ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

સર્જકના સથવારે : ગુજરાતી ગઝલના સૂફી શાયર ‘મસ્ત મજનૂ’ કપિલરાય ઠક્કર

-રમેશ પુરોહિત

ગુજરાતી ભાષામાં અરબી-ફારસીમાંથી આવીને ઉર્દૂમાં સિદ્ધ થયેલી ગઝલ કેવી સફળતાથી આવી- પાંગરી- ખીલી અને આજે ઉર્દૂની સરસાઈમાં સફળ ઊભી રહી શકે એટલી ફૂલી-ફળી છે. ભારતની બીજી ભાષાઓની સરખામણીમાં ગુજરાતીએ ગઝલને ખરા અર્થમાં વધુ પોતીકી બનાવી છે.

હરીન્દ્ર દવેએ ‘મધુવન’ની પ્રસ્તાવનામાં બાલાશંકર અને કલાપી પછી જે પાંચ મુખ્ય ગઝલકારને પાયાનું કામ કરનારા ગણાવ્યા છે એ છે શયદા- સગીર- નસીમ- સાબિર અને મજનૂ. નસીમે તો ધૂપદાન’માં ઉમળકાથી ગાયું છે:

ગુર્જરીમાં નવગઝલ યુગ છે નસીમ
ચીનુ મોદીએ નોંધ્યું છે કે નસીમની ગઝલોમાં ભાષા તરત ધ્યાન ખેંચનાર બને છે. ગઝલને બને તેટલી ઓછી અરબી-ફારસી-ઉર્દૂની છાંટવાળી સર્જવા સંસ્કૃત શબ્દપ્રયોગ સભાનતાથી કરે છે. જ્યાં ભાષા સાતત્ય રહી શક્યું છે ત્યાં અનાવિલ શેર આપણને મળે છે:

રંગ નિરખું નિસર્ગના છે કે
એ નિસર્ગી વિચાર મારો છે
રૂપ તો દિવ્ય છે બધાં રૂપે
એક દૃષ્ટિ વિકાર મારો છે
પાયાના પથ્થર બનેલા ગઝલકારોમાં એક મહત્ત્વનું નામ છે કપિલ ઠક્કર, જેનું ઉપનામ ‘મજનૂ’ હતું. મરણોત્તર પ્રકાશન સ્વપ્ન મંદિર’ ગુજરાતને મળ્યું જે ખરેખર મહામૂલી ભેટ છે. શરૂઆતના સમયની ગઝલનું રૂપ અને રંગ આ સંગ્રહમાં આબેહૂબ અવતર્યા છે. આ પુસ્તકના સંપાદકોએ નોંધ્યું છે તે પ્રમાણે આ સ્વપ્ન મંદિર શિલ્પીનું ટાંકણું અને એની કારીગિરી અવલોકતા સહેજે કેટલીક વિશિષ્ટતાઓ ઊડીને આંખે વળગ્યા વિના રહેતી નથી. એ જમાનામાં માત્ર ગઝલો લખાતી ત્યારે ગઝલો ઉપરાંત સંપૂર્ણ સંઘેડે ઉતાર્યા હોય એવા મુખમ્મસ અને મુસબ્બઅ્નું લેખન કરે છે. ગઝલ સિવાય ફારસી રીતિના અન્ય કાવ્ય સ્વરૂપો તરફ ગુજરાતીઓને અભિમુખ કરીને સચોટ દર્શન કરાવે છે.

‘મજનૂ’ પાસે સર્જક પ્રતિભા તો હતી એની સાથે અભ્યાસ- અધ્યન ને ઉપાસનાનું તપ હતું. ફારસી વિષય સાથે બી.એ. થયેલા અને અંગ્રેજી લઈ એમ.એ. કર્યું હતું. આ જન્મ થિયોસોફિસ્ટ ઉપરાંત સૂફીપંથમાં વિહરતા , પણ આત્મા તો નિરંતર ઝંખતો હોય છે. માત્ર સૌન્દર્યમૂર્તિના સૌન્દર્ય દર્શનને જ એમની આ દૃષ્ટિની ઝાંખી તો જુઓ:

ભર્યા બ્રહ્માંડમાં દેખી રહ્યો છું આપની ઝાંખી
નિશાની આપની જ્યાં જ્યાં જડે ત્યાં સર્વ સુંદર છે
કવિની આ સુંદર આરાધ્યમૂર્તિને સનમ કહો, પ્રિયતમા કહો, લયલા કહો કે પરમપ્રેમ સ્વરૂપ ગમે તે કહો આ છે મજનૂ’નું ગઝલ સ્વરૂપ અને ઈશ્કે હકીકી.

કવિ સાબિર વટવાએ સરસ વાત કરી છે. ‘મજનૂ’ની કવિતા એટલે સાધના. એના પાને પાને સૌન્દર્યના દર્શન જાણે કે રૂપની મૂર્તિ નિરંતર છે. ‘મજનૂ’ની સરળતા અને પ્રવાહિતા બધે જ દેખાય છે:

‘પધારો તો નિમંત્રણ છે, રહો તો આપનું ઘર છે’
‘મજનૂ’ કોઈના નયનોમાં પયંગબરી નૂર જુએ છે અને તેમાં નંદનવન નિરખે છે. પ્રિયતમા ક્યાં ક્યાં દેખાય છે?

ગુલોના ગાલમાં નજરે પડો છો
કરો છો ગાન કોકિલના-હૃદયમાં
પ્રિયતમાના અનેકરૂપોની મનમોહક મસ્તી અને આફરીન અદાઓને મજનૂ’એ આબાદ વર્ણવી છે.

તમારું નૃત્ય દેખી મેઘ નાચ્યો,
તમારા ગાલની સુરખી નિહાળી-
ગુલો ઝરતી ઉષાનો રંગ રાચ્યો;
ઘનો ફરતી ઝબૂકી વીજ, ભાખી-
તમારી મસ્ત ઘેરી આંખ કાળી
તમારા લાસ્ય ઝીલ્યા સાત સાગરના તરંગોએ
તમારા હાસ્ય ખીલ્યાં સુરધનુના સાત રંગોએ..

પ્રિયતમાને કહે છે તમે તો ઉષાના હાસ્યમાં લાલી ભરીને, ધરા પર નૂરના થર પાથરો છો’ અને કહે છે:
તમે કેવા હશો એ કલ્પનામાં
અમે છે રાતની રાતો વિતાવી
અમારી સૌ બકામાં ને ફનામાં-
પ્રણયના તારની વીણા બજાવી
સૂતેલી ભાવનાનું દિલ હલાવી.
ઘડીભર તો વદન પરદો ખસેડો
તમારી ચરમ પર ચશ્મો મિલાવી
અમારા અંતરે તમ નૂર રેડો
બતાવો આપની લીલા અમારે ઘેર આવી
પછી આલમ તણી આ નાવડી પર છો ફરો દિલબર
અમે તમને નિહાળી રાચશું તમ સાથ જીવનભર
સાકીને સંબોધીને થયેલી રચના બહુ જ સુંદર છે:

કહે સાકી! તને આવી શરાબી સાંપડી ક્યાંથી?

અને સાથે તને આવી ખુમારી આવડી ક્યાંથી?

સદા મસ્તીભરી ત્હારી સુરાહી તે ઘડી ક્યાંથી?

સનમના પેરની મેંદી તને નઝરે ચડી ક્યાંથી?

શાયર કપિલ ઠક્કર ‘મજનૂ’નું સાહિત્યમાં જે પ્રદાન છે તે વિશિષ્ટ છે અને એમના સર્જનમાં જે સાદગી, ઊંડાણ અને અધ્યન છે તે એમના સ્નેહ નિતરતા સૌજન્યશીલ જીવનનું તપ અને સાધના છે.
ગુજરાતી ગઝલના ઇતિહાસમાં એમનું સ્થાન અને માન કાયમી રહેવાનું જ છે.

Also Read –

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker