સતત ફોન-કમ્પ્યુટર સ્ક્રીન સામે જોવાથી આંખો કમજોર થઇ રહી છે? અજમાવો આ ઉપાય
21મી સદીમાં સતત બદલાતી જીવનશૈલી અને કામના દબાણને કારણે મોટાભાગના લોકો દિવસનો ઘણો સમય મોબાઈલ કે લેપટોપની સામે જ વિતાવે છે. મોબાઈલ ફોન સામે લાંબા સમય સુધી જોઇ રહેવાને કારણે આંખની સમસ્યાઓ થવી એ હવે જાણે સામાન્ય બની ગયું છે. સતત સ્ક્રીન ટાઇમ વધતા ધીમે ધીમે દ્રષ્ટિ ઝાંખી થઈ જાય છે, ધૂંધળું દેખાવા લાગે છે તો ક્યારેક દૂરની કે નજીકની વસ્તુઓ પણ બરાબર જોઈ શકાતી નથી. આના કેટલાક ઉપાયો છે જેને અજમાવવાથી આંખોને થોડા સમય માટે રાહત આપી શકાય છે.
પામિંગ- આ એક્સરસાઇઝ વડે આંખોને લાગેલો થાક દૂર થાય છે અને આંખોની આસપાસ આવેલી માંસપેશીઓને આરામ મળે છે. બંને હાથની હથેળીઓને એકબીજા સાથે ઘસો. ત્યારબાદ બંને હથેળીઓને આંખો પર રાખી 5 મિનિટ સુધી ઉંડા શ્વાસ લો.
પાંપણ ઝપકાવવી- જ્યારે આપણે મોબાઈલ અથવા લેપટોપ પર સતત સમય પસાર કરીએ છીએ, ત્યારે આપણે ખૂબ જ ઓછો વખત પાંપણો ઝપકાવવીએ છીએ, અથવા તો બિલકુલ ઝપકાવતા નથી. જેથી ધીમે ધીમે આંખો સૂકી પડવા લાગે છે. પાંપણ ઝપકાવવીએ તો કુદરતી રીતે જ આંખમાં મોઇશ્ચર જળવાઇ રહે છે, આંખોની ભીનાશ જળવાઇ રહે છે. થોડો સમય બ્રેક લઇ આંખો બંધ કરી ખોલો, ફરી બંધ કરો અને ફરી ખોલો.
પેન્સીલ પુશ અપ્સ- પેન્સિલ પુશ-અપ કરવા માટે, પેન્સિલને હાથની લંબાઈ પર પકડી રાખો. તેની ટીપ પર ધ્યાન આપીને એકધારું જુઓ. એકાગ્રતા રાખીને પેન્સિલને ધીમે ધીમે આંખ પાસે લઇ જાઓ, અને ફરીથી આંખોથી દૂર કરો. આ ક્રિયાને રિપીટ કરો.
નિઅર એન્ડ ફાર ફોકસ- આંખોનું ફોકસ સુધારવા માટે અંગૂઠાને ચહેરાથી 10 ઇંચ દૂર લઇ જાવ. 15 સેકન્ડ માટે તેના પર ધ્યાન કેન્દ્રીત કરો, પછી ફોકસ શિફ્ટ કરી દો પછી ફરી અંગૂઠા પર ધ્યાન કેન્દ્રીત કરો. આ ક્રિયાને રિપીટ કરો.