ડિસેમ્બર તો આવી ગયો પણ ઘરમાં ઊંધીયું હજુ બનતું નથી, જાણો કારણ

ખાવાપીવાની રીતભાત કે મજા ઋતુ પર પણ આધારિત છે. શિયાળો ખાવાપીવાની અને તાજામાજા રહેવાની ઋતુ કહેવાય છે અને અમુક વાનગીઓ શિયાળામાં જ ખાવાની મજા હોય છે. તેમાંનું એક છ ઊંધીયું. ગુજરાતની આ વાનગી વિશ્વમાં પ્રચિલત છે અને ગુજરાતી ઘરોમાં શિયાળા દરમિયાન અચૂક બને છે અને ઘણા ઘરોમાં તો દર રવિવારે કે મહેમાનો આવે ત્યારે બનાવવામાં આવે છે. સુરતી ઊંધીયું, ઉત્તર ગુજરાતનું ઊંધીયું અને સૌરષ્ટ્રનું ઊંધીયુ બનાવવાની રીત અને સ્વાદમાં પણ અલગ છે, પરંતુ આ તમામ માટે જે કૉમન વસ્તુ જોઈએ છે તે છે શાકભાજી. ડિસેમ્બર મહિનો અડધો જતો રહ્યો પણ બજારમાં જોઈએ તેવું શાક આવતું નથી અને અને આવે છે તો તેનો ભાવ હજુ ઉતરતો નથી.
એક એક શાકભાજીના ભાવ જોઈએ તો ડુંગળીનો પાક વધુ થયો હોવા છતા રિટેઈલમાં રૂ.70 કિલો મળી રહી છે. સામાન્ય દિવસોમાં લસણ રૂ.120 કિલો મળતુ હતુ તે અત્યારે રૂ. 320થી 400 કિલો મળી રહ્યુ છે. લીલી તુવેર, વટાણા, રિંગણા, રતાળુ, સરગવાની શિંગ, સકકરીયા, વાલોર, પાપડી, ભોભરા મરચા સહિતના દરેકના ભાવ ઊંચા બોલાય છે.
ખેડૂતો દ્વારા જમાલપુર શાક માર્કેટમાં શાકભાજીનું હોલસેલમાં વેચાણ થાય છે. આ શાકભાજીનું સેમી હોલસેલ માર્કેટ કાલુપુર અને રાજનગર માર્કેટમાં વેચાણ થતું હતું. આ સેમી હોલસેલ માર્કેટથી ફેરિયાઓ વેચાણ કરવા લઈ જતા હોય છે. જેના લીધે ગૃહિણીઓ સુધી પહોંચતા શાકભાજીના ભાવ ડબલ થતાં હોવાનું રાજનગર શાક માર્કેટના વેપારીએ જણાવ્યું છે.
ગુજરાતમાં ઉતરાયણમાં ઊંધીયું હજારો કિલોમાં વેચાય છે. આથી એ સમય દરમિયાન તો શાકભાજી મોંઘા ભાવે મળતા હોય છે, પરતું હાલમાં પણ ભાવ ઉતર્યા નથી. કમૂરતાને લીધે હવે કોઈ શુભ પ્રસંગો પણ ખાસ હોતા નથી. જોકે હૉલસેલ ભાવમાં ઘટાડો આવે તો પણ ઘર સુધી પહોંચતા તે મોંઘા જ થઈ જતા હોય છે. એક સમયે શિયાળો આવે એટલે મોટા ભાગના શાક 30થી 40 રૂપિયે કિલો મળતું અને ઘણીવાર મેઈન માર્કેટમાં તેનાથી પણ સસ્તું મળતું હતું, પરંતુ હવે આમ થતું નથી. ઊંધીયા સાથે પાઉંભાજી, લીલવાની કચોરી વગેરે પણ મોંઘા જ વેચાય છે અથવા તો ઘરમાં એકાદ કે બે વાર સિઝન પૂરતા બને છે. આથી હાલમાં તો ગૃહિણીઓ શાક સસ્તું થવાની રાહ જોઈ રહી છે.