‘વિકી વિદ્યા કા વોહ વાલા વીડિયો’ (આટલું લખતાં-વાંચતા અને બોલતાં જ અડધી ફિલ્મ પૂરી તો નહીં થઇ જાયને?! ) ફિલ્મ રિલીઝને આરે છે અને એક વિવાદ છેડાઈ ગયો છે. મળતા સમાચાર અનુસાર નિર્માતા સંજય તિવારી અને લેખિકા ગુલ બાનો ખાને આરોપ લગાવ્યો છે કે આ ‘વોહ વાલા વીડિયો’ વાળી ફિલ્મની વાર્તા એમની વાર્તા પરથી ચોરી કરવામાં આવી છે. આ નિર્માતા-લેખિકા જોડીનો દાવો છે કે એમણે ૨૦૧૫માં સ્ક્રિન રાઈટર્સ એસોસિએશન’ માં આ સ્ટોરી રજિસ્ટર પણ કરાવી છે.
આટલું જ નહીં, આ બંનેએ વિકી વિદ્યાના પ્રોડ્યુસર્સ ભૂષણ કુમાર અને એકતા કપૂરને લિગલ નોટિસ પણ ફટકારી છે. બીજી તરફ, આરોપનું ખંડન કરતા વિકી વિદ્યાના ડાયરેક્ટર રાજ શાંડિલ્યએ પણ આ બંનેને વળતી નોટિસ પાઠવી છે અને કહે છે કે ૧૯૮૦- ૯૦ના દાયકામાં બનેલી કેટલીક ઘટનાઓ આધારિત અમે એક સ્ટોરી બનાવી, જેને અમે ફિલ્મી સ્વરૂપ આપ્યું છે.
આમે્ય, ફિલ્મની રિલીઝ અગાઉ ‘સ્ટોરી ચોરી થઇ’ હોવાનો આરોપ હવે નવો નથી. ફિલ્મના પ્રમોશન માટે પણ આવા ફિતુર થતા રહે છે. હવે ધારી લો કે હોલિવુડવાળા જો આપણી ફિલ્મો બરાબર જોવા માંડે એ કેટકેટલાને નોટિસ ફટકારતા ફરશે?!
હાઈલ્લા.. અર્જુન કપૂરને પકડવા આટલા બધા પુલીસ?!
બે દિવસ પહેલા ‘સિંઘમ અગેઇન’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ટ્રેલરમાં રોહિત શેટ્ટીના આખેઆખા ‘કોપ યુનિવર્સ’નો કોપ અર્જુન કપૂર પર ઊતરવાનો છે એવું દેખાડવામાં આવ્યું છે. રામાયણના આધારે ફિલ્મ બનાવવામાં આવી છે, જેમાં અજય દેવગણ -રામ, કરીના કપૂર- સીતા, ટાઈગર શ્રોફ-લક્ષ્મણ, રણવીર સિંહ- હનુમાનજી, અક્ષય કુમાર – જટાયુ, દીપિકા પદુકોણ- શબરી અને અર્જુન કપૂર-રાવણ તરીકે અહીં પેશ થાય છે. ટ્રેલર ખરેખર ધમાકેદાર અને ફિલ્મ જોવા ઉતાવળ કરાવે તેવું છે, પરંતુ જેમ કાયમ બને છે તેમ સોશિયલ મીડિયા પર તેનું પોસ્ટમોર્ટમ પણ થવા માંડ્યું છે. એક ફિલ્મમાં એક તો આટલા બધા સુપર સ્ટાર્સને રોહિતભાઈ કેવી રીતે સાચવી શકશે એ વાત લોકો કરી રહ્યા છે તો બીજી તરફ અર્જુન કપૂરની મુખ્ય વિલન તરીકેની પસંદગી પર પણ પ્રશ્ર્નાર્થ લગાવવામાં આવી રહ્યા છે.
જો કે ટ્રેલરમાં તો અર્જુનને ખૂંખાર તો દેખાડવામાં આવ્યો છે, પરંતુ શું એની ‘એક્ટિંગ’ પાત્ર અનુરૂપ ખૂંખાર દેખાશે ખરી?
અર્જુન કપૂરની અત્યાર સુધી નિષ્ફળ રહેલી કારકિર્દીને ધ્યાનમાં લઇને પણ લોકો ટોન્ટ મારી રહ્યા છે કે સાવ અર્જુન કપૂર જેવાને પકડવા રોહિત શેટ્ટીએ આટલો મોટો પોલીસ કાફલો ખડકી દીધો? યાર, બાત કુછ હજમ નહીં હુઈ!
કરનની કોફી કડવી…?
આ આખા અઠવાડિયામાં એક નવાઈ પમાડે એવા મજબૂત સમાચાર બોલિવૂડ સર્કલ્સના રાઉન્ડ લગાવી રહ્યા છે કે કરન જોહરના ‘ધર્મા પ્રોડક્શન્સ’નો એક મોટો હિસ્સો મ્યુઝિક કંપની ‘સારેગામા’ ખરીદવાની પેરવીમાં છે. એક મેગેઝિનના દાવા અનુસાર આ રકમ રૂપિયા ૬૦૦ કરોડ જેટલી છે. બોલિવૂડના બે સફળ પ્રોડક્શન હાઉસમાં ‘યશરાજ ફિલ્મ્સ’ અને ‘ધર્મા પ્રોડક્શન્સની’ ગણના થાય છે. એવામાં અહેવાલ મુજબ જો કરન જોહર સામે ચાલીને સરગમને પોતાની કંપનીનો મોટો હિસ્સો વેચવા માટે ગયો હતો.આ વાતમાં જો કોઈ વજૂદ નીકળે એનો એક સીધો અર્થ એ થયો કે અચાનક કરનની કોફી કેમ કડવી થવા માંડી ?!
કટ એન્ડ ઓકે..
‘હું ડાન્સ શીખ્યો ને કરવા માંડ્યો એટલે લોકો મારા પગ તરફ જોવા લાગ્યા અને એ બધા ભૂલી ગયા કે હું કાળો છું !’
- મિથુન ચક્રવર્તી
(દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ સ્વીકારતી વખતે)
Also Read –