શું તમે પણ નેલપોલિશ લગાવો છો? પહેલાં આ વાંચી લો, નહીંતર…

સામાન્યપણે મહિલાઓ પોતાના લૂકને લઈને હંમેશા જ સભાન હોય છે અને તેઓ હંમેશા ટાપટિપ રહેવામાં માને છે. ચહેરાની સાથે સાથે મહિલાઓ તેમના હાથને પણ સુંદર દેખાડવા માટે મેનિક્યોર કરતી હોય છે અને નખ પર નેલ પોલિશ લગાવે છે અને હવે તો નખની સુંદરતા વધારવા માટે નેઈલ આર્ટ કરાવવાનું ચલણ પણ દિવસે દિવસે વધતું જ જઈ રહ્યું છે. પણ શું તમને એ વાતની જાણ છે કે નખની સુંદરતામાં વધારો કરતી આ નેલ પોલિશ સ્વાસ્થ્ય માટે જોખમી છે અને એટલું જ નહીં પણ તે તમને જીવલેણ બીમારી પણ ભેટમાં આપી શકે છે? નહીં ને? ડોન્ટ વરી આજે અમે તમને એ વિશે જ જણાવવા જ જઈ રહ્યા છીએ.
નેલ પોલિશમાં ફોર્માલ્ડીહાઈડ, ટોલ્યુએન અને ડીબ્યુટીલ ફેથલેટ જેવા ઝેરી રસાયણો હોય છે અને આ તમામ રસાયણો સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી હોય છે. જો લાંબા સમય સુધી નેલ પોલિશનો ઉપયોગ કરવામાં આવે તો સ્કીન એલર્જી, સોજા અને રેશિઝ જેવી સમસ્યાઓ સતાવી શકે છે. આ સિવાય નેલ પોલિશ રિમુવર પણ એટલું જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આના વધારે પડતાં ઉપયોગને કારણે સ્કીન રફ અને ડ્રાય બની શકે છે.
નેલ પોલિશમાં જોવા મળતાં રસાયણોને કારણે શ્વસનતંત્ર સંબંધિત સમસ્યાઓ પણ સતાવી શકે છે એટલે નેલ પોલિશ લગાવતી વખતે કે તેને કાઢતી વખતે હંમેશા માસ્ક પહેરવું જોઈએ. ટ્રાફીનાઇલ ફોસ્ફેટ ફેફસાં માટે હાનિકારક હોય છે અને તેને કારણે ફેફસામાં સોજા પણ આવી શકે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને અસ્થમા જેવી બીમારી થવાનું જોખમ પણ રહેલું છે.
નેલ પોલિશમાં રહેલાં રસાયણો તમામ મહિલાઓ માટે જોખમી જ છે, પણ ખાસ કરીને પ્રેગ્નન્ટ મહિલાઓ માટે તો આ રસાયણો ખૂબ જ જોખમી હોય છે. એની અસર ગર્ભ પણ પણ જોવા મળી શકે છે અને જન્મજાત ખામીઓનું કારણ પણ બની શકે છે. આ જ કારણે ગર્ભવતી મહિલાઓએ શક્ય હોય ત્યાં સુધી નેલ પોલિશનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કે પછી નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હોય એવી નેલ પોલિશનો ઉપયોગ કરવો જોઈએ.
અગાઉ જણાવ્યું હોય એમ નેલ પોલિશમાં જોવા મળતાં ફોર્માલ્ડીહાઈડ, ટોલ્યુએન અને ડીબ્યુટીલ ફેથલેટ જેવા કેમિકલ્સ બીજા બોડી પાર્ટની જેમ મગજ સુધી પણ પહોંચે છે અને મગજના સેલને નુકસાન પહોંચાડે છે, અને એને કારણે માથામાં દુઃખાવો વગેરે જેવી સમસ્યા સતાવી શકે છે.