ્થિતિમાં પણ તમને આ સમસ્યા સતાવી શકે છે. કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધુ હોવાને કારણે શરીરમાં ઈન્સ્યુલિનનું પ્રમાણ વધે છે અને એને કારણે મગજમાં એમિનોમાં એસિડ વધવા લાગે છે અને એને કારણે વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે.
બીમારીને કારણેઃ
વધારે પડતી ઊંઘ આવવાનું કારણ બીમારીઓ પણ છે. ડિપ્રેશન, એનિમિયા, સ્લિપ એપનિયા અને ડાયાબિટીસના દર્દીઓને બપોરે ઉંઘ આવી શકે છે. આવા દર્દીઓએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી તેમને આ સમસ્યા ના સતાવે.