સ્પેશિયલ ફિચર્સ

ડમરું દર્શાવે છે સર્જન-વિસર્જનની અવિરત યાત્રા

શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા

ડમરું પરથી ડ્રમ શબ્દ આવ્યો હોય તો નવાઇ નહીં. આ ડમરું સાવ ઢોલ જેવું ન લાગે. થોડું અલગ પડે. ડમરુંને તમે બે અલગ અલગ ત્રિકોણિયા ઢોલનો સંગમ કહી શકો. ડમરુંમાં એક ત્રિકોણ પૂરો થાય છે ત્યાંથી બીજો ત્રિકોણ શરૂ થાય છે. એ દર્શાવે છે કે સૃષ્ટિનું સર્જન થાય છે. તેનું વિસ્તરણ થાય છે અને વળી પાછું વિસર્જન થાય છે. આ વિસર્જન થયા પછી વળી પાછું સર્જન થાય છે, વિસ્તરણ થાય છે અને વિસર્જન થાય છે. આ ક્રિયા અવિરત ચાલે છે. ન જાણે અત્યાર સુધી કેટલી વાર સૃષ્ટિના આવા સર્જન-વિસર્જન થયા હશે. પણ આ સૃષ્ટિના સર્જન-વિસર્જન રૂપી ડમરું શિવના હાથમાં છે. માનવો,દેવ કે અવતારોના સર્જન-વિસર્જન અર્થાત્ જન્મ-મરણના ચકરાવા નક્કી છે, પરંતુ શિવજી માટે તો અજન્મા શબ્દ વપરાયો છે.

શિવજીનો નથી જન્મ થતો કે નથી મૃત્યુ, પણ પૂરી સૃષ્ટિના જન્મ-મરણ શિવજીના હાથમાં છે. શિવજી જ્યારે આ ડમરું વગાડે છે ત્યારે અવાજ ઉત્પન્ન થાય છે. આ અવાજ એટલો પ્રચંડ હોય છે જે બ્રહ્મનાદ તરીકે ઓળખાય છે. બ્રહ્મનાદ એટલે બ્રહ્માનો નાદ, બ્રહ્માંડનો નાદ. આ નાદ આ ધ્વનિ જ સૃષ્ટિમાં અમર છે. સૃષ્ટિ વિસર્જન પછી સુષુપ્ત અવસ્થામાં હોય ત્યારે પણ અવાજની માત્રા તો હોય જ છે. જેની મદદથી વળી પાછું સૃષ્ટિનું સર્જન શક્ય બને છે. આપણે ત્યાં પંચમહાભૂતની કલ્પના છે એ પણ બેમિસાલ છે. અવકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. પૃથ્વી ન હોય, જળ ન હોય, અગ્નિ ન હોય કે વાયુ પણ ન હોય તોયે આકાશ અર્થાત્ અવકાશ તો હોય જ. મતલબ કે સૃષ્ટિનો લય થાય તે પ્રલય. આકાશ તો અડીખમ જ રહેવાનું અને તેમાં રહેલો ધ્વનિ પણ અમર રહેવાનો. હવે આ જ ધ્વનિમાં વાયુ તત્ત્વ ઉમેરાય એટલે વાતાવરણ ઉત્પન્ન થાય. ત્યાર બાદ અગ્નિ (સૂર્ય)ને પછી અનુક્રમે જળ અને પૃથ્વીના પિંડ બંધાય. આમ સૃષ્ટિના મંડાણ થાય. બાળકનો જન્મ થાય ત્યારે પણ સૌપ્રથમ એ સાંભળવાનું શીખે છે. તેને ગર્ભની અંદર પણ અવાજ સંભળાતો હોય છે. અભિમન્યુ તો માતાના ગર્ભની અંદરમાત્ર અવાજ સાંભળીને યુદ્ધના છ કોઠા તોડતા પણ શીખી ગયો હતો.

ધ્વનિ એ અવકાશની તન્માત્રા છે. તો સ્પર્શ એ વાયુની તન્માત્રા છે. આ જ રીતે રૂપ એ અગ્નિની , રસ એ જળની અને ગંધ એ પૃથ્વીની તન્માત્રા છે. આપણા શરીરમાં પણ આ પાંચ તન્માત્રાઓનો સંપૂટ છે. જે રીતે સૃષ્ટિમાં પાંચ મહાભૂતો છે એ જ રીતે માનવપિંડમાં પાંચ તન્માત્રાઓ મોજૂદ છે. હાડકાં-ચામડી એ પૃથ્વી તત્ત્વ છે. લોહી, મૂત્ર-વીર્ય એ જળતત્ત્વ છે. પેટ અને જઠરમાં અગ્નિ તત્ત્વ રહેલું છે.
પૂરા શરીરમાં પાંચ પ્રકારના વાયુ વ્યાપ્ત છે અને જ્યાં જગ્યા બાકી હોય ત્યાં અવકાશ છે. શરીર મૃત્યુ પામે ત્યારે હાડચામ બળીને રાખ થઇ જાય અને પૃથ્વી તત્ત્વમાં ભળે, શરીરના જળતત્ત્વો વાયુ બને વાયુ અવકાશમાં ભળે. આમ વિસર્જન-સર્જન અવિરત ચાલ્યા કરે છે.

શિવજીનું ડમરું એ ચલાવ્યા કરે છે. શિવજી પોતે અજન્મા છે, પણ માનવ સહિત સમગ્ર સૃષ્ટિના જન્મ-મરણ તેમના હાથમાં છે. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો