બુધવારે બગાડ્યુંઃ Valantine’s day અને Vasant Panchmi હોવા છતાં આ કારણે લગ્નો ઓછા
અમદાવાદઃ એક તો પ્રેમીઓનો દિવસ એટલે કે Valantine’s day અને બીજું વસંત પંચમી. કોઈપણ નવા જોડા માટે પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે આનાથી સારો દિવસ તો કયો હોઈ શકે. યુવાનોને Valantine’s dayનો ક્રેઝ હોય છે અને વડિલો શુભ મૂહુર્તમાં માનતા હોય છે. વસંત પંચમીએ આમ તો લગ્નો ઘણા હોય છે અને તેમાં Valantine’s dayની મજા ભળી જાય તે રીતે આવતીકાલે બન્ને રીતે પરણવા માટે બેસ્ટ ડે હતો, પરંતુ બુધવારે ખેલ બગાડી નાખ્યો. આ બન્ને ખાસ દિવસો આવતીકાલે એટલે કે બુધવારે છે અને હિન્દુ ધર્મ પ્રમાણે બુધવારે આવા શુભકાર્યો કરવાનું યોગ્ય હોતું નથી, આથી આવતીકાલે પ્રમાણમાં ઓછા લગ્ન લેવાયા છે.
હિંદુઓ માટે વસંત પંચમીનો દિવસ શુભ માનવામાં આવે છે અને તે દિવસે લગ્ન માટે વણજોયું મૂહુર્ત હોય છે તેવું કહેવાય છે. જ્યારે આ વર્ષે વેલેન્ટાઈ ડે અને વસંત પંચમીનો સંગમ થયો છે ત્યારે મોટી સંખ્યામાં લગ્નો યોજાય તેવી ગણતરી હતી પરંતુ આ વર્ષે આ સંગમ બુધવારે બની રહ્યા છે જેના કારણે ઘણા લોકો માટે બુધવાર વિલન બન્યો છે.
પોતાના લગ્ન દિવસને યાદગાર બનાવવા માટે યુવાનીયાઓ ચોક્કસ દિવસની પસંદગી કરતા હોય છે. 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે પર લોકો લગ્ન કરવા ઈચ્છતા હોય છે. બીજી તરફ વસંત પંચમીનો દિવસ લગ્ન માટે ઘણો જ શુભ માનવામાં આવે છે. પરંતુ અઠવાડિયાનો ત્રીજો દિવસ ઘણા હિન્દુ પરિવારો દ્વારા શુભ માનવામાં આવતો નથી. પંડિતોનું પણ કહેવાનું છે કે બુધવારે લગ્નનું કોઈ મૂહુર્ત નથી કારણ કે આ દિવસને અશુભ માનવામાં આવે છે.
જોકે જેમને વાર તિથી નડતા નથી અને જે પરિવારો astrologyમાં માનતા નથી, તેઓ માટે આવતીકાલનો દિવસ શુભ મનાય છે.
મોટા ભાગના હિંદુઓમાં એવું માનવામાં આવે છે કે બુધવારે માતા-પિતાના ઘરને છોડવું કન્યા માટે શુભ નથી. કેટલાક માને છે કે બુધવાર દ્વૈતનું પ્રતિનિધિત્વ કરે છે અને તેથી આ દિવસે કરવામાં આવેલું કોઈ પણ કામ કે પ્રસંગ ફરીથી કરવો પડે છે. કેટલાક એવું પણ માને છે કે ભાઈ-બહેને ક્યારેય બુધવારે અલગ થવું જોઈએ નહીં. આથી આ વર્ષે વસંતપંચમી હોવા છતાં જોઈએ એટલા લગ્નો થવાના ન હોવાનું લગ્ન કરાવતા પંડિતોએ જણાવ્યું હતું.
અમુક પંડિતોના જણાવ્યા અનુસાર વસંત પંચમીના દિવસે ગુજરાતમાં લગભગ 30,000 યુગલો અને માત્ર અમદાવાદ શહેરમાં 8,000 યુગલો લગ્નના બંધનમાં બંધાય છે. પણ બુધવાર હોવાથી ખાસ કરીને સવારે દસ વાગ્યા બાદનું લગ્ન ન હોવાનું માનવામાં આવે છે. બાકી જો અન્ય કોઈ દિવસ હોય તો હૉલ, કેટરર્સ, પંડિતો મેળવવાનું ભારે પડી જાય તેવી સ્થિતિ હોય.
જોકે એનઆરઆઈ સહિતના અમુક પરિવારો આવી વાતમાં ન માનતા હોય તો આજે લગ્ન કરશે. ફેબ્રુઆરીમાં 13 અને 16ને સારા મૂહુર્ત હોવાનું એક પંડિતે જણાવ્યું હતું.