નેશનલસ્પેશિયલ ફિચર્સ

સર્જકના સથવારે : સરળતાભરી સચ્ચાઇથી કવિતાને સંસ્કારનાર કવિ કલાપી

-રમેશ પુરોહિત

કાવ્યમાં જીવન અને જીવનમાં કાવ્યરસ સંગોપીને કવિ તરીકે અમરતા પામેલા રાજવી સર્જક કવિ કલાપીની કાવ્ય સર્જનની-સાહિત્ય નિર્માણની કથા સવા સો વર્ષથી એકધારી આકર્ષણનું કેન્દ્ર રહી છે. પ્રણય- પ્રકૃતિ ને પરમ તત્ત્વના રંગે રંગાયેલી કલાપીની કાવ્ય સૃષ્ટિ અને કાવ્ય ભાવના એમના જમાના કરતાં ઘણા પ્રગતિશીલ હતાં. વેદનાની કથા ‘સારંગી’ કાવ્યમાં કવિએ જે રીતે કરી છે તે અનન્ય છે, જેમ કે…
પ્રેમને કારણો સાથે સંબંધ કંઇએ નથી

કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમની લક્ષ્મી તે બધી
‘કલાપી’ તરીકે કવિતા પ્રેમીઓના હૈયે અને હોઠે વસેલા કવિ એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ સૌરાષ્ટ્રના લાઠી નામના એક નાનકડા રજવાડાના રાજા. જન્મ ઇ. સ. ૧૮૭૪ના અને અવસાન થયું ઇ. સ. ૧૯૦૦માં માત્ર છવ્વીસ વર્ષનું અલ્પજીવી આયુષ્ય, પણ સિદ્ધિની સંપદાનો ભરપૂર વૈભવ. આ કવિ પાછા પ્રણય ત્રિકોણના નાયક અને રાજકારભારની ઝફા પણ એમણે જે જોયું- અનુભવ્યું- આત્મસાત કર્યું, તે અસાધારણ કહી શકાય. રસિક ઊર્મિશીલ રાજવીને જીવનની વિષમતા આભડી ગઇ અને એનાથી સહજપણે ગવાઇ ગયું :
મારો હિસાબ વિધિ પાસે કશો ન લાંબો

જીવ્યો, મરીશ: જયમ તારક ત્યાં ખરે છે
કવિ જયંત પાઠક નોંધે છે તે પ્રમાણે કે આકાશમાંથી તારો ખરે એક કવિ આપણા સાહિત્ય આકાશમાંથી અકાળે ને એકાએક ખરી તો ગયા, પણ એમના ટૂંકા જીવનનો લાંબો હિસાબ આપતા ગયા અને ગુજરાતી સાહિત્યને ન્યાલ કરતા ગયા. ‘કલાપીનો કેકારવ’માં સંઘરાયેલા એમના અઢીસો જેટલાં કાવ્યો, ‘માલા અને મુદ્રિકા’ ને ‘નારી હૃદય’ જેવી નવલકથાઓ, સ્વીડન-બોર્ગના ધર્મ વિચાર જેવું ચિંતન, કાશ્મીરનો પ્રવાસ’ જેવું પ્રવાસ વર્ણન ઉપરાંત અનેક પત્રો, ડાયરીને આત્મકથાનાં પાનાં-એમની અઢળક હૃદયસમૃદ્ધિ આપણને એ વારસામાં આપતા ગયા. એક યુવાન રાજવી કવિ, અને સ્નેહી, જીવનના અંતનાં વર્ષોમાં સાક્ષાત હરિને જોવા જેવું હૈયું હાલી નીકળ્યું છે એવા સંસ્કારી પુરુષ, ગુજરાતના સંસ્કાર કોષનો એક મોઘેરો અંશ બનીને લાંબો કાળ ટકશે,
કલાપીના કવિ અને મનુષ્ય તરીકેના બન્ને પાસાં એવાં તો આકર્ષક અને રસપ્રદ છે કે ગુજરાત એમને સદા હૈયામાં સંઘરી રાખશે.

સર્જનકાળ તો ફકત આઠ વર્ષનો, પણ તે સમય દરમિયાન ગદ્યમાં અને પદ્યમાં અનેક કૃતિ આપી એ સર્જકનું હૈયું. કુસુમ જેવું કોમળ માટે સાહિત્યમાં એમનું સ્થાન કવિ તરીકે જ રહેવાનું. કાવ્ય સર્જન માટેની સજ્જતા, વિશાળ વાચન, પ્રકૃતિ પ્રેમ તથા ઊર્મિઓના સ્પંદનની સંવેદનશીલતા સહજ ચારુતાથી વ્યક્ત થાય છે. મુખ્યત્વે પ્રકૃતિ વર્ણનના કાવ્યોની વાત કરીએ તો ‘કુદરત અને મનુષ્ય’ અને ‘મનુષ્ય અને કુદરત’નું રચનાવિધાન ધ્યાન માગી લે તેવું છે. બન્ને પ્રકારમાં કવિએ મનુષ્ય જીવન પર પ્રકૃતિની સરસાઇ પ્રકૃતિના સરલ વિલાસની સર્વોપરિતા પ્રગટ કરી છે. અન્ય કાવ્યોમાં પણ એમની પ્રકૃતિ પ્રેમ અનાયાસ આવી જાય છે. એમની ગઝલોમાં ખંડકાવ્યોમાં કે પ્રસંગોચિત કાવ્યો ઉપરાંત ‘હૃદય ત્રિપુટી’ ‘હમીરજી ગોહિલ’ જેવાં દીર્ઘકાવ્યોમાં પ્રકૃતિનાં સુંદર વર્ણનો કાવ્યના વિષયને ઉપકારક થઇને આવે છે. ‘આપની યાદી’માં કવિ કોઇ પરમ તત્ત્વની હાજરી રહેલી અનુભવતા હોવાનું જયંત પાઠક નોંધે છે. પ્રકૃતિના આલંબન સાથે કવિએ કરેલું વર્ણન રમણીય બન્યું છે.

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણા ઝૂમી રહ્યાં જે ઝૂમખાં
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની.
ગુજરાતી ગઝલની શરૂઆતના એ સમયમાં કલાપીએ જે આપ્યું છે તે ખૂબ જ મહત્ત્વનું છે. ફારસી-ઉર્દૂના દબદબામાંથી ગઝલને ગુજરાતીમાં અવતારનારાઓમાં કલાપીનું સ્થાન ગુણવત્તાની દૃષ્ટિએ ‘મોખરા’નું છે.
(ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button