સ્પેશિયલ ફિચર્સ

વેર-વિખેર – પ્રકરણ-૬૦

માણસ પાસે બધાં શસ્ત્રો ખૂટી જાય છે ત્યારે એ શબ્દોનો સહારો શોધે છે એટલે પ્લીઝ, એ હથિયાર મારી સામે નહીં વાપરતો…

કિરણ રાયવડેરા

‘કુમાર, મારે તારી સાથે એક વાત કરવી છે, હમણાં જ…’

વિક્રમે ફોન કર્યા બાદ શ્યામલીએ તરત જ કુમાર સાથે વાત કરીને એને તાકીદે બોલાવ્યો.
શ્યામલીને ફોન કરીને વિક્રમે જણાવ્યું હતું કે એના મકાનમાં રહેતી મિસિસ ગાંગુલીના ખૂન બાદ કોઈએ પોલીસ સ્ટેશને ફોન કરીને કહ્યું હતું કે વિક્રમ દીવાન એ મકાનની નિયમિતપણે મુલાકાત લે છે એટલે એમને પૂછપરછ કરવાથી ખૂનીનો પત્તો લાગી જશે….!


આ સાંભળીને ત્યારે વિક્રમને દિલાસો આપતાં શ્યામલીએ કહ્યું હતું કે, ‘તું મને થોડો સમય આપ… જેણે ફોન કર્યો છે એનો પત્તો લગાડીને જ હું જંપીશ.’

ત્યાર બાદ શ્યામલીએ ફોન કરીને કુમરને બોલાવ્યો હતો.

‘શ્યામલી,તારા મકાનમાં મર્ડર થયું છે. તેં તને અગાઉ પણ કહ્યું હતું કે મારું ત્યાં આવવું જોખમકારક રહેશે, કારણ કે પોલીસ ચોતરફ ફેલાયેલી હશે… હું એક-બે દિવસ બાદ આવું તો…’

‘કુમાર… નથીંગ ડુઇંગ… તું હમણાં જ ચાલ્યો આવ, તાત્કાલિક…’

‘શ્યામલી, કેમ સીરિયસ છો કંઈ બન્યું છે?’

કુમારના પેટમાં ફાળ પડી. શ્યામલીના અવાજમાં રહેલી બરફ જેવી ઠંડક એને દઝાડી ગઈ..

‘કુમાર, હું ફોન મૂકું છું… તને ડર લાગતો હોય તો આવવાનું માંડી વાળજે. બાકી હું તારી રાહ જોઈશ.’

શ્યામલીએ લાઇન કાપી નાખી.કુમાર અવાક થઈ ગયો.શ્યામલીનું વર્તન થોડું વિચિત્ર લાગતું હતું.
શું થયું હશે? એને ખબર પડી ગઈ હશે કે મેં વિક્રમ દીવાનને ફસાવવા પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો?


ખોટું કામ કર્યા બાદ બધા લોકો ગુનાની લાગણી કદાચ ન અનુભવે, પણ દરેકને ભય તો લાગે જ… કુમાર ધ્રૂજી ઊઠ્યો.

જો શ્યામલીને અંદેશો આવી ગયો હશે તો એનું આવી બન્યું… શ્યામલી એને નહીં છોડે., પણ જવું કેવી રીતે? મકાનમાં તો નીચે પોલીસ તહેનાત હશે.કુમાર જાય તો પોલીસના હાથમાં ફસાઈ શકે અને એ નહીં જાય તો શ્યામલી એને નહીં બક્ષે.

જવું તો પડશે.

પોલીસ પાસેથી છટકવાનો રસ્તો મળી જશે. પણ જો શ્યામલીના હાથમાં સપડાઈ જશે તો ભગવાન પણ નહીં બચાવી શકે…

શ્યામલી ગુસ્સામાં આવીને કુમારને છોડી દે તો…!

કુમાર ઊભો થઈ ગયો. ખુરશી પર પડેલું જેકેટ ઉપાડીને ખભે ફંગોળ્યું અને ગેસ્ટ હાઉસના રૂમની બહાર ત્વરાથી નીકળી ગયો.

શ્યામલીના મકાન પાસે પહોંચ્યો ત્યારે એણે દૂરથી જોઈ લીધું કે મકાનની બહાર પોલીસની એક જીપ ઊભી છે.

કુમાર ઝડપથી મકાનની અંદર દાખલ થવા લાગ્યો કે પાછળથી એક સત્તાવાહી અવાજે એને રોક્યો : ‘ઠહેરો…’

કુમારે પાછળ ફરીને જોયું. જીપમાંથી એક ઇન્સ્પેક્ટર ઊતરીને એની તરફ આવતો હતો.
‘કહાં જાના હૈ?’ પેલાએ પ્રશ્ન પૂછ્યો. કુમારે શ્યામલી ચક્રવર્તીનું નામ આપ્યું.


‘ક્યા કામ હૈ?’

કુમારના ચહેરા પર નારાજગીના ભાવ ધસી આવ્યા. ‘ઇન્સ્પેક્ટર, હું કોઈને શા માટે મળવા જાઉં છું એ મારી અંગત બાબત છે. તમને શક હોય તો તમે શ્યામલી ચક્રવર્તી સાથે ફોનમાં વાત કરી શકો છો…’

ઇન્સ્પેક્ટરે કુમારનું પગથી માથા સુધી નિરીક્ષણ કર્યું, જાણે કેમ એની ઊંચાઈ માપતો હોય.
‘પૂછના મેરા ફર્ઝ હૈ… મિસિસ ગાંગુલીને પણ કોઈ શખ્સ આ રીતે જ અંગત કારણોસર મળતા આવતો હતો. મુલાકાત અંગત હોઈ શકે, મર્ડર અંગત ન હોય… એની વે, તમે જઈ શકો છો…’


કુમાર સમસમી ગયો.


ઇન્સ્પેક્ટરે એનો ચહેરો જોઈ લીધો એ એને ન ગમ્યું. એને શ્યામલી પર ગુસ્સો ચડતો હતો. એની જીદને કારણે જ આ બે કોડીનો ઇન્સ્પેક્ટર એને મનફાવે તેમ કહી ગયો.

કુમાર લિફ્ટ તરફ આગળ વધ્યો.

ઇન્સ્પેક્ટર જીપ તરફ જોઈને એના સાથીને કહેતો હતો – ‘કોઈ પુરુષ એકલી રહેતી સ્ત્રીને મળવા જાય ત્યારે આપણા મનમાં સારા વિચારો કેમ નહીં આવતા હોય?’

‘કારણ કે એક સ્ત્રી અને એક પુરુષ ઝાઝો સમય એકાંતમાં રહે તો ગુનો કરવાનું સરસ મઝાનું વાતાવરણ બની જાય.’

‘હા, ત્યારે જ આપણે વચ્ચે પડવું પડે… કોણ જાણે કેમ આ માણસને મળીને લાગતું હતું જાણે એ કંઈ છુપાવવાની કોશિશ કરી રહ્યો છે.’

‘વિક્રમ, મને લાગે છે કે આપણા ઘરમાં કંઈક બનવાનું છે… કદાચ કોઈ દુર્ઘટના…’

પૂજાના શબ્દો સાંભળીને વિક્રમ અવાક થઈ ગયો. પૂજા ઊંઘમાં નહોતી પણ જાણે ઊંડી તંદ્રામાંથી બોલતી હોય એવું લાગતું હતું. વિક્રમ ફફડી ગયો. પૂજાએ ભવિષ્યવાણી ભાખી છે તો કદાચ દુર્ઘટના બને પણ ખરી… ડોક્ટર આચાર્યને હાર્ટઍટેક આવ્યો જ હતો ને… પણ એની બધી આગાહી સાચી નથી પડતી એ પણ હકીકત હતી.

‘પૂજા, તું શું બબડાટ કરે છે? પહેલાં તો તું મારા પર આક્ષેપ કરે છે કે હું પાર્ક સર્કસના એ મકાનમાં રેગ્યુલર જાઉં છું… અને હવે તું અચાનક કહે છે કે આપણા ઘરમાં કંઈક અઘટિત થવાનું છે…’

પૂજા કંઈ બોલી નહીં પણ એણે વિક્રમ સામે તાક્યા કર્યું. વિક્રમ ભયભીત થઈ ઊઠ્યો. પૂજાની આંખો જાણે એને પડકારતી હતી કે મને લલકારતો નહીં.

‘વિક્રમ, જો હું મારા મગજ પર જોર કરું તો એ મકાનમાં તું શા માટે જાય છે એનું કારણ પણ શોધી શકું… પણ મને લાગે છે કે મને જ્યારે તારું કારણ ખબર પડશે ત્યારે આપણા સંબંધોમાં તિરાડ પડશે… અમુક રહસ્ય અકબંધ રહે તો જ સારું…’ પૂજા હજી તંદ્રામાં હતી.

વિક્રમને લાગ્યું કે આ હાલતમાં પૂજાને છંછેડવી જોખમકારક છે.

‘પૂજા, તું તો આડે પાટે ચડી ગઈ. છોડ આ બધી વાતો… ચાલ, ચા પીવડાવ. માથું ચડ્યું છે…’ વિક્રમ લાડ લડાવતો હોય એવા સૂરમાં બોલ્યો.

‘તારા માથાને બચાવતું હોય તો તને ચાની જરૂર નથી વિક્રમ, આ ફોન ઉપાડ… ઇન્સ્પેક્ટર પ્રમાણિકને ફોન કર… જો એ લોકો પુરવાર કરી દેશે કે તું એ મકાનમાં અવારનવાર જાય છે તો જે દુર્ઘટના હું ભવિષ્યમાં જોઈ રહી છું એ અત્યારના જ બની જશે…’

વિક્રમ આભો થઈ ગયો.

પૂજાની વાત હસવામાં કાઢી નાખવી કે પછી ઇન્સ્પેક્ટર પ્રમાણિક સાથે વાત કરીને એની સૂચનાનો અમલ કરવો?

‘વિક્રમ, એ મકાનના ચોકીદાર અને લિફ્ટમેન પાર્ક સર્કસ થાણામાં બેઠા છે… અલીપુર પોલીસ સ્ટેશન નહીં. જો તું પ્રમાણિકને હાથમાં નહીં લે તો બની શકે પાર્ક સર્કસના થાણાથી કોઈ આવી ચડે…’

‘પૂજા, ધીસ ઇઝ ટુ મચ… મને હવે તારાથી ડર લાગવા માંડ્યો છે…’ વિક્રમ ઉશ્કેરાઈ ગયો.

‘વિક્રમ, ડર તો એને લાગે જેને કંઈ છુપાવવાનું હોય. વિક્રમ, ડર તો મને તારાતી લાગવો જોઈએ. એની વે, હવે મોડું નહીં કર… આપણા ઘરમાં બીજી વાર પોલીસ આવી ચડે એ પહેલાં કોઈ રસ્તો કાઢી લે… નહીંતર એ વખતે તો ગાયત્રી પણ તને બચાવી નહીં શકે.’

વિક્રમ ઢીલો પડી ગયો.

એણે ફોન ઊંચક્યો. એક નંબર જોડીને એ મોટેથી બોલ્યો:

‘કેન આઈ ટોક ટુ ઇન્સ્પેક્ટર પ્રમાણિક?’

‘કુમાર, તેં થાણામાં શા માટે ફોન કર્યો હતો?’

કુમાર ફ્લેટમાં દાખલ થતાં જ શ્યામલી એના પર તૂટી પડી.

‘મેં… થાણામાં… ફોન… શા માટે…?’ શ્યામલી સીધો હુમલો કરશે એવું એણે નહોતું ધાર્યું. શ્યામલી સામે એનું અસત્ય વધુ લાંબુ નહીં ટકે એ પણ એ જાણતો હતો, એટલે જ એ ગેં.. ગેં.. ફેં…ફેં થઈ ગયો હતો.

‘કુમાર, કમ ઓન, હવે જુઠ્ઠું બોલીને તારો જ કેસ તું નબળો પાડી દઈશ. એક ભૂલ છાવરવા માટે તું બીજી ભૂલ કરી રહ્યો છે… હવે તું નહીં કબૂલે તો તું જીવનભર મને જોવા માટે તરસતો રહીશ…’ શ્યામલીના અવાજમાં ધાર હતી.

‘એવું ન બોલ, શ્યામલી, જિંદગીભર તને જોવા માટે તરસતો ન રહી જાઉં એટલે જ મેં ફોન કર્યો હતો… પોલીસ સ્ટેશને…’ કુમારે ખભા ઉલાળ્યા,

‘આઈ એમ સોરી શ્યામલી. મારી રીત તને ન ગમી હોય એ બની શકે પણ મારો ઇરાદો નેક હતો…’

‘વ્હોટ ધ હેલ… કુમાર, તને ડર ન લાગ્યો કે આ રીતે વિક્રમ દીવાનને ફસાવવાનું ષડ્યંત્ર રચીને તું હંમેશ માટે મારાથી દૂર થઈ જઈશ?…’ શ્યામલીએ ફૂંફાડો માર્યો.

કુમાર નીચું જોઈ ગયો.

‘શ્યામલી, આપણે બંનેએ આપણી આર્થિક જરૂરિયાત માટે વિક્રમ દીવાનને ફસાવવાનો પ્લાન ઘડ્યો એ વાત સાચી, પણ સાચું કહું છું હું તને એ વિક્રમ સાથે નથી જોઈ શકતો…’

‘તો શું હું તારા કોઈ શાહુકાર સાથે રહેત એ જોવું ગમત…? કુમાર, તને દુ:ખ લાગશે પણ જો એટલો જ પત્નીનો વિચાર કર્યો હોત તો આવી સ્થિતિ ન આવત… તારા કારણે આપણે આવી વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છીએ… તારા કારણે મારે જે ન કરવું જોઈએ એ કરવું પડ્યું… અને હવે તું મારા પર શક કરે છે…’

‘શક નથી કરતો, શ્યામલી, હું તને ચાહું છું એટલે તને વિક્રમ દીવાનથી જુદી પાડવાની કોશિશ કરી… સોરી…’

‘ના કુમાર, ભૂલ કરતી વખતે તને મારો પ્રેમ યાદ ન આવ્યો. હવે જ્યારે રૂપિયા હાથમાં આવવા લાગ્યા છે કે તને મારા પ્રત્યેની ચાહના સાંભરી આવી, આ બેવડું ધોરણ કહેવાય… કુમાર.’

‘સોરી, શ્યામલી તું મને કંઈ પણ કહી શકે છે પણ મહેરબાની કરીને તું નારાજ નહીં થતી, તું જો મારી સાથે વાત નહીં કરે તો મારે જીવવાનું પ્રયોજન જ નહીં રહે… આમેય ઑફિસિયલી તો ‘મરેલો’ છું, બીજી વાર મરી જતાં મને વાંધો નહીં આવે…’

‘તારા લાગણીવેડામાં ફસાવવાની કોશિશ નહીં કરતો. માણસ પાસે બધાં શસ્ત્રો ખૂટી જાય છે ત્યારે એ શબ્દોનો સહારો શોધે છે એટલે પ્લીઝ, એ હથિયાર મારી સામે નહીં વાપરતો… અને હા, એક વાત તો જરૂર કહીશ.’

‘શું? શ્યામલી, તું કહે એ કરવા તૈયાર છું.’ કુમાર ઢીલોઢફ થઈ ગયો.

‘તેં ભૂલ કરી છે એટલે તારે સજા તો ભોગવવી જ પડશે, કુમાર.’

‘કેવી સજા, શ્યામલી?’ શ્યામલી આજે સાવ અજાણી લાગતી હતી કુમારે વિચાર્યું.

‘એ વખત આવ્યો હું કહીશ…’

‘ઇન્સ્પેક્ટર પ્રમાણિક, હું વિક્રમ દીવાન બોલું છું.’ ઇન્સ્પેક્ટર લાઇન પર આવતાં વિક્રમે સત્તાવાહી અવાજે વાતની શરૂઆત કરી.

‘મને ખબર છે, મિ. દીવાન, તમે નામ ન આપ્યું હોત તો પણ હું તમને ઓળખી લેત…’

ઇન્સ્પેક્ટરના અવાજમાં આત્મવિશ્વાસનો રણકો હતો કે અભિમાનની છાંટ હતી એ કળવું મુશ્કેલ હતું.

‘વેરી ગુડ, એક વાર અવાજ સાંભળીને તમે યાદ રાખી શકો છો એ સારું કહેવાય…’

‘ના. મિ. દીવાન, હું જાણું છું કે તમે મિસિસ ગાંગુલીના મકાનમાં અવારનવાર જતા હતા.
અલબત્ત, મિસિસ ગાંગુલીને મળવા નહીં પણ મિસિસ શ્યામલી ચક્રવર્તીને મળવા… રાઇટ મિ. દીવાન?’

વિક્રમ ચૂપ રહ્યો. ઇન્સ્પેક્ટર બધું જ જાણે છે. હવે વાતને ઘુમાવીને કોઈ અર્થ સરવાનો નથી. સીધેસીધું મૂળ વાત પર આવી જવામાં જ સાર છે, વિક્રમે વિચાર્યું.

‘ઇન્સ્પેક્ટર પ્રમાણિક, તમે તમારી અટકને બહુ જ ગંભીરતાથી લો છો!’ વિક્રમે પાસો ફેંક્યો.
‘હું સમજ્યો નહીં, દીવાન સર…’ ઇન્સ્પેક્ટરે નિર્દોષભાવે કહ્યું.

‘મારો કહેવાનો અર્થ એ છે કે તમે તમારી અટકને જીવનમાં ઉતારવા માગો છો કે પછી…’
‘અરે હોય કાંઈ… અટક અટકનું કામ કરે… આપણે આપણું કામ કરવાનું. એમ જો હું મારી અટકને એટલી સિરીયસલી લઉં તો તો ભૂખે મરું ને..’

ઇન્સ્પેક્ટરના અવાજમાંથી લાળ ટપકવા લાગી હતી.

‘ગુડ, ઇન્સ્પેક્ટર, હવે તમારી કિંમત બોલો…’

(ક્રમશ:)

Show More

Related Articles

Back to top button
યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ…