સ્વસ્થ તન અને મનથી મોટું કોઈ ધન નથીઃ ધનતેરસ ધનવંતરી ભગવાનને પૂજવાનો દિવસ

ગમે તેટલા પૈસા ખિસ્સામાં હશે, પરંતુ જો શરીર કે મન સ્વસ્થ નહીં તો સુખને ભોગવી શકશો નહીં. આપણા શાસ્ત્રોમાં એટલે જ કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે નર્યા. પૈસા અને આરોગ્ય વચ્ચેની સ્પર્ધામાં આરોગ્ય જીતી જાય ત્યારે આજે ધનતેરસના દિવસે તમે પણ લક્ષ્મીજીને રિઝવવા પહેલા ધનવંતરી ભગવાનની પૂજા કરજો.
ધનવન્તરી દેવને આયુર્વેદના ભગવાન તરીકે પૂજવામાં આવે છે. ભગવાન વિષ્ણુના અવતાર તરીકે ભગવાન ધનવંતરીની આજે પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન ધનવંતરીને આયુર્વેદના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. જેથી આજના દિવસે ધનવંતરીની પૂજા કરનાર પ્રત્યેક વ્યક્તિના આયુષ્ય અને આરોગ્યમાં વધારો થાય છે,તે માન્યતા છે.
ધનવંતરી અને લક્ષ્મીજીની પૂજા
કથાઓ અનુસાર સતયુગમાં અમૃત કુંભ લઈને ભગવાન ધનવંતરી સ્વયં પ્રગટ્યા હતા. આ દિવસે તે સમયે આયુર્વેદાચાર્યો યજ્ઞો કરે છે અને આરોગ્ય સારું રહે તેવી કામના કરે છે. શાસ્ત્રોમાં અચ્યુત, અનંત અને ગોવિંદ આ ત્રણ શબ્દનું ઉચ્ચારણ વ્યક્તિના આરોગ્ય માટે લાભકારી માનવામાં આવે છે. જોકે સ્વાસ્થ્ય એક દિવસ સંભાળવાથી કંઈ થતું નથી. આરોગ્યની જાળવણી સતત કરવી જોઈએ. તો જ ખરા અથર્મા ધનવંતરી ભગવાનની પૂજા થાય.
ધનતેરસના દિવસે મહાલક્ષ્મીના પૂજનનું પણવિશેષ મહત્વ છે. ભગવાન ધનવંતરી જે અમૃત કુંભ લઈને પ્રગટ થયા હતા, તે કુંભમાં આરોગ્ય સુખ-સંપદાની સાથે લક્ષ્મી પણ હતા. તેથી હિન્દુ પરિવારો લક્ષ્મીપૂજન કરે છે. છેલ્લા કેટલા સમયથી આજના દિવસે સોના-ચાંદી ખરીદવાની પરંપરા પણ છે.