શું તમે જાણો છો? મહા શિવરાત્રી અને શિવરાત્રીમાં બંને અલગ છે…!
!["Illustration of Lord Shiva meditating, symbolizing the spiritual significance of Shivratri and Mahashivratri."](/wp-content/uploads/2025/02/shivratri-vs-mahashivratri-significance.webp)
મહાશિવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે. સમગ્ર દેશમાં આ તહેવાર ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. આ દિવસે દેશના દરેક લોકો શિવભક્તિમાં ડૂબી જશે. દરેક શિવાલયોને શણગારવામાં આવી રહ્યા છે. મહાશિવરાત્રીના દિવસે રાતના સમયે ખાસ પૂજા કરવામાં આવે છે. શિવરાત્રી ઉપરાંત મહાશિવરાત્રીના દિવસે ભોલેબાબાની પૂજા કરવામાં આવે છે. આપણે બધા એમ જ માનીએ છીએ કે શિવરાત્રી અને મહાશિવરાત્રી બંને એક જ છે, પણ ના… શિવરાત્રી અને મહાશિવરાત્રી બંને અલગ અલગ છે. આપણે આ વિશે જાણીએ.
શિવરાત્રી અને મહાશિવરાત્રી બંને ભોલેનાથ બાબાને સમર્પિત છે. હિંદુ કેલેન્ડરમાં દરેક તિથિ માટે એક પ્રતિનિધિ દેવતા છે. એ મુજબ ચતુર્દશી તિથિના દેવતા શંકર ભગવાન છે, તેથી આ દિવસે ભોલે બાબાની પૂજા કરવાની પરંપરા છે. મહાશિવરાત્રીનો તહેવાર ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે, જે આ વર્ષે 26 ફેબ્રુઆરીના રોજ બુધવારે આવશે. ઘણા લોકો મહાશિવરાત્રીને શિવરાત્રી પણ કહે છે પરંતુ મહાશિવરાત્રી અને શિવરાત્રી બંનેનું પોતાનું આગવું મહત્વ છે.
Also read: શિવ ને શક્તિના મિલનનું મહાપર્વ મહાશિવરાત્રી
શિવરાત્રીઃ-
શિવરાત્રી દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે આવે છે તેને માસિક શિવરાત્રી પણ કહેવામાં આવે છે. જેમ દર મહિનામાં બે અગિયારસ એટલે કે એકાદશીઓ હોય છે, તેવી રીતે દર મહિને એક શિવરાત્રી હોય છે. એટલે કે વર્ષમાં 12 શિવરાત્રીઓ આવે છે. શિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે આ દિવસે પૂર્ણ ભક્તિ સાથે ભગવાન શિવની પૂજા કરવાથી આપણી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
મહાશિવરાત્રીઃ-
જ્યારે વર્ષમાં એકવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિએ મહાશિવરાત્રી આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી બંનેની પૂજા કરવામાં આવે છે. મહાશિવરાત્રીનું વ્રત કરવાથી લગ્નજીવન સુખી રહે છે, કારણ કે આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ થયા હતા. એમ પણ કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ પૃથ્વી પર પ્રગટ થયા હતા.