Coldplay concertની ટિકિટ લાખોમાં વેચાઈ રહી છે, BookMyShow એ ચેતવણી જાહેર કરી
મુંબઈ: ગ્રેમી એવોર્ડ વિજેતા બ્રિટીશ બેન્ડ કોલ્ડપ્લેનો મુંબઈમાં યોજાનારો કોન્સર્ટ (Cold play Mumbai concert) હાલ ચર્ચાનો વિષય બન્યો છે, જાન્યુઆરી 2025માં યોજાનારા ત્રણ દિવસના કોન્સર્ટની ટીકીટ ગઈ કાલે BookMyShowપર વેચાણમાં મુકાવાની સાથે થોડી ક્ષણોમાં જ વેચાઈ ગઈ હતી, આને લાખો ચાહકો રાહ જોતા રહી ગયા. આ કોન્સર્ટની ટીકીટની ભારે માંગ છે, બ્લેક માર્કેટમાં આ ટિકિટો લાખો રૂપિયાની કિંમતમાં વેચાઈ રહી છે હોવાના અહેવાલ છે, BookMyShow એ ટીકીટના બિનઅધિકૃત વેચાણ સામે ચેતવણી જાહેર કરી છે.
BookMyShow અને BookMyShow Live ના ઓફીશીયલ સોશિયલ મીડિયા હેન્ડલે રવિવારે એક પોસ્ટ શેર કરી હતી. જેના કેપ્શમાં લખવામાં આવ્યું છે કે, “ટિકિટ સ્કેમ્સથી સાવધાન રહો! ભારતમાં કોલ્ડપ્લેના મ્યુઝિક ઑફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટૂર 2025 માટે નકલી ટિકિટો વેચતા અનધિકૃત પ્લેટફોર્મની જાળમાં ના ફસાઓ!”
પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “અમારા ધ્યાને આવ્યું છે કે, બિનઅધિકૃત પ્લેટફોર્મ ભારતમાં કોલ્ડપ્લેના મ્યુઝિક ઑફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટૂર 2025 ટિકિટોની લિસ્ટિંગ કરી રહ્યાં છે. આ ટિકિટો અમાન્ય છે, ટિકિટ સ્કેલિંગ ભારતમાં ગેરકાયદેસર છે અને કાયદા મુજબ સજાને પાત્ર છે. મહેરબાની કરીને આનો શિકાર ન બનતા કારણ કે તમને નકલી ટિકિટો મળશે. સ્કેમનો શિકાર બનવાથી બચો! બુકમાયશો એ ટિકિટ વેચાણ માટેનું એકમાત્ર અધિકૃત પ્લેટફોર્મ છે.”
BookMyShowના પ્રવક્તાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “અમે જબરજસ્ત માંગને મેનેજ કરવા માટે કતાર સિસ્ટમ (Queuing) લાગુ કરી હતી અને શંકાસ્પદ ટ્રાફિકને કારણે ઊભી થતી સમસ્યાઓને મિનિટોમાં હલ કરી હતી, જેના કારણે થોડો વિલંબ થયો હતો, પરંતુ સાચા ફેન્સને ઓછીમાં ઓછી અગવડતા થાય સુનિશ્ચિત કર્યું હતું. અભૂતપૂર્વ માંગને કારણે, થોડા સમય પછી ત્રીજો મુંબઈ શો ઉમેરવામાં આવ્યો, જેને પણ અદ્ભુત પ્રતિસાદ મળ્યો.”
કોલ્ડપ્લેના કોન્સર્ટની ટીકીટનું વેચાણ શરુ થતા જ BookMyShow વેબસાઈટ અને એપનું સર્વર રવિવારે ક્રેશ થઈ ગયું હતું.