સ્પેશિયલ ફિચર્સ

Valentine Week 2026: પ્રેમની યાત્રા રોઝ ડેથી વેલેન્ટાઈન ડે સુધી… જાણો દરેક દિવસનું મહત્વ…

ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે, કેન્દ્રિય બજેટ પણ આવી ગયું છે અને હવે પ્રેમી પંખીડાઓ જેવી આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એવું વેલેન્ટાઈન વીક પણ શરૂ થવા જઈ રહ્યું છે. ફેબ્રુઆરી મહિનો શરૂ થાય એટલે જ હવામાં એક અલગ પ્રકારની રૂહાનિયત, પ્રેમનો અહેસાસ થવા લાગે છે. પ્રેમી પંખીડાઓ માટે ફેબ્રુઆરી એ એક મહિનો નથી, પણ પોતાની લાગણી વ્યક્ત કરવાનો ઉત્સવ છે.

વેલેન્ટાઈન ડેના સાત દિવસથી પહેલાંથી જ આ પ્રેમના પર્વની વેલેન્ટાઈન વીકના રૂપમાં ઉજવણી શરૂ થઈ જાય છે. આજે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વેલેન્ટાઈન વીકના દરેક દિવસનું મહત્ત્વ શું છે અને તે કઈ રીતે ઉજવવામાં આવે છે. ચાલો નજર કરીએ અને જાણીએ કે તમે પણ તમારા વેલેન્ટાઈન વીકને કઈ રીતે સ્પેશિયલ બનાવી શકો છો…

વેલ્ટાઈન્સ ડે 14મી ફેબ્રુઆરીના ઉજવવામાં આવે છે, પણ એની સાત દિવસ પહેલાં એટલે કે સાતમી ફેબ્રુઆરીથી 14મી ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઈન વીકની ઉજવણી કરવામાં આવે છે.

સાતમી ફેબ્રુઆરી, રોઝ ડે
વેલેન્ટાઈન વીકની શરૂઆત કુદરતના સૌથી સુંદર સર્જન ‘ગુલાબ’ થી એટલે કે રોઝ ડેથી થાય છે. આ દિવસે પોતાના પ્રિય પાત્રને લાલ ગુલાબ આપીને પ્રેમનો એકરાર કરવામાં આવે છે. જોકે, હવે સમય બદલાયો છે અને માત્ર પ્રેમીઓ જ નહીં, મિત્રો પણ પીળું ગુલાબ આપીને પોતાની ફ્રેન્ડશિપ સેલિબ્રેટ કરે છે. ટૂંકમાં ગુલાબ એ શબ્દો વિના પોતાની મનની વાતને કહેવાનું એક અનોખું માધ્યમ છે.

આઠમી ફેબ્રુઆરી, પ્રપોઝ ડે:
આઠમી ફેબ્રુઆરી એ વેલેન્ટાઈન વીકનો બીજો દિવસ ચે. આ દિવસ હિંમત એકઠી કરીને પોતાના પ્રિય પાત્રને પ્રપોઝ કરવાનો દિવસ છે. આ દિવસ જે લોકો લાંબા સમયથી કોઈને પસંદ કરે છે પણ કહી શકતા નથી, તેમના માટે આ શ્રેષ્ઠ તક છે. આ દિવસે લોકો માત્ર પોતાના ક્રશને જ નહીં, પણ જેઓ ઓલરેડી રિલેશનશિપમાં છે તેઓ પણ પોતાના પાર્ટનરને ફરીથી નવા અંદાજમાં પ્રપોઝ કરીને સંબંધોમાં તાજગી લાવે છે.

નવમી ફેબ્રુઆરી, ચોકલેટ ડે:
જીવનમાં આને સંબંધોમાં મીઠાશ હોય એ ખૂબ જ જરૂરી છે. વેલેન્ટાઈન વીકના ત્રીજા દિવસે ચોકલેટ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસે પાર્ટનરને મોં મીઠું કરાવીને જીવનભર સંબંધમાં આવી જ મીઠાશ જળવાઈ રહે તેવી કામના કરવામાં આવે છે. ડાર્ક ચોકલેટ કે મનપસંદ કેન્ડી આ દિવસને વધુ યાદગાર બનાવે છે.

10મી ફેબ્રુઆરી, ટેડી ડે:
10મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન વીકનો ચોથો દિવસ ટેડી બીયર તરીકે ઉજવવામાં આવે છે. ટેડી બિયર એ માસૂમિયત, સુરક્ષા અને ક્યુટનેસનું પ્રતીક છે. આ દિવસે ટેડી ગિફ્ટ કરવાનો અર્થ એ છે કે તમે તમારા પાર્ટનરની ગેરહાજરીમાં પણ આ રમકડું તમારી યાદ અપાવતું રહેશે અને તેમને એકાંતમાં સાથ આપશે.

11મી ફેબ્રુઆરી, પ્રોમિસ ડે:
વેલેન્ટાઈન વીકનો આ સૌથી ગંભીર અને મહત્વનો દિવસ છે. ગિફ્ટ આપવી સરળ છે, પણ આપેલું વચન નિભાવવું એ અઘરું છે. વેલેન્ટાઈન વીકના આ પાંચમા દિવસે કપલ્સ એકબીજાને જૂઠું નહીં બોલવાનું, મુશ્કેલીમાં સાથ નિભાવવાનું અને હંમેશા વફાદાર રહેવાનું વચન આપે છે, જે સંબંધનો પાયાનો છે.

12મી ફેબ્રુઆરી, હગ ડે:
પ્રેમ વ્યક્ત કરવાના અલગ અગ માધ્યમ છે. જેમ કે કોઈ વખત શબ્દોથી તો કોઈ વખત વળી સ્પર્શથી તો ક્યારેક એક પ્રેમભર્યું આલિંગન હજાર શબ્દોની ગરજ સારે છે. વેલેન્ટાઈન વીકના છઠ્ઠા દિવસે હગ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. જ્યારે શબ્દો ઓછા પડે ત્યારે ‘જાદુની ઝપ્પી’ થી પાર્ટનરને સુરક્ષા અને આત્મિયતાનો અહેસાસ કરાવાય છે. આ શારીરિક સ્પર્શ ભાવનાત્મક જોડાણને વધુ મજબૂત બનાવે છે.

13મી ફેબ્રુઆરી, કિસ ડે:
વેલેન્ટાઈન વીકના સાતમા દિવસે કિસ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસ સેલિબ્રેનું આ દિવસ પ્રેમના શારીરિક અને આત્મિક પ્રદર્શનનો છે. એક નાની કિસ એ સન્માન અને સ્વીકૃતિનું પ્રતીક છે. તે પાર્ટનરને ખાસ હોવાનો અનુભવ કરાવે છે અને અંતરંગતામાં વધારો કરે છે.

14મી ફેબ્રુઆરી, વેલેન્ટાઈન ડે:
હવે આવે છે જેની રાહ જોવાઈ રહી હતી એ વેલેન્ટાઈન્સ ડે. આખા અઠવાડિયાની આન, બાન અને શાન છે આ દિવસ. વેલેન્ટાઈન વીકનો અંત અઠવાડિયાની પૂર્ણાહુતિ આ મુખ્ય દિવસે થાય છે. ૧૪મી ફેબ્રુઆરીએ લોકો પોતાના કામમાંથી સમય કાઢીને પાર્ટનર સાથે ડેટ પર જાય છે, સ્પેશિયલ ડિનર પ્લાન કરે છે અને વર્ષો સુધી સાથે રહેવાના કોલ આપે અને લે છે.

આ વખતે વેલેન્ટાઈન વીકની ખાસ રીતે ઉજવીને તમારા પ્રિયપાત્રને એકદમ સ્પેશિયલ ફીલ કરાવવાની સાથે સાથે પોતાની લાગણીઓને વ્યક્ત કરવાનો મોકો છોડશો નહીં…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button