ક્યારેક સામાન્ય વ્યક્તિ પણ ફિલોસોફર કરતાંય ઊંડી વાત શીખવી જાય…!
સુખનો પાસવર્ડ - આશુ પટેલ
થોડા દિવસો અગાઉ ગુજરાતના પ્રવાસ દરમિયાન હું એક મિત્રની કારમાં ક્યાંક જઈ રહ્યો હતો એ વખતે મિત્રના યુવાન ડ્રાઈવર સાથે થોડી રસપ્રદ વાતો થઈ. એને હું ઘણાં વર્ષોથી ઓળખું છું. હું દુનિયાના અનેક દેશોમાં ફર્યો છું. આપણા દેશના અને વિદેશોના રસ્તાઓ ઉપર મેં લાખો કિલોમીટરનો પ્રવાસ કર્યો છે, પરંતુ બહુ ઓછા ડ્રાઈવર્સના ચહેરાઓ એકદમ યાદ રહી ગયા છે. અને એમાંના કેટલાકના નંબર પણ મારા મોબાઈલ ફોનમાં મેં સેવ કરી લીધા છે એ બધામાં આ યુવાન તો દોસ્ત જેવો જ બની ગયો છે.એના ચહેરા પર હંમેશાં સ્મિત જ ફરકતું હોય. મેં એને સવાલ કર્યો:
‘હું તને જયારે પણ મળું ત્યારે તારો ચહેરો હસતો જ હોય છે. તને જાણે કોઈ ચિંતા કે તકલીફ જ ન હોય એ રીતે તું જીવી રહ્યો છે…’ એ યુવાન હસી પડયો. એણે કહ્યું:
ના, ના. એવું નથી. હું પણ ઘણી તકલીફોનો સામનો કરી રહ્યો છું અને મારી પાસે સ્વાભાવિક રીતે એવા પૈસા નથી કે હું કશો વ્યવસાય કરી શકું. હું ઘણું ભણ્યો છું,પરંતુ કુટુંબનું ગુજરાન ચલાવવા માટે મારે ડ્રાઈવર તરીકે નોકરી કરું છું, પણ મને એ વાતનો કોઈ અફસોસ નથી. હું એમ વિચાર કરું છું કે મને ડ્રાઈવિંગ ગમે છે અને મને ગમતી આ પ્રવૃત્તિ માટે મને પૈસા મળે છે એટલે હું માથા પર કોઈ બોજ રાખ્યા વિના જીવી શકું છું.’ એની આ વાત મને સ્પર્શી ગઈ. મોટા ભાગના લોકોના ચહેરા પર તણાવ જોવા મળતો હોય છે. ઘણા લોકો તો જાણે આખી દુનિયાનો બોજ એમના પર હોય એ રીતે ચહેરા પર ભાર લઈને ફરતા હોય છે- વર્તતા હોય છે,પણ તકલીફો વચ્ચે ય હસી શકે એવા માણસો ઓછા જોવા મળે.
મેં એની પ્રશંસા કરી: ‘યાર, તું તો ફિલોસોફર જેવી વાત કરે છે!’ એ ફરી હસી પડ્યો.એણે કહ્યું:
‘આપણી જે સ્થિતિ હોય એ સ્થિતિમાં હસીને પણ જીવી શકાય અને રડીને પણ જીવી શકાય. માની લો કે હું મનોમન અફસોસ સાથે કોઈ પણ પ્રવૃત્તિ કરું અથવાતો હમેશાં રડતા-રડતા જીવું તો મારી તકલીફો કંઈ ઓછી થઈ જવાની નથી. એના કરતાં હું હસતાં-હસતાં દિવસો પસાર કરું છું. અને જે સમય આવે એ સમયને મારાથી શક્ય હોય એ રીતે માણી લઉં છું.મને ડ્રાઇવિંગની સાથેસાથે જૂની હિન્દી ફિલ્મોનાં ગીતો સાંભળવાનો ય શોખ છે અને એમાંય કાર ચલાવતાં -ચલાવતાં જૂનાં ગીતો સાંભળવાની મજા જ કંઈક ઓર હોય છે… અને આ મનગમતી પ્રવૃત્તિ માટે મને પૈસા પણ મળે છે! આમ પણ આપણા હાથમાં તો કશું છે જ નહીં તો આપણે શા માટે દુ:ખી થવું ? માની લો કે મારા દુ:ખી થવાથી આ સ્થિતિ બદલાઈ જવાની હોય તો હું દુ:ખી થાઉં,પણ દુ:ખી થવાથી સ્થિતિ તો બદલાવાની નથી ઉલટું એ તકલીફોની વચ્ચે હું મારી તકલીફોનો ઉમેરો કરીશ. એટલે હું મારું જ નુકસાન કરીશ. જે થવાનું છે એ થાય જ છે એવું માનીને જીવું છું એટલે હું જીવનનો આનંદ માણી શકું છું.’
એની એ વાત મને સ્પર્શી ગઈ.એની સાથે વાતો થઈ એને કારણે મને મુંબઇની એક રેસ્ટોરાંનો એક વેઇટર યાદ આવી ગયો.
એક વાર પ્રખ્યાત અંગત મિત્ર એવા નાટ્ય-ટીવી-ફિલ્મ લેખક મિહિર ભુતા સાથે હું એક રેસ્ટોરાંમાં ડિનર પર ગયો હતો. એ વખતે એ રેસ્ટોરાંના એક હસમુખા વેઈટરને મેં આ ડ્રાઈવરને કર્યો એવો જ સવાલ કર્યો હતો કે તારા ચહેરા પર હંમેશાં સ્મિત ફરકતું જોવા મળે છે. તું હંમેશાં આટલો ખુશ કઈ રીતે રહી શકે છે?’ એ વેઈટરે જવાબ આપ્યો હતો: ‘મેં સંત તુલસીદાસજીના શબ્દો મારા જીવનમાં ઉતારી લીધા છે: અનહોની હોની નહીં, હોની હો સો હોય.એટલે જે થવાનું નથી એ કોઈ કાળે થવાનું છે જ નહીં અને જે થવાનું છે એ થશે જ… એમાં આપણે કશું કરી શકવાના નથી. એટલે હું હસી શકું છું.’
એણે હસતાં-હસતાં બહુ ઊંડી વાત કરી દીધી અને આટલું કહીને મલકતા ચહેરે એ બીજા ટેબલ તરફ આગળ વધી ગયો.
એ વેઈટર તેની ઉંમરના અન્ય યુવાનો સાથે રેસ્ટોરાં માલિકે આપેલી એક નાનકડી રૂમમાં રહે છે એવી મને ખબર હતી અને સ્વાભાવિક રીતે તેનાં વતનમાં તેનાં કુટુંબની આર્થિક સ્થિતિ સારી નહોતી એટલે વેઈટર તરીકે નોકરી કરવા એ મુંબઈ આવ્યો હતો.
ઘણા લોકો જાણે આખી દુનિયાનો બોજ એમના પર હોય એ રીતે વર્તતા હોય છે,પણ તકલીફો વચ્ચે ય હસી શકે એવા માણસો ઓછા જોવા મળે અને એમાંના કેટલાકનાં જીવન સાથે આપણા જીવનની સરખામણી કરીએ તો આપણી સમસ્યાઓ કે તકલીફો તો સાવ સામાન્ય લાગે. ક્યારેક સામાન્ય વ્યક્તિ પણ ફિલોસોફર કરતાંય ઊંડી વાત શીખવી જતી હોય છે.
માણસ ભૌતિક સ્થિતિથી સુખી કે દુ:ખી નથી થતો હોતો, એની મનોસ્થિતિ પ્રમાણે એ જીવતો હોય છે.
Also Read –