ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

ચિંતન: મનનો સંતોષ એટલે જીવનનું સુખ

-હેમુ ભીખુ

અજ્ઞાનથી મોહિત, રાગદ્વેષથી ત્રસ્ત, આસુરી સંપત્તિથી ગ્રસ્ત, મોહમાયામાં લુપ્ત, મૃત્યુના સત્યને ન સ્વીકારનાર, ચાર્વાક દર્શન પ્રમાણે જિંદગીને પ્રત્યેક ક્ષણે માણી લેવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ જે મળે તેનાથી ક્યારેય સંતોષ ન પામે. આખી જિંદગી બંને હાથે એકત્રિત કરવામાં આવે તો પણ વધુ મેળવવાની કામના તેટલી જ દ્રઢ રહી શકે. ત્રણેય લોકનું સામ્રાજ્ય મળે તો પણ તેના વિસ્તાર માટે પ્રયત્નો ચાલુ રહે. કુબેરની સંપત્તિ મળે તો પણ લોભ શાંત ન થાય.

મન એ એવી ખાઈ છે કે જે ક્યારેય પુરાઈ ન શકે. મન તળિયાં વિનાનો કૂવો છે. મન પર શરૂઆતથી જ નિયંત્રણ રાખવું પડે. મનને શરૂઆતથી જ કાયદામાં રાખવું પડે. મનને શરૂઆતથી જ સંયમની ટેવ પાડવી પડે. એકવાર લોહી ચાખી ગયા પછી મન ક્યારે સંયમમાં ન રહે. જે મળે તેનાથી સંતોષ પામવાની ટેવ જીવનના પ્રારંભિક તબક્કામાં જ પડી જવી જોઈએ.

વાસ્તવમાં તો કશું પામી શકાતું નથી. પામી ગયાનો જે ભ્રમ ઊભો થાય છે તો એક સમયગાળા પૂરતો જ હોય છે. જે વસ્તુ પામી ચૂક્યા હોઈએ તે ફરીથી પામવાની ઈચ્છા ન થાય અથવા તો તેનો વિયોગ સંભવ ન બને, પણ આમ થતું નથી. મન ક્યારેય સંતોષ ન પામે. જે તે વસ્તુ પ્રાપ્ત થયા બાદ એકવાર સંતોષની લાગણી ઉદ્ભવે પણ ખરી, પરંતુ સમય જતાં અસંતોષ પાછો જાગ્રત થાય. મન ક્યારેય તૃપ્ત ન થાય, જો ક્યારેક તૃપ્તિનો ભાવ જાગે તો પણ તે કાયમી ન હોય. મન ક્યારેય ન ભરાય, જો મન ક્યારેક ભરાય જાય તો તે પાછું ખાલી પણ થઈ જાય. મન ક્યારેય પૂર્ણતામાં શાંત ન થાય, જો તે શાંત થયેલું જણાય તો તે નિદ્રાવસ્થા કે બેભાનાવસ્થાને કારણે હોઈ શકે. મન ક્યારેય જે મળે તેમાં રાજી ન થાય. સૃષ્ટિમાં બધો ખેલ મનનો છે, બંધન પણ મન દ્વારા સ્થાપિત થાય છે અને મુક્તિની ભૂમિકા પણ મન દ્વારા સર્જાય છે.

જીવન નિર્વાહ માટે ચોક્કસ બાબતોની જરૂર રહે. કુટુંબના ઉત્તરદાયિત્વને પોષવા માટે પણ ન્યૂનતમ જરૂરિયાતો પ્રાપ્ય હોવી જોઈએ. હવા અને પાણી તો ભગવાન આપી રહે છે. ખોરાક તથા સલામતીના ભાવ માટે આવાસની જરૂરિયાત રહે. સાથે સાથે જીવનની સરળતા માટે થોડા ઉપકરણો પણ જરૂરી ગણવામાં આવે છે. પરંતુ આની માટેની માંગણી તથા તેના સંદર્ભમાં કરાયેલ પુરુષાર્થનું પ્રમાણ વિવેકપૂર્ણ હોવું જોઈએ. જ્યાં સુધી મૂળભૂત જરૂરિયાતો સંતોષાઈ જાય ત્યાં સુધી પુરુષાર્થ જરૂરી પણ છે, તે પ્રમાણેની ઈચ્છા પણ યોગ્ય છે, તે પ્રકારના ભાવની સ્થાપના પણ જરૂરી છે, પરંતુ આ બધા માટેની ઈચ્છા તથા પુરુષાર્થ જ્યારે અમર્યાદિત માત્રામાં – અપ્રમાણસર હોય ત્યારે પ્રશ્ર્ન તો ઊભા થવાના જ.

શ્ર્વાસ એટલો જ લેવાય કે જેટલો ફેફસાં સમાવી શકે. ખોરાક એટલો જ લેવાય જેટલો જઠર ગ્રહણ કરી શકે. આંખો એટલો જ પ્રકાશ ઝીલી શકે જે તેના નેત્રપટલને અનુકૂળ હોય. આવું દરેક જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય માટે કહી શકાય. આ સ્તરની આગળની ઈચ્છા એટલે લોભ – લાલસા. વાસ્તવમાં, સંતોષી નર સદા સુખી હોય છે. સંતોષમાં મળતી તૃપ્તિ અકલ્પનીય હોય છે. ઈશ્ર્વર સૃષ્ટિમાં સંતુલન સાધવા માટે પ્રયત્ન કરતો હોય છે એ બાબત સમજાતાં જે મળે તેમાંથી ખુશ રહેવાની વૃત્તિ જાગતી હોય છે અને ક્યારેય ઓછપનો ભાવ નષ્ટ થાય છે. જે છે તે બરાબર છે, જેટલું મળે છે તે યોગ્ય છે, અહીં ક્યાંય કોઈને અન્યાય નથી થતો – સૃષ્ટિનું આ સત્ય છે.

જોકે વધુ મેળવવું જ હોય તો તે છે ગુરુની કૃપા. જો વધુ પુરુષાર્થ કરવો જ હોય તો તે ભક્તિ કે યોગ સાધના માટે થવો જોઈએ. જો દુન્યવી સંપત્તિની વધુ ઈચ્છા હોય તો તે પાછળ દાનનો આશય હોવો જોઈએ. સત્કાર્ય માટે વધુની અપેક્ષા રાખી શકાય. જનસમાજની વધુ સેવા કરવા માટે વધુ સામર્થ્યની ઈચ્છા રાખી શકાય. પરોપકારની સંભાવના વધે તે માટે વધુ સ્વાસ્થ્ય માટે પ્રયત્ન કરી શકાય. પરંતુ જો વધારાની ઈચ્છા પાછળ સ્વજ કેન્દ્રમાં હોય, તો જે મળે તેમાં જ રાજી રહેવું ઇચ્છનીય છે.

સૃષ્ટિનું શ્રેષ્ઠ સૌંદર્ય સદા આંખો સામે રહેતું હોય, સૃષ્ટિનો શ્રેષ્ઠ ધ્વનિ સદાય કર્ણપટલ પર અથડાતો હોય, જાતજાત પ્રકારના વ્યંજનથી સૃષ્ટિના શ્રેષ્ઠ રસ જીભ પામી શકતી હોય, સૃષ્ટિની શ્રેષ્ઠ સુવાસ ચારે બાજુ સદાય ફેલાયેલી રહેતી હોય, સૃષ્ટિની શ્રેષ્ઠ સુંવાળપ, નરમાશ તથા શીતળતા સદાય ચોતરફ પ્રસરેલી હોય, તો પણ મનને સંતોષ થાય એ જરૂરી નથી. મન હંમેશાં વધુ માગે. મનની અપેક્ષાઓ વધતી જ જાય.

મનને ક્યારેય સંતોષ ન થાય. મનમાં ઇન્દ્રિયો દ્વારા જેમ જેમ વધુ ઈચ્છિત વસ્તુઓ હોમવામાં આવે તેમ તેમ મન વધુને વધુ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે. મન જે મળે તેનાથી ક્યારે તૃપ્ત ન થાય. મનની આ પ્રકૃતિ છે, પણ તેનું નિયમન શક્ય છે. આ માટે ઇચ્છિત વસ્તુનું યોગ્ય જ્ઞાન થવાથી વૈરાગ્ય જાગ્રત થવો જોઈએ અને તે વૈરાગ્ય ટકી રહે તે માટેનો અભ્યાસ સતત ચાલુ રહેવો જોઈએ. એકવાર વૈરાગ્ય અને તેનો અભ્યાસ થાય પછી ક્યારે અસંતોષ, દુ:ખ, અભાવ, અપ્રાપ્તિ કે અવકાશનો અનુભવ ન થાય.

ઈશ્ર્વર જે જરૂરી છે તે આપે જ છે, અને જે આપે છે તે જ જરૂરી હોય છે. ઈશ્ર્વર કોઈને ઓછું નથી આપતો. બધું જ વ્યવસ્થિત છે. નિયમબદ્ધ વ્યવસ્થા જ સૃષ્ટિનું સંચાલન કરે છે. આમાં કોઈને ઓછું નથી મળતું.

Also Read –

Show More

Related Articles

Back to top button
48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા