પરેશાન કરતા પેટનાં ચાંદાંઃ જાણો કારણો અને ઉપાયો
આરોગ્ય પ્લસ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
પેટનું અલ્સર: હોજરીમાં રહેલું એસિડ, હોજરીના અંદરના પડને નુકસાન પહોંચાડે છે, તેથી પડમાં ચાંદાં થાય છે, તેને અલ્સર કહેવાય છે.
અલ્સરનાં લક્ષણ
જે લક્ષણો એસિડિટીનાં હોય છે તે લક્ષણો અલ્સરનાં પણ હોય છે. પરંતુ અલ્સરની પીડા એસિડિટી કરતાં વધારે તીવ્ર હોય છે.
કારણ
તણાવ, ચિંતા અને ભયમુક્ત જીવન.
આધુનિક વિજ્ઞાને તે સાબિત કર્યું છે કે, દર્દીને થતાં પેટનાં ચાંદા ઘણી વાર માનસિક અસંતુલિતતાથી થતા હોય છે. ડૉ. જોસફ મોન્ટેગેજ (’Nervous Stomach Trouble’ પુસ્તકના લેખક) કહે છે કે, પ્રાય: અલ્સરોનું મૂળ કારણ તો દર્દીનું માનસિક વલણ હોય છે. જેમ કે ક્રોધ, ભય, ટેન્શન, ઈર્ષ્યા, કોઈના પ્રત્યે હલકી કલ્પના કરવી, ચીડિયો સ્વભાવ વગેરે.
જે કારણોથી અર્જીણ અને એસિડિટી થાય છે, તે કારણો લાંબા સમયે અલ્સર માટે જવાબદાર બને છે.
અતિ તીખા, તળેલા, વાસી કે આથેલા આહાર – આ રોગ થવાનું મુખ્ય કારણ છે.
પેટમાં હેલીકોબેક્ટર પાઈલોરી (Helicobacter Pylori) જીવાણુની માત્રા વધી જવાથી.
આ જીવાણુ પેટના એસિડમાં જ જીવી શકે છે અને તે જે દેશોમાં સ્વચ્છતા ઓછી હોય, તે દેશોના લોકોમાં થવાની સંભાવના વધુ છે.
અમુક દુ:ખાવો દૂર કરવાની દવાઓના વધુપડતા સેવનથી.
આપણે બીમારીની પીડા દૂર કરવા પેઈનકિલર (દર્દશામક) દવાઓ લેતાં હોઈએ છીએ, પરંતુ તે દવાઓ જ પેટમાં અલ્સર પેદા કરતી હોય છે. ૩૦-૩૫% લોકોને આવી દવાઓથી જ અલ્સર થાય છે.
દારૂ, તમાકુ, ગુટકા કે સિગારેટનું વ્યસન હોવાથી.
સાવધાની
અલ્સરના દર્દીઓએ તીખા, તળેલા અને ખાટા પદાર્થો ન લેવા. તેમ જ કઠોળ જેવો ભારે, કડક અને સૂકો આહાર પણ ન લેવો.
અલ્સરનું નિદાન કરાવ્યા બાદ ચિકિત્સકના માર્ગદર્શન મુજબ અહીં દર્શાવેલ ઉપચારો કરવા.
આ પણ વાંચો…તમે ખાવ છો એ આદું અસલી છે કે નકલી? ભેટમાં આપી શકે છે જીવલેણ બીમારી…
ઉપચારો
૧. બે ચમચી મધમાં ૧ ચમચી તજનો પાઉડર ભેળવી સવારે લેવાથી અલ્સરનાં ચાંદાં મટી શકે છે.
૨. એક કપ (૨૫૦ મી.લી.) ગાજરનો રસ ભૂખ્યા પેટે રોજ સવાર-સાંજ પીવો.
૩. એક કપ કોબીજનો રસ ભૂખ્યા પેટે સવાર-સાંજ પીવો.
૪. ૨૫ મી.લી. આમળાનો જ્યૂસ રોજ ભૂખ્યા પેટે પીવો.
૫. એક કપ કુંવારપાઠાનો જ્યૂસ રોજ ભૂખ્યા પેટે પીવો.
૬. રોજ એક કપ દૂધમાં એક ચમચી મેથીનો પાઉડર નાખી પીવું.
૭. ૧૫ ગ્રામ શતાવરીનું ચૂર્ણ અને ૫ ગ્રામ જેઠીમધનું ચૂર્ણ, ૨૦૦ ગ્રામ દૂધ અને ૨૦૦ ગ્રામ પાણીમાં ઉકાળીને પાણી બળી જાય પછી તેમાં સાકર અને એલચી નાખી ઠંડું થાય પછી પીવું.
૮. બે ચમચી મધ રોજ સવારમાં ભૂખ્યા પેટે ચાટવું.
૯. સવાર-સાંજ એક નાળિયેરનું પાણી રોજ પીવું.
૧૦. બે-ત્રણ ચમચી દિવેલ એક કપ દૂધમાં રોજ સૂતાં પહેલાં પીવું.
૧૧. બેથી ત્રણ કેળાં ઘી સાથે બપોરે અને રાત્રે રોજ જમવાં.